Only Gujarat

Religion TOP STORIES

આજે પણ આ રહસ્યમય જગ્યાએ છે ભગવાન પરશુરામની વિશાળ કુહાડી

પૌરાણિક કથાઓ અને વાર્તાઓમાં તમે ઘણીવાર ભગવાન પરશુરામ અને તેમની કુહાડી વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમને ખબર છે કે, તે આજે પણ આ ધરતી પર છે! જી હા, એવો દાવો કરવામાં આવે છે કે, એક પર્વત પર આવેલ એક મંદિરમાં ભગવાન પરશુરામની કુહાડી જમીનમાં ખોસેલી છે, જેને તેમણે જાતે જ ખોસી હતી. આ કુહાડી સાથે જોડાયેલ વાર્તા પણ ખૂબજ રહસ્યમય છે, જેના વિશે ખૂબજ ઓછા લોકો જાણતા હશે. આજે અમે તમને આ વાર્તા વિશે જ જણાવી રહ્યા છીએ, જે તમને પણ આશ્ચર્યચકિત કરી દેશે.

ઉલ્લેખનિય છે કે, ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 150 કિમી દૂર ગુમલા જિલ્લામાં એક પર્વત છે, જ્યાં ટાંગીધામ આવેલું છે. આ ધામમાં એક મંદિરમાં ભગવાન પરશુરામની કુહાડી ખોસેલી છે. આમ તો આ કુહાડી ખુલ્લા આકાશ નીચે છે, પરંતુ હજુ સુધી તેને કાટ નથી લાગ્યો. આ પણ એક રહસ્ય છે કે, હજારો વર્ષો બાદ પણ આમ સુરક્ષિત કેવી રીતે છે?

એવી માન્યતા છે કે, જે પણ વ્યક્તિ તેની સાથે છેડ-છાડ કરવાનો પ્રયત્ન કરે છે તેને ગંભીર પરિણામ ભોગવવાં પડે છે. કહેવાય છે કે, લુહાર જાતિના કેટલાક લોકોએ આ કુહાડીને જમીનમાંથી ઉખાડીને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બહુ મહેનતે પણ સફળતા ન મળતાં તેમણે જમીનથી ઉપરનો ભાગ કાપી નાખ્યો. જોકે તેમ છતાં પણ તેઓ તેને લઈ જઈ શક્યા નહોંતા. કહેવાય છે કે, આ ઘટના બાદ આસપાસ રહેતા લુહાર જાતિના લોકોનું એક બાદ એક મૃત્યુ થવા લાગ્યું, ત્યારબાદ તેઓ આ વિસ્તાર છોડીને જતા રહ્યા હતા. આત્યારે પણ આ જાતિના લોકો આસપાસનાં ગામમાં રહેતાં પણ ડરે છે.

ભગવાન પરશુરામ ટાંગીનાથ ધામ ક્યારે આવ્યા અને તેમની આ કુહાડી જમીનમાં કેમ ખોસી એ વિશે પણ રસપ્રદ વાર્તા છે. એવી માન્યતા છે કે, ત્રેતાયુગમાં જનકપુરમાં માતા સીતાના સ્વયંવર દરમિયાન જ્યારે ભગવાન શ્રીરામે શિવજીનું ધનુષ તોડ્યું ત્યારે તેનો ભયાનક અવાજ સાંભળી પરશુરામ ગુસ્સામાં જનકપુર પહોંચી ગયા અને તેમણે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણને ઓળખ્યા વગર બહુ આડુ-અવળું બોલ્યા. પરંતુ પછી તેમને ખબર પડી કે, શ્રીરામ તો ભગવાન વિષ્ણુના અવતાર છે અને તેમને ખૂબજ શરમ અનુભવાઇ. ત્યારબાદ પ્રાયશ્ચિત માટે તેઓ ગાઢ જંગલોમાં એક પર્વત પર જતા રહ્યા. . ત્યાંજ તેમણે તેમની કુહાડી ખોસી દીધી અને તપસ્યા કરવા લાગ્યા. આ જ જગ્યાને ટાંગીનાથ ધામના નામે ઓળખવામાં અવે છે. કહેવાય છે કે, કુહાડી સિવાય અહીં ભગવાન પરશુરામનાં પદચિન્હ પણ છે.

ટાંગીનાથ ધામમાં સેંકડો શિવલિંગ અને પ્રાચીન પ્રતિમાઓ પણ છે, જે બધાં જ ખુલ્લા આસમાન નીચે જ છે. કહેવાય છે કે, વર્ષ 1989 માં પુરાતત્વ વિભાગે અહીં ખોદકામ કરાવ્યું હતું, જેમાં તેમને હીરા જડિત મુઘટ અને સોના-ચાંદીનાં ઘરેણાં, ઉપરાંત બીજી ઘણી કિમતી વસ્તુઓ મળી હતી.

જોકે ત્યારબાદ અચાનક જ ત્યાં ખોદકામ બંધ કરાવી દેવામાં આવ્યું હતું. તેની પાછળનું કારણ શું હતું તે પણ લોકો માટે એક રહસ્ય જ છે. ખોદકામ દરમિયાન મળેલી વસ્તુઓ આજે પણ ડુમરી પોલીસ સ્ટેશનના માલખાનામાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page