Only Gujarat

Gujarat

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીના વિચારો અને આદતો બદલાઈ ગઈ, જમવાનો ટેસ્ટ પણ ચેન્જ થઈ ગયો

દુનિયાભરમાં સૌથી વધારે મૃત્યુ હૃદય રોગોથી થાય છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશનના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં દર ત્રણમાંથી એક મૃત્યુ હૃદય રોગથી થાય છે. જો કે કેટલાક લોકોને હૃદય રોગ થાય છે ત્યારે તેઓ હાર્ટ સર્જરી એટલે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવીને જિંદગી બચાવતા હોય છે. પરંતુ જ્યારે કોઈનું દિલ અન્યના શરીરમાં ધબકે છે ત્યારે તેમાં પણ એટલી જ લાગણીઓ હોય છે જેટલી પહેલાની વ્યક્તિમાં હતી. વાત નવાઈ પમાડે તેવી છે, પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ દિલનું દાન કરનારાની કેટલીક આદતો, લાગણીઓ અને વ્યક્તિત્વની છાંટ તેમનું હૃદય મેળવનારી વ્યક્તિમાં આવી હોવાનો દાવો ખુદ દર્દીઓ, તેમના સગા અને તબીબો કરી રહ્યા છે. (તસવીરમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર રેખાબેન નાવડિયા અને લાલજી વાઘેલા.)

ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ અહેવાલ મુજબ અમદાવાદની સિમ્સ હોસ્પિટલના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર ધીરેન શાહનું માનીએ તો ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીના વ્યક્તિત્વમાં આવેલા ફેરફારની પહેલી જાણ તેમના પરિવારને થતી હોય છે. સર્જરી પછી દર્દીમાં કેટલાક ફેરફાર જોવા મળે છે. જેમ કે હૃદય આપનારી વ્યક્તિનાં જેવાં જ વિચારો, લાગણીઓ દર્દી અનુભવે છે. ઘણા દર્દીનાં સગાંને તેનો અનુભવ પણ થયેલો છે. તબીબોના મતે હૃદય મેળવનારી વ્યક્તિને દાતાનાં વિચારો, કેટલીક આદતો તેમજ તેમની લાગણીઓનો અનુભવો થતા હોય છે. પરંતુ આ વાતના કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. પહેલાં એવી માન્યતા હતી કે યાદો માત્ર વ્યક્તિના મગજમાં જ સંગ્રહાયેલી હોય છે, પરંતુ મગજની જેમ શરીરનાં મહત્ત્વનાં અંગોના કોષ એટલે કે સેલમાં પણ યાદોનો ભંડાર હોય છે. તેમાં પણ યાદગીરી જમા થતી હોવી જોઈએ, આથી દરેક સેલમાં યાદોના અંશો હોઈ શકે છે. જોકે આ અંગે રિસર્ચ હજુ પણ ચાલી રહ્યું છે.

જો વાત કરીએ રેખાબેન નાવડિયાના કિસ્સાની, તો તેમનામાં ખુશાલ સુનીલગિરિ ગોસ્વામીનું દિલ ધડકે છે. પહેલાં તેમને ભાત ભાવતા હતા, પણ હાર્ટ ટ્રાન્સ્પ્લાન્ટ બાદ હવે ભાત પસંદ નથી. તેમનો સ્વભાવ શાંત થઈ ગયો છે. રેખાબેન કહે છે કે ટ્રાન્સપ્લાન્ટ બાદ તેમની લાગણીઓ બદલાઈ છે. હવે સ્વભાવ શાંત થવાથી લઈ ગમા-અણગમા હાર્ટ ડોનેટ કરનારા ખુશાલ જેવા હોવાનું તેનાં માતાપિતા કહી રહ્યા છે. (તસવીરમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર રેખાબેન નાવડિયા)

આવો જ બીજો કિસ્સો છે અરજણ અંબાલિયાનો. જેમણે 19-12-2016ના રોજ હાર્ટ ટ્રાન્સ્પ્લાન્ટ કરાવ્યું અને હાલ તેમના શરીરમાં આસિફ મોહંમદભાઈ જુનેજાનું હૃદય બેસાડવામાં આવ્યું છે. તે પછી તેમનામાં પરિવર્તન એ આવ્યું કે, તેઓ નાની નાની વાતોમાં ગુસ્સો કરવા લાગ્યા. અરજણભાઈના પુત્ર જીવણ અંબાલિયાનું માનીએ તો તેમના પિતા પહેલા શાંત સ્વભાવના હતા, પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ નાની નાની વાતોમાં ગુસ્સો કરવા લાગ્યા હતા. જોકે થોડા સમય પહેલાં જ અરજણભાઈ ઇન્ફેક્શનને કારણે મોતને ભેટ્યા હતા. (તસવીરમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર અરજણ અંબાલિયા)

આવું જ એક ઉદાહરણ છે લાલજી વાઘેલાનું. તેમનું ટ્રાન્સપ્લાન્ટ તારીખ 20-11-2018ના રોજ કરવામાં આવ્યું અને તેમને હૃદયનું દાન કર્યું હતું જાનવી પટેલે. હવે લાલજીભાઈને જાનવીની જેમ ચટપટી વાનગી ખાવાનું મન થાય છે. લાલજી વાઘેલા કહે છે કે, પહેલાં દાળ-ભાત, શાક-રોટલી ખાતા હતા. પણ હવે જાનવીની જેમ અવનવી વાનગી ખાવા લાગ્યો છું. તેની જેમ સ્ટાઇલિશ કપડાં પહેરવાનો શોખ જાગ્યો છે. (તસવીરમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર સોહેલ વોરા અને લાલજી વાઘેલા)

સોહેલ વોરાનો કિસ્સો પણ આવો જ છે. તેમનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તારીખ 13-07-2017ના રોજ થયું અને અમિત હળપતિએ તેમને હૃદયનું દાન કર્યું. પહેલા સોહેલનો સ્વભાવ ચીડિયો હતો, પણ હવે શાંત થઈ ગયો છે. સોહેલના કાકા ફારુક વોરા કહે છે કે, સોહેલનો સ્વભાવ થોડો વિચિત્ર હતો, પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ તે શાંત થઈ ગયો છે, જોકે ધર્મની આસ્થામાં કોઈ ફેરફેર થયો નથી.

 

You cannot copy content of this page