Only Gujarat

Gujarat

એક્સપ્રેસ વે પર અકસ્માતમાં પતિ-પત્ની અને પુત્રનાં મોત બાદ વૃદ્ધ માતાએ રડતાં રડતાં કહ્યું, ત્રણેય જતાં રહ્યાં, હવે હું કેવી રીતે જીવીશ, મને પણ જોડે લઈ જાઓ’

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 10 લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. અમદાવાદ–વડોદરા હાઈવે પર ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં ગોઝારો અકસ્માત સર્જાતાં મોતની ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી. ત્યારે મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જીતપુરા ગામે રહેતા અને છેલ્લાં 20થી 25 વર્ષથી વાપી ખાતે સ્થાયી થયેલા એક જ પરિવારના ત્રણ લોકો- માતા-પિતા અને પુત્રનાં મોત નીપજતાં પરિવારમાં આભ તૂટી પડ્યું હતું. જ્યારે માતા-પિતા બંને દીકરીને નિરાધાર મૂકી ચાલ્યાં જતાં દીકરીઓ ધ્રુસકે-ધ્રુસકે રડી રહી હતી.

સામાજિક પ્રસંગ પતાવી અમદાવાદ જવા નીકળ્યાં હતાં

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 10 જેટલા લોકોનાં કમકમાટીભર્યાં મોત થતાં મોતની ચિચિયારી ગુંજી ઊઠી હતી. એમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જીતપુરા ગામે રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યનાં મોત થયાં હતાં. પરિવાર સામાજિક પ્રસંગ પતાવીને પોતાના સંબંધીને ત્યાં હાલોલથી અમદાવાદ જવા નીકળ્યો હતો. ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં માતા-પુત્ર સહિત પિતાનાં ઘટનાસ્થળે કરુણ મોત થતાં પરિવારજનોમાં મોતનો માતમ છવાયો હતો.

બહેનની તબિયત જોવા નીકળેલા પરિવારને અકસ્માત નડ્યો

ગોધરા તાલુકાના જીતપુરા ગામે રહેતા અમિતભાઈ મનોજભાઈ સોલંકી પોતાનાં પત્ની અને ત્રણ બાળક સાથે છેલ્લાં 20થી 25 વર્ષથી વાપી ખાતે સ્થાયી થયા હતા. જ્યાં અમિત સોલંકી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ત્યારે બે દિવસ પહેલાં પોતાના ગામમાં સામાજિક પ્રસંગ હતો એટલે પોતાનાં પત્ની સાથે બે દીકરી અને દીકરા સાથે વાપીથી હાલોલ ખાતે આવ્યા હતા અને પ્રસંગ પતાવીને અમિતભાઈ પોતાની બહેનની તબિયત જોવા માટે પોતાનાં પત્ની ઉષાબેન અને દીકરા દક્ષ સાથે એક ખાનગી કારમાં અમદાવાદ જવા નીકળ્યા હતા. પોતાની બહેનની તબિયત જોતાં પહેલાં જ અધવચ્ચે એક ગોઝારી ઘટનામાં ત્રણેયનાં કરુણ મોત થયાં હતાં.

ત્રણ અર્થી ઊઠતાં આખું ગામ હીબકે ચઢ્યું

આ ગોઝારી ઘટનાને લઈને દિવ્ય ભાસ્કરની ટીમે મૃતકના પરિવારના સભ્યો સાથે વાત કરી હતી, જેમાં અમિતભાઈ સોલંકીના જીજાજી જશવંત પરમારે જણાવ્યું હતું કે તેમના સાળા અમિત સોલંકી પોતાના પરિવાર સાથે વાપીથી હાલોલ એક પ્રસંગમાં આવ્યા હતા અને ત્યાર બાદ તેઓ પ્રસંગ પતાવીને પોતાની બહેનની તબિયત સારી ન હતી એ માટે અમદાવાદ જવા માટે નીકળ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

જશવંતભાઈએ જણાવ્યું હતું કે આ ગોઝારી ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થતાં પોતાની બંને દીકરીને આમ નિરાધાર મૂકીને ચાલ્યાં જતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ગોધરા તાલુકાના જીતપુરા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોમાં માતા-પુત્ર અને પિતાની સાથે ત્રણ અર્થી ઊઠતાં આખું ગામ હીબકે ચઢ્યું હતું. જ્યારે એકસાથે માતા-પિતા અને પોતાના સાડાચાર વર્ષના ભાઈને ગુમાવતાં દીકરીઓમાં ગમગીની છવાઈ હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page