Only Gujarat

Gujarat

CM ભુપેન્દ્ર પટેલે ગુજરાતના આ સીટીની ગલીઓમાં રમતા હતાં ક્રિકેટ ને આ સ્કૂલમાં મેળવ્યું છે શિક્ષણ

વલસાડ: 15મી ઓગષ્ટે સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી વલસાડમાં થવા જઈ રહી છે. ત્યારે જૂના વલસાડ શહેરના વાણિયાવાડ વિસ્તારમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું બાળપણ આ વિસ્તારમાં જ વીત્યું હતુ.

વાણિયાવાડની ગલીઓ, મેદાનોમાં તેઓ ક્રિકેટ, ગીલ્લી દંડા, પકડદાવ જેવી રમતો રમી મોટા થયા છે. તેમનું પ્રાથમિક શિક્ષણ પણ પાઠશાળા કમ્પાઉન્ડમાં આવેલી કોઠારી શાળામાં મેળવ્યું છે. જેના કારણે વલસાડના વાણિયાવાડ વિસ્તાર સાથે તેમનો બાળપણનો નાતો છે. ત્યારે આ વલસાડમાં તેમના અધ્યક્ષસ્થાને થઇ રહેલી સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઇ આ વિસ્તારના લોકોમાં એક અનોખી ગર્વની લાગણી જોવા મળી રહી છે.

તેમનો પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો

ભુપેન્દ્રભાઇના પિતા રજનિકાંત પટેલની નોકરી વલસાડ પોલિટેકનિક કોલેજમાં હોય તેમના બાળપણનો એક દાયકા જેટલો સમય વલસાડ શહેરમાં વીત્યો હતો. તેઓ વાણિયાવાડ સ્થિત શ્રીનાથજી મંદિર સામેના એક જૂનવાણી ઘરમાં પહેલા માળે ભાડુઆત તરીકે બે બહેન અને એક ભાઇ સહિતના પરિવાર સાથે રહેતા હતા.

તેમનું ધોરણ 1 થી 4નું પ્રાથમિક શિક્ષણ વર્ષ 1967 થી 1971 દરમિયાન પાઠશાળા સંકુલમાં આવેલી કોઠારી શાળામાં થયું હતું. જેને લઇ તેમનું બાળપણ અહીં જ વીત્યું હતુ. સાથે આ મહોલ્લાના રહીશો તેમના મિત્રો હતા. જેમાં તેમના સૌથી નિકટના મિત્રોમાં શાહ વિરચંદ ગોવનજી જ્વેલર્સના માલિક કેતનભાઇ શાહ અને મુકેશભાઇ ગોળવાળા (શાહ) હતાં, જેની જાણ ખૂબ જ ઓછા લોકોને છે.

તેઓ મુખ્યમંત્રી બન્યા એ પહેલાં પણ કેતનભાઇ શાહના સંપર્કમાં હતા. મુખ્યમંત્રી બન્યા બાદ તેમની વલસાડની મુલાકાત બાદ તેઓ કોઇ પણ ઝાકમઝાળ વિના કેતનભાઇ શાહના મહેમાન પણ બન્યા હતા અને તેમણે તેમની સાથેના અનેક મિત્રોને યાદ કર્યા હતા. મુખ્યમંત્રી બન્યા પછી બાળપણના શહેરમાં આવે એટલે સામેથી મિત્રોને યાદ કરે છે.

આ વર્ષે 15મી ઓગષ્ટની ઉજવણી વલસાડમાં થઇ રહી છે, ત્યારે તેઓ પોતાના અનેક જૂના મિત્રો, શિક્ષકોને મળશે, જેના માટે વહીવટી તંત્ર કામે લાગ્યું છે. 14મી ઓગષ્ટના રોજ તેઓ આવાબાઇ સ્કૂલની અને કોઠારી સ્કૂલ (કુમાર શાળા)ની મુલાકાત લેશે. તેમજ પોતાના જૂના ઘરની પણ મુલાકાત લઇ શકે છે.

વલસાડ આવે એટલે તેમને જૂના દિવસો યાદ આવે : કેતનભાઇ શાહ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના બાળપણના ખાસ મિત્ર એવા કેતનભાઇ શાહે જણાવ્યું કે, તેમનું બાળપણ વાણિયાવાડની ગલીમાં જ વીત્યું હતું. અમે સાથે અંબામાતા મંદિરનું પ્રાંગણ, વિઠ્ઠલજી મંદિરનું પ્રાંગણ તેમજ દામોદર પાર્ક બિલ્ડીંગના સ્થાને એક વાડી હતી, ત્યાં ગિલ્લી દંડા, ક્રિકેટ જેવી રમતો રમતાં, સાથે જ એકબીજાના ઘરે જમતા અને ધમાલ મસ્તી કરી હતી, અમારું બાળપણ સાથે વીત્યું હતુ.

તેઓ જ્યારે વલસાડ એક લગ્નપ્રસંગમાં આવ્યા ત્યારે મારી સાથે ફરી મુલાકાત થઇ અને જૂના તમામ મિત્રોને યાદ કર્યા હતા. અમારી સાથે ભણતા બે મિત્રોના અવસાન થતાં તેમના પરિવારને મળવાની ઇચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી. આટલી કક્ષાએ પહોંચ્યા બાદ પણ તેમનો સ્વભાવ ખૂબ સાલસ છે. તેમજ તેઓ ખૂબ ધાર્મિક પણ છે. અમે જ્યારે મળીએ ત્યારે તેઓ મિત્રભાવે જ મળે છે.

પોતાના બાળપણના મકાનની મુલાકાત લઇ શકે છે મુખ્યમંત્રી

વલસાડ વાણિયાવાડ સ્થિત શ્રીનાથજી મંદિરની બરાબર સામે પાલિકાના માજી સભ્ય યશેષ માલીની બાજુમાં આવેલું તેમનું ઘર આજે પણ એ જ હાલતમાં છે. એ સમયે તેમનું ઘર બે માળનું હતુ. થોડા વર્ષો અગાઉ તેમના મકાનનો બીજો માળ પડી જતાં તેને ઉતારી લીધો હતો. આજે આ મકાન એક જ માળનું રહી ગયું છે. જ્યાં પહેલા માળે તેઓ રહેતા હતા.

આજે પણ તેમના ઘરની દિવાલો એવીને એવી છે. જૂના ગોખલાઓ તેની સાક્ષી પુરી રહ્યા છે. આ મકાનના માલિક બાબુભાઇ પંડ્યા હતા. જો કે, હાલ તેના માલિક રણજીતભાઇ શાહના પુત્રો દેવલ અને દર્શન છે. તેઓ હાલ અહીં રહેતા નથી પરંતુ હજુ તેમણે આ ઘરને બને એટલી સારી સ્થિતિમાં જાળવીને રાખ્યું છે. મુખ્યમંત્રી 15મી ઓગષ્ટ પૂર્વે આ ઘરની મુલાકાત લેશે તેવા અણસાર મળી રહ્યા છે.

You cannot copy content of this page