Only Gujarat

Gujarat

સુરતમાં કંકોત્રી વહેંચવા જતાં યુવકનું અકસ્માતમાં મોત, પરિવારમાં છવાયો માતમ

સુરતમાં ચાર દિવસ પહેલા સર્જાયેલા અકસ્માતમાં ઘરમાં ખુશીનો પ્રસંગ એકાએક માતમમાં ફેરવાઈ ગયો છે. રાજસ્થાનના યુવકના 22 ફેબ્રુઆરીના રોજ તેના વતન રાજસ્થાનમાં લગ્ન હતા ને ગત ગુરુવારે સુરતમાં અકસ્માત થતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. ત્યારે લગ્નની તૈયારીમાં, ખુશી અને આનંદમાં મશગુલ પરિવારમાં વરરાજાનું અચાનક મોત થઈ જતા લગ્નની ખુશીનો અવસર અચાનક માતમમાં ફેરવાઈ ગયો છે.

મૂળ રાજસ્થાનના વતની અને છેલ્લા થોડા વર્ષોથી સુરતના ગોડાદરા સ્થિત લક્ષ્મીપાર્ક સોસાયટીમાં તેના પિતરાઈ ભાઈ સાથે રહેતા 26 વર્ષીય જીતેન્દ્રદાન ચારણના 22 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જોધપુર ખાતે લગ્ન યોજાવા જઈ રહ્યા હતા. જીતેન્દ્ર અને તેનો પરિવાર આ લગ્નથી ખુબ ખુશ અને આનંદમાં હતો. જીતેન્દ્ર તેના પિતરાઈભાઈ રણજીત દાન ચારણ સાથે સુરતમાં કાપડનો વેપાર કરતો હતો. જીતેન્દ્ર તેના લગ્નને લઈ તમામ તૈયારીઓ કરી ચૂક્યો હતો. સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી રહેતો હોવાથી તેના સુરતના ઘણા સ્વજનો અને મિત્રો હતા. તેને પોતાના લગ્નમાં આમંત્રણ પણ તે છેલ્લા એક અઠવાડિયાથી આપી રહ્યો હતો. પરંતુ તેની આ ખુશી પર જાણે કોઈની નજર લાગી હોય તેમ લગ્નના ઉત્સવનો ઉત્સાહ અચાનક માતમમાં ફેરવાઈ ગયો હતો.

લગ્ન પૂર્વેની સુરતની નહીં પરંતુ જીવનની છેલ્લી તારીખ બની
લગ્ન થવા જઈ રહેલા વરરાજા જીતેન્દ્રદાન દોલતદાન ચારણની સુરતમાં 17 ફેબ્રુઆરી લગ્ન પહેલાની છેલ્લી તારીખ રહેવાની હતી. પરંતુ હોનીને કોણ રોકી શક્યું છે. કોને ખબર હતી કે તેના લગ્ન પૂર્વેની સુરતની નહીં પરંતુ તેના જીવનની આ છેલ્લી તારીખ બની રહેશે. જીતેન્દ્રદાન ચારણ પોતાના લગ્નના ઉત્સાહમાં અંતિમ ઘડી સુધી પણ સુરતમાં તેના પરિવારજનોને કંકોત્રી આપી રહ્યો હતો. 18 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાન જવા માટેની તેની બસની બુકિંગ હતું. પરંતુ 17 ફેબ્રુઆરીએ તેના સ્વજનોને કંકોત્રી આપવા જતા સમયે જ કાળમુખી અકસ્માતનું ભોગ બની ગયો.

વરરાજાએ તમામ તૈયારીઓ કરી લીધી હતી
વધુમાં જણાવ્યું હતું કે જીતેન્દ્રએ પોતાની સાથે લઈ જવાની તમામ તૈયારીઓ કરી લીધી હતી. સુરતથી તેણે શૂટ, બુટ, મોજડી, શેરવાની, ફેશિયલ કીટ સહિત લગ્નમાં જરૂર પડતી તમામ નાની મોટી વસ્તુઓની ખરીદી કરી લીધી હતી. આ બધી જ વસ્તુઓ એક બેગમાં ભરીને તૈયાર પણ કરી દીધી હતી. તમામ પ્રકારની તૈયારીઓ લગ્નને લઈ તેણે કરી દીધી હતી. અંતિમ ઘડીએ કેટલાકને કંકોત્રી બાકી હતી તે આપવા માટે દોડાદોડ તે કરી રહ્યો હતો. અને નીકળવાના આગલા દિવસે જ તેનો અકસ્માત થયો હતો.

મંગેતર આઘાતને લઇ બેહોશ
રણજીતદાન ચારણે વધુમાં જણાવ્યું હતું કે વરરાજાના પિતરાઈ ભાઈ કહો કે સાઢુભાઈ કારણ કે મારી સગી સાળી સાથે જ આજથી બે વર્ષ પહેલાં તેનું સગપણ કરાવ્યું હતું. રાજસ્થાનના જોધપુર ખાતે મારી સાળી સાથે આવનારી 22 તારીખે લગ્ન થવાના હતા. બે વર્ષથી તેઓ એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા. લગ્નના ચાર દિવસ પહેલા જ જીતેન્દ્રનું અકસ્માત થતાં મારી સાળી અને જીતેન્દ્રની મંગેતરને ખૂબ જ ઊંડો આઘાત પહોંચ્યો હતો. જીતેન્દ્રનો સુરતમાં ગંભીર રીતે અકસ્માત થયો છે અને તેનું મોત થયું હોવાની જાણ તેની મંગેતરને થતા જ તે બેહોશ થઈ ગઈ છે. તેને રાજસ્થાનની જોધપુરની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

ઉત્સવનો માહોલ માતમમાં ફરી વળ્યો
જીતેન્દ્રના લગ્નની શરણાઈઓ વાગી ચૂકી હતી. ગામમાં તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી. બંને પરિવાર ખૂબ જ ખુશ હતા. યુવતીના પરિવારમાં પણ તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી. યુવતી તો હવે નવા જીવન સંસારના સપનાઓ પણ માંડી ચૂકી હતી. પરંતુ આ તમામ ખુશીઓ પર કોઈકની નજર લાગી હોય તેમ અચાનક જ ઉત્સાહનો ઉમંગનો અને આનંદનો માહોલ બંને પરિવાર માટે માતમ માં ફેરવાઈ ગયો હતો.

You cannot copy content of this page