Only Gujarat

National

બુકીના ઘરેથી મળ્યા 17 કરોડ રૂપિયા રોકડા, નોટોના બંડલો જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા

મહારાષ્ટ્રમાં એક ઇન્ટરનેશનલ ક્રિકેટ બુકીનો પર્દાફાશ થયો છે. એક બુકીએ નાગપુરના એક વેપારીને નકલી સટ્ટાબાજીની એપમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. પરંતુ તે પછી તેણે બિઝનેસમેન સાથે 58 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

બુકીએ વેપારી સાથે છેતરપિંડી કરી હતી

જ્યારે નાગપુર પોલીસને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેણે મહારાષ્ટ્રના ગોંદિયામાં આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા. આરોપી ઘરે મળ્યો ન હતો પરંતુ પોલીસને તેના ઘરેથી 17 કરોડથી વધુની રોકડ મળી આવી હતી. આ સિવાય 14 કિલો સોનું અને 200 કિલોથી વધુ ચાંદી મળી આવી છે.

ક્રિકેટ બુકી અનંત નવરતન મહારાષ્ટ્રના ગોંદિયામાં રહે છે, જે નાગપુરથી 160 કિલોમીટર દૂર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો ત્યારે તે પહેલા જ દુબઈ ભાગી ગયો હતો. નાગપુરના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે ક્રિકેટ બુકીએ બિઝનેસમેનને ઓનલાઈન જુગાર અને અન્ય વસ્તુઓમાંથી પૈસા કમાવવાની ઓફર સાથે લલચાવ્યો હતો. બુકીએ ઓનલાઈન જુગાર ખાતા ખોલવા માટે વેપારીને વોટ્સએપ પર એક લિંક આપી હતી. તે પછી તે લિંક પર જઈને વેપારીએ પોતાનું એકાઉન્ટ બનાવ્યું અને જુગાર રમવાનું શરૂ કર્યું.

ઉદ્યોગપતિને 58 કરોડ રૂપિયાનું નુકસાન થયું

બુકીની લાલચમાં આવીને વેપારી તેની જાળમાં ફસાઈ ગયો. ત્યારબાદ વેપારીએ હવાલા એજન્ટ મારફતે બુકીને 8 લાખ રૂપિયા મોકલ્યા હતા અને જુગાર રમવાનું શરૂ કર્યું હતું. પોલીસ કમિશનરે કહ્યું કે જ્યારે વેપારીએ રૂ. 58 કરોડ ગુમાવ્યા ત્યારે તેમને લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે. બિઝનેસમેને માત્ર 5 કરોડ જીત્યા હતા અને 58 કરોડ ગુમાવ્યા હતા.

પોલીસ કમિશનરે જણાવ્યું કે વેપારીએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.  જેના પગલે બુકી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા હેઠળ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો. પોલીસે જણાવ્યું હતું કે બુકી દુબઈ ભાગી ગયો હોવાની આશંકા છે. પોલીસ કમિશનરે કહ્યું કે જપ્ત કરાયેલી સંપત્તિની કુલ કિંમત હજુ નક્કી કરવામાં આવી નથી.

You cannot copy content of this page