Only Gujarat

Gujarat TOP STORIES

ગુજરાતના આ શહેરમાં આભ ફાટ્યું, માત્ર 4 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો

સુરત: સમગ્ર ગુજરાતમાં ગરમીથી લોકો કંટાળી ગયા છે ત્યારે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં ઠંડક પ્રસરી ગઈ છે જેથી લોકોમાં હાશકારો જોવા મળ્યો હતો. જોકે આ વરસાદ ‘નિસર્ગ’ વાવાઝોડાની અસરને કારણે પડી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના ઉમરપાડામાં શનિવારે બપોર બાદ 4 કલાકમાં 9 ઈંચ જેટલો વરસાદ ખઆાબક્યો હતો. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતાં અને જાણે પહેલા જ વરસાદે લોકોનું જીવન અસ્ત-વ્સ્ત કરી નાખ્યું હોય તેવું લાગી રહ્યું હતું. તાલુકાની બંને નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાય હતી.

બે દિવસ પહેલા પશ્ચિમી તટ પર આવેલ વાવાઝોડા બાદ દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જોકે શનિવારે સુરત જિલ્લાના ઉમરપાડામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. બપોર બાદ ઉમરપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે પવન સાથે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ત્યાર બાદ ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. જેને કારણે બજારોમાં ઘૂટણ સમા પાણી ભરાઈ ગયા હતા.

ઉમરપાડા પ્રવેશદ્વાર નજીક આવેલું ગરનાળું ભારે વરસાદને કારણે પાણીમાં ડૂબી ગયું હતું. કેટલાક ગામડાંઓના રસ્તા ઉપર પાણી ફરી વળતાં થોડા સમય માટે લોકોનો સંપર્ક તૂટી ગયો હતો. જ્યારે કેવડી ગામમાં પણ જોરદાર વરસાદ પડતાં બજારમાં ખરીદી કરવા ગયેલ લોકો બજારમાં ફસાઈ ગયા હતા.

વરસાદને કારણે વીરા અને મોહન નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય હતી. કેટલાંક ગામડાઓમાં કોઝવે અને લો લેવલ બ્રિજ ડૂબી જતાં થોડા સમય માટે સંપર્ક તુટી ગયો હતો.

સુરત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઉમરપાડા તાલુકામાં બપોરે 2થી 4 દરમિયાન 182 મી.મી અને 4થી 6 વાગ્યા સુધીમાં 50 મી.મી મળી કુલ 232 મીમી એટલે કે 9 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ હજુ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તેમાં પણ હવામાન વિભાગ દ્વારા 11મી જૂને સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ, વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલી, નવસારી, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ ,કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

You cannot copy content of this page