Only Gujarat

National

કોઈને ભૂખ્યું ન સૂવું પડે એટલે બે ભાઈઓએ વેચી નાંખી જમીન, 3 હજાર પરિવારની કરશે મદદ

બેંગલુરુ: કોરોના વાયરસે આખી દુનિયામાં તબાહી મચાવી રાખી છે. આ વચ્ચે, દેશ અને દુનિયામાં મદદ કરનાર લોકો પણ સામે આવી રહ્યા છે. તેમનો મદદ કરવાનો ઉત્સાહ લોકોને આ મહામારીનો સામનો કરવાનો ઉત્સાહ આપી રહ્યો છે. આવો જ એક મામલો શનિવારે કર્ણાટકના કોલાર જિલ્લાનો સામે આવ્યો. અહીં બે ભાઈઓ તજમ્મુલ પાશા અને મુજમ્મિલ પાશાએ ગરીબોને ભોજન કરાવવા માટે પોતાની જમીનને 25 લાખમાં વેચી નાખી. પાશા ભાઈઓ ખેતી અને રિયલ એસ્ટેટનું કામ કરે છે. જ્યારે તેમના માતા-પિતાનો દેહાંત થયો ત્યારે તજમ્મુલની ઉંમર પાંચ વર્ષ હતી જ્યારે મુજમ્મિલની ઉંમર માત્ર ત્રણ વર્ષ. જે બાદ બંને પોતાની દાદી પાસે ચાલ્યા ગયા હતા.

લોકોની મદદ કરવા લીધો નિર્ણય
તેમણે જણાવ્યું કે, લૉકડાઉન દરમિયાન કોલારમાં શ્રમિકો અને તેમના પરિવારની સ્થિતિ જોઈને અમે નક્કી કર્યું કે તેમની મદદ કરવા માટે આપણે આપણી જમીન વેચી નાખીએ. એમાંથી મળેલા પૈસામાંથી જરૂરી સામાન ખરીદી શકીશું.

કમ્યુનિટી કિચન બનાવ્યું જેથી લોકોને ભોજન મળે
બંને ભાઈઓએ લોકોને રાશનની સાથે પૈસા પણ આપ્યા. સાથે જ એરિયામાં ટેન્ટ લગાવીને કમ્યુનિટી કિચન બનાવ્યું જેથી ત્યાં તૈયાર ભોજન જરૂરિયાતમંદ લોકોમાં વહેંચી શકાય. 3 હજારથી વધુ પરિવારને રાશન ઉપલબ્ધ કરાવ્યું. લોકોમાં સેનિટાઈઝર અને માસ્ક પણ વહેંચ્યા.

દરેક સમુદાયે ભેદભાવ વગર કરી મદદ- તજમ્મુલ
તજમ્મુલ પાશાએ કહ્યું કે, અમારા માતા-પિતાનો જલ્દી દેહાંત થઈ ગયો હતો. જ્યારે અમે કોલસામાં પોતાની દાદીના ઘરે આવ્યા ત્યારે અહીં હાજર હિંદૂ-મુસ્લિમ-સિખ-ઈસાઈ સમુદાયના લોકોએ કોઈ ભેદભાવ વિના અમને જીવન જીવવામાં મદદ કરી હતી. અમે ગરીબીમાં મોટા થયા. અમે બૉન્ડ સાઈન કરીને મિત્ર સાથે જમીનનો સોદો કરી લીધો છે.

કોલાર પ્રશાસને આપ્યા પાસ
કોલાર પ્રશાસને બંને ભાઈઓ માટે વૉલંટિયર્સના પાસ જાહેર કર્યા છે જેથી તેઓ કોઈ અડચણ વગર લોકોની મદદ કરી શકે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમિત લોકોની સંખ્યા 26 હજારને પાર કરી ચુકી છે. ગૃહ મંત્રાલયના પ્રમાણે, મૃત્યુઆંક પણ વધ્યો છે.

You cannot copy content of this page