યુવાન શિક્ષિકા વીજ મોટરને અડતા કરંટ ભરખી ગયો, બે વર્ષના બાળકે માતાનો સહારો ગુમાવ્યો

લખપત તાલુકાના પાન્ધ્રો અપના નગર ખાતે રહેતા અને તાલુકાની બુધા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા યુવાન શિક્ષિકાને વીજ શોર્ટ લાગવાથી મોત નિપજયું હતું. મહિલાને દયાપર સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ માટે લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તાલુકાના શિક્ષણ જગતમાં બનાવને પગલે શોકનો માહોલ છવાયો હતો. યુવાન શિક્ષિકાના મોતને કારણે બે વર્ષના બાળકે માતાનો સહારો ગુમાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ લખપત તાલુકાના બુધા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને અપના નગર પાનધ્રો ખાતે રહેતા ચેતનાબેન નીલેશભાઇ પટેલ (ઉ.વ.28) પોતાના ઘરે પાણીની મોટરની સ્વીચ ચાલુ કરી ચાલુ વીજલાઇન બાદ ઇલેકટ્રીક મોટરને અડી જતા જોરદાર કરંટ લાગ્યો હતો, વીજ શોકના કારણે શિક્ષિકાનું સ્થળ પર જ મોત નિપજયું હતું. બનાવ વેળાએ પતિ નિલેશ રમણભાઇ પટેલ પાન્ધ્રો ખાતે શિક્ષકોની મીટિંગમાં ગયા હતા. ઘરમાં માત્ર બે વર્ષનો બાળક જ હોવાનું અને જયારે બનાવ બન્યો ત્યારે આ બાળક ગભરાઇને રડવાનું શરૂ કરતા બાજુમાં રહેતા લોકો ઘર તરફ દોડી આવ્યા હતા.

બનાવની જાણ તેના પતિને કરવામાં આવ્યા બાદ હતભાગી મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે દયાપર સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવી હતી. ઘરના અંગેની જાણ થતા જ શિક્ષકો મોટી સંખ્યામાં હોસ્પિટલ બહાર અેકત્ર થયા હતા. નારાયણ સરોવર પોલીસ મથકના પીએસઆઇ એમ. કે. ચૌધરી દયાપર દોડી આવ્યા હતા અને અકસ્માત મોતનો ગુનો દર્જ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલાનું પોસ્ટમોર્ટમ થયા બાદ તેની અંતિમવિધી તેના વતન કરવા માટે મૃતદેહને લઇ જવામાં આવ્યો હતો.

મૃતક શિક્ષિકા મુળ મહિસાગરના વતની
હતભાગી ચેતનાબેન પટેલ મુળ ભવાનપુરા તા. સંતરામપુરા (જિલ્લો મહિસાગર)ના વતની હતા અને ચારેક વર્ષથી લખપત તાલુકાના બુધા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. તેમના પતિ નિલેશ રમણભાઇ પટેલ સાથે અપના નગર પાન્ધ્રો ખાતે રહેતા હતા. મૃતક મહિલાને બે વર્ષનો એક બાળક છે.

You cannot copy content of this page