Only Gujarat

Gujarat

પોલીસકર્મીનો પત્ની સાથે આપઘાતઃ ચાર મહિનાનો પુત્ર બન્યો અનાથ, અરેરાટીભર્યો બનાવ

જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કર્મચારીઓની ભીડ વચ્ચે એક ઘરમાં પડ્યા હતા બે મૃતહેદ અને તેની બાજુમાં એક બાળક રમી રહ્યું હતું. આ ઘર હતું પોલીસ કોન્સ્ટેબલ ભરત જાદવનું. જેમણે પોતાની પત્ની સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમના મૃતદેહની બાજુમાં રમી રહેલું ચાર મહિનાનું બાળક તેમનું જ હતું. જે હવે અનાથ બની ગયું છે. જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા અને પંચકોશી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરત જાદવ અને તેમના પત્ની જાગૃતિબેનની લાશ એક સાથે જ તેમના નિવાસ્થાનેથી મળી આવી હતી. જો કે મૃતકો પાસેથી પોલીસને કોઈ સ્યૂસાઈડ નોટ મળી આવી નહોતી.

પોલીસે બંનેના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પરિવારજનોના નિવેદન નોંધ્યા છે. કેવા સંજોગોમાં આ કરુણ બનાવ બન્યો એ હાલ પોલીસે સ્પષ્ટ કર્યું નથી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ભરત જાદવનો ચાર મહિનાનો પુત્ર તેમના નિષ્પ્રાણ દેહ પાસે રમી રહ્યો હતો. આ માસૂમને તો ખ્યાલ જ નહોતો કે તેનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. હૃદય હચમચાવી મુકે તેવા દ્રશ્યો જોઈ ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીંજાઈ ગઈ હતી.

આ ઘટના મૂળમાં જઈએ તો સોમવારે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ પરથી બપોરે કોન્સ્ટેબલ ભરત જાદવ હેડક્વાર્ટર સ્થિત પોતાના ઘરે ગયા હતા. ત્યારબાદ સાંજે ચાર વાગ્યાના અરસામાં ભરતભાઇ અને તેમના પત્નિ જાગૃતિબેને જીવન ટૂંકાવ્યું હોવાનું મનાય છે. ઘટનાની જાણ રાત્રે આઠ વાગે થઈ. ભરતભાઈએ મોતને ગળે લગાવતા પહેલા પોતાના મોબાઈલમાં વોટ્સએપ પર છેલ્લે 3.56 કલાકે હિન્દી ગીત સાથેનું સ્ટેટ્સ પણ મૂક્યું હતું.

મૃતક જાગૃતિબેનના પિતા રમેશભાઈ સિંધવે જણાવ્યું હતું કે, તેમની દીકરીનો ફોન રોજ આવતો હતો. પરંતુ સોમવારે એક પણ ફોન ના આવતા તેમને ચિંતા થઇ. તેમણે ફોન કર્યો તો કોઈ ફોન પણ ઉપાડતું નહોતું. તેથી તેઓ હેડકવાર્ટરમાં જમાઈ અને દીકરીના ઘરે ગયા હતા. ડોરબેલ વગાડી પણ કોઈ જવાબ નહીં મળતા આજબાજુમાંથી પાડોશીને બોલાવીને દરવાજો તોડવામાં આવ્યો. અંદર જોઈને જોયું તે જમાઈ અનને તેમની દીકરી બન્ને ગળેફાંસો ખાઈ લટકતા હતા. જ્યારે ચાર મહિનાનો ભાણિયો રડી રહ્યો હતો.

કોન્સ્ટેબલ ભરત જાદવ સુખી પરિવારમાંથી આવે છે અને દોઢ વર્ષ પહેલા જ તેમના લગ્ન જાગૃતિબેન સાથે થયા હતા. જેમાં તેમને ચાર મહિનાનો પુત્ર પણ છે. પરંતુ આ દંપતીએ કયા કારણોસર આવું અવિચારી પગલું ભર્યું તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે. જો કે ચાર મહિનાના માસૂમે માતા-પિતાની છત્રછાયા ગુમાવતા દંપતીએ તેનો વિચાર કેમ ન કર્યો તે સવાલ પણ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.

 

You cannot copy content of this page