ખુશીનું ગળું દબાવીને હત્યા બાદ લાશ મૂકીને ભાગી ગયો, વરસાદને કારણે શરીર હાડપિંજર બની ગયું

અમદાવાદના ગોતામાં સાત વર્ષની બાળકીની હત્યાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. માસૂમ જેને મામા કહેતી હતી તે શખ્સ મામા કંસથી પણ વધુ શેતાન સાબિત થયો અને તેણે જ બાળકીની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચોંકાવનારી વાત એ છે કે કહેવાતા મામાએ દુષ્કર્મના ઈરાદે બાળકીનું અપહરણ કર્યું અને ત્યારબાદ ખેતરમાં તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો. પરંતુ તેમાં સફળતા નહીં મળતા તેણે માસૂમને મોતને ઘાટ ઉતારી દીધી.

આ ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદ એસ.જી હાઇવે પર આવેલા ગોતા હાઉસિંગમાં ખુશી નામની સાત વર્ષની માસૂમ દીકરી તેના પરિવાર સાથે રહેતી હતી. 12 તારીખે રાત્રે 8 વાગ્યાની આસપાસ બાળકી અચાનક ગૂમ થઈ ગઈ હતી. પરિવાર ખુશીને શોધવા આકાશ-પાતાળ એક કર્યા. પણ લાડકી દીકરીની કોઈ માહિતી નહીં મળતા ખુશીના પરિવારજનોએ તેના ગુમ થવાની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસને જાણ કરતાં ક્રાઈમ બ્રાંચે બાળકીની શોધખોળ શરૂ કરાઈ હતી. એવામાં મંગળવારે રાત્રે બાળકીનો મૃતદેહ ઓગણજ ટોલ પ્લાઝા પાસે એક ખેતરમાંથી મળી આવ્યો. બાળકીના મૃતદેહ પર કપડાં ન હતા અને તેનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં હતો.

દરમિયાન ક્રાઈમ બ્રાંચના એક કોન્સ્ટેબલને બાતમી મળી કે આ હત્યામાં ખુશીના પાડોશીનો હાથ હોઈ શકે છે. તેના આધારે પોલીસે પાડોશમાં જ રહેતા ભીખા મિસ્ત્રી પર વોચ રાખી. તેની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે તેની પૂછપરછ કરી. જેમાં તેણે કબૂલ્યું કે તે બાળકીને રિક્ષા કરીને ઓગણજ લઈ ગયો હતો. જ્યાં તેણે દુષ્કર્મનો પ્રયાસ કરતાં બાળકીએ બૂમો પાડતા તેની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. મૃતક બાળકીની માતા આરોપીને ધરમનો ભાઈ માનતી હતી અને બાળકી તેને મામા તરીકે સંબોધતી હતી. પરંતુ મામાએ સંબંધોનું જ ખૂન કરી નાખ્યું. તે અપરીણિત હોવાથી ઘણા સમયથી તેના મનમાં વાસનાનો કીડો સળવળી રહ્યો હતો.

તક મળતા જ ભીખો ખુશીને લઈને ઓગણજ પાસેના ખેતર નજીક ગયો હતો. જ્યાં ઊંચું ઘાસ ઊગી ગયું હતું. જેથી ખેતરમાં અંદર લઈ જઈને ખુશીને ભીખાએ ખુશીને નિર્વસ્ત્ર કરી અનેક વખત બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ખુશી બુમો પાડવા લાગી હતી. જેથી પોતે હવે પકડાઈ જશે તેવા ડરથી ભીખાએ ખુશીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. બાદમાં ખુશીની લાશ ત્યાં જ નાખીને ભાગી ગયો હતો.

આ દરમિયાન વરસાદ તેમજ ભેજના કારણે ખુશીની લાશ કોહવાઈ ગઈ હતી અને તેનાથી તેના શરીરનો મોટો ભાગ હાડપિંજર બની ગયો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચે ભીખાને પકડીને તેની સામે ખુશી સાથે બળાત્કાર અને હત્યાની કલમ હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભીખો અને તેનો એક ભાઈ એકલા રહે છે તેમજ તે મિસ્ત્રી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે.