Only Gujarat

Gujarat

આ ખેડૂતની વસ્તુ લેવા થાય છે પડાપડી, દેશમાં જ નહીં ફોરેનમાંથી પણ આવે છે લાખોના ઓર્ડર

અનેક ખેડૂતો માત્ર ખેતીમાંથી જ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. તેથી ખેતી તરફ આકર્ષાઈને કેટલાંક યુવાનો સારા પગારની નોકરીને ઠોકર મારીને ખેતી કરવા લાગ્યા છે અને તેના થકી લાખો રૂપિયા પણ કમાય છે. આવી જ એક વ્યક્તિ છે આણંદ જિલ્લાના બોરિયાવી ગામના દેવેશ પટેલ.

દેવેશ પટેલે લાખો રૂપિયાની નોકરી છોડી ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. ઈર્ન્ફોર્મેશન ટેક્નોલોજિમાં એન્જિનિયરિંગ કરનાર દેવેશ હળદર, આદુ, અશ્વગંધા, લીંબુ, શાકભાજી અને અનાજ પોતાના ખેતરમાં ઉગાડે છે. હાલમાં જ તેમણે ઈમ્યૂનિટી વધારવા માટે હળદર કેપ્સૂલ લોન્ચ કરી છે, જેની ખૂબ જ માગ છે. ઓર્ગેનિક ખેતી કરી આ યુવાન વાર્ષિક સવા કરોડ રૂપિયા કમાય છે.

શિક્ષણ ક્યારેય વ્યર્થ નથી જતું. જો તમે શિક્ષિત હોવ તો કોઈપણ ક્ષેત્રમાં એનો ઉપયોગ કરીને સફળ થઈ શકો છો. આ વાત સાબિત કરી છે આણંદના દેવેશ પટેલે. આ યુવા ખેડૂતનો પરિવાર 1992થી ઓર્ગેનિક ખેતી કરે છે. હાલ પણ 5-7 એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી કરે છે. બોરિયાવી ગામની હળદર દેશભરમાં પ્રખ્યાત છે. આ વાતને ધ્યાનમાં રાખી આ ખેડૂતે 2010માં વેલ્યુ એડિશન કરવાનું શરૂ કર્યું. થોડાં દિવસ પહેલા તેનું પેટન્ટ પણ કરાવ્યું છે.

સત્ત્વ બ્રાંડ હેઠળ આજે હળદર, આદુ, અશ્વગંધા, લીમડો, મધ, જેઠીમધ, શાકભાજી, અનાજ સહિતની વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરવામાં આવે છે. તેમની સાથે મોટી સંખ્યામાં અન્ય ખેડૂતો પણ જોડાયા છે. તેમની પ્રોડક્ટની સપ્લાય અમેરિકામાં પણ થાય છે. જર્મની, અમેરિકા, ફ્રાન્સ જેવા ઘણા દેશોની કંપનીઓએ તેમના આ સાહસમાં રોકાણ કરવા માટે રસ દાખવ્યો છે.

દેવેશ ઇન્ફોર્મેશન ટેક્નોલોજિ સાથે એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે. IT એન્જિનિયર તરીકે તેમને લાખો રૂપિયાના પગારની ઓફર હતી. પરંતુ તેમણે પરિવારની રાહે ચાલીને ઓર્ગેનિક ખેતી કરવાનું પસંદ કર્યું. આજે તેઓ કરોડોની કમાણી કરી રહ્યા છે. દેવેશભાઈએ જણાવ્યું કે, આ વર્ષે માર્ચમાં અમે ઈમ્યૂનિટી પાવર વધારનારી હળદરની કેપ્સૂલ લોન્ચ કરી છે. તેને માટે અમે દેશી હળદરને પ્રોસેસ કરી તેના 150 તત્વોને એક્ટિવ કર્યા. કારણ કે, હાલ જે હળદર ખાવામાં આવે છે, તેનો ફાયદો સીમિત હોય છે.

બીજું કે, તેનો ઉપયોગ લોકો નિયમિત રીતે નથી કરતા, જેને કારણે હળદરના પોષક તત્વોનો પૂરો ફાયદો શરીરને નથી મળતો. આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને અમે હળદર કેપ્સૂલ બનાવી છે. જોકે, કોરોનાને પગલે તેની સપ્લાય માત્ર ગુજરાત અને આસપાસના ક્ષેત્રો સુધી જ સીમિત રહી. હવે પરિસ્થિતિ સુધરી રહી છે, તો દેશભરમાં તેની સપ્લાય શરૂ કરી રહ્યા છીએ.

દેવેશ પટેલે જણાવ્યું હતું કે અમે ચોકલેટ પાઉડરની જેમ દૂધમાં નાખીને પી શકાય તેવો હળદરનો પાઉડર બનાવ્યો છે. આ સંપૂર્ણ ઓર્ગેનિક છે અને એને યુરોપમાં નિકાસ કરવામાં આવે છે. હવે એને ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. આ માટે તેનાં પેકેજિંગ અને ડિઝાઈન અમદાવાદમાં તૈયાર થઈ રહી છે. બાળકોને ધ્યાનમાં રાખીને આ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે.

યુરોપમાં અમને સારો રિસ્પોન્સ મળ્યો એટલે હવે એને ભારતમાં લોન્ચ કરીશું. તેમનું લક્ષ્ય હવે ઓર્ગેનિક બટકાનું છે. ઓર્ગેનિક બટાકાના ઉત્પાદન માટે દેવેશ પટેલ પોતાના જ ગામની આસપાસ વધારે જમીન ખરીદશે.

You cannot copy content of this page