Only Gujarat

FEATURED National

‘બાબા કા ઢાબા’નો વીડિયો વાયરલ થતાં ભોજન માટે લોકોની જામી ભીડ, જુઓ તસવીરો

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા એક એવું સાધન બની ગયું છે, જેની પર લોકો પોતાની ઘણી સમસ્યાઓનું સમાધાન મેળવતા હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ‘બાબા કા ઢાબા’ નામના નાનકડા ફૂડ સ્ટોલનો એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોને જોતા જ તે સ્ટોલ ચલાવતા વૃદ્ધ દંપત્તિને એવો સપોર્ટ મળ્યો કે લોકોની લાઈન લાગી અને આ દંપત્તિની તમામ મુશ્કેલીઓનો અંત આવતો જોવા મળી રહ્યો છે. અગાઉ જે સ્ટોલ પરથી અડધો કિલો દાળ પણ આખા દિવસમાં વેચાતી નહોતી ત્યાં આજે લોકોની ભીડ જમવા માટે જામી રહી છે, આ ઉપરાંત લોકો ઝોમાટો જેવી એપ થકી ઓનલાઈન પણ અહીંથી ઓર્ડર કરી રહ્યાં છે.

7 ઓક્ટોબરે ઈન્સ્ટાગ્રામથી લઈ ફેસબુક પર એક વીડિયો ઘણો જોવામાં આવ્યો હતો. આ વીડિયો દિલ્હીના માલવીય નગરમાં શૂટ કરાયો હતો. અહીંના ‘બાબા કા ઢાબા’માં કામ કરતા વૃદ્ધ દંપત્તિની પીડાને તે વીડિયોમાં દેખાડવામા આવી હતી. યુટ્યૂબર ગૌરવ વાસને આ વીડિયો બનાવ્યો હતો. ‘બાબા કા ઢાબા’ચલાવતા કાંતા પ્રસાદ અને તેમની પત્ની બાદામી દેવી આ વીડિયોમાં પોતાના સંઘર્ષના કારણે રડતા જોવા મળી રહ્યાં છે. પરંતુ વીડિયો વાઈરલ થયા બાદ હવે તેમના ચેહરા પર સ્મિત જોઈ શકાય છે.

લૉકડાઉનને કારણે તેમનો પણ ફૂડ સ્ટોલ બંધ હતો. તેમણે તેને ફરી શરૂ કર્યો ત્યારે લોકો ત્યાં આવી રહ્યાં નહોતા. મોટાભાગનું ખાવાનું બચી જતું, જેના કારણે તેમને નુકસાન થતું હતું. પરંતુ વીડિયો વાઈરલ થતાની સાથે જ તેમની તમામ સમસ્યાઓ દૂર થઈ ગઈ. બોલિવૂડથી લઈ સ્પોર્ટ્સ વર્લ્ડના લોકોએ આ વીડિયોને રી-ટ્વિટ કરી ફેન્સને અપીલ કરી કે આ દંપત્તિને સપોર્ટ કરવામા આવે. આ ઉપરાંત આપના ધારાસભ્ય સોમનાથ ભારતીએ પોતે ‘બાબા કા ઢાબા’ની મુલાકાત લીધી હતી.

વીડિયો વાઈરલ થયાના બીજા જ દિવસે તેમના સ્ટોલ બહાર જબરદસ્ત ભીડ જોવા મળી. લોકો અહીંથી ભોજન લીધા બાદ સેલ્ફી લેતા અને પોતાનો સપોર્ટ દેખાડી રહ્યાં હતા. ટ્વિટર પર ‘બાબા કા ઢાબા’ ટ્રેન્ડ કરી રહ્યું હતું. જો કોઈ કોરોનાને કારણે બહાર નીકળવાનું ટાળી રહ્યું હોય તો તેવા લોકો માટે ઝોમાટો પણ એક વિકલ્પ છે. જેથી લોકો અહીંનું ભોજન તેમની એપ થકી ઓર્ડર કરી શકે છે.

ઝોમાટોએ એ લોકોનો આભાર માન્યો જેમના કારણે તેમનું ધ્યાન આ ઢાબા પર ગયું અને તેઓ વૃદ્ધ દંપત્તિના ફૂડ સ્ટોલ સાથે જોડાઈ શક્યા. જે કપલ પાસે 2 દિવસ અગાઉ પોતાના ઢાબાને ચલાવવા માટે કરિયાણાની વ્યવસ્થા કરવા માટે પૈસા નહોતા, આજે તેમના ચેહરા પર સ્મિત છે. સોશિયલ મીડિયાની આ તાકાત ઘણા લોકોનું જીવન બદલવા સક્ષમ છે.

ઢાબા બહાર જાહેરાત માટે કંપનીઓમાં સ્પર્ધા
‘બાબા કા ઢાબા’ના લોકપ્રિય થયા બાદ અહીં બહાર ઘણી કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સની જાહેરાત લગાવવા માટે લાઈન લગાવી રહી છે. કાંતા પ્રસાદના સ્ટોલ પર પોસ્ટર અને બેનર્સની ભરમાર જોવા મળી રહી છે. હવે ભાગ્યે જ કોઈ જગ્યા તેમના સ્ટોલ પર આવા પોસ્ટર માટે બાકી હશે. તેઓ હવે સેલિબ્રિટી બની ગયા છે.

કાંતા પ્રસાદ હાલ ઘણા વ્યસ્ત થઈ ગયા છે અને તેઓ પોતાની મદદ માટે વધુ લોકોની શોધ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, અગાઉ અડધા કિલો ચોખા પણ વેચી શકતા નહોતા અને હવે અડધા દિવસમાં જ 5 કિલોથી વધુ ચોખા વેચે છે. કંપનીઓની જાહેરાત અંગે કાંતા પ્રસાદે કહ્યું કે, આ મદદ અને પ્રચાર બંને છે. હવે તેમને એટલી મદદની જરૂર નથી તેથી લોકો અન્યોની મદદ કરતા થાય.

You cannot copy content of this page