Only Gujarat

Gujarat

સુરતમાં રત્નકલાકાર મરતા-મરતા પણ આઠ લોકોને જિંદગી આપતો ગયો, સો-સો સલામ

સુરતીઓ અંગદાન કરવામાં સૌથી અવ્વલ છે અને વધુ એક બ્રેઇનડેડ યુવાનના અંગોનું દાન કરીને પરિવારે આઠ લોકોને નવજીવન આપ્યું છે. આ યુવકના હૃદય, ફેફસાં, કિડની, લિવર, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું પરિવારે દાન કર્યા. સુરતથી ધબકતું હ્રદય 130 મિનિટમાં પહોંચાડીને અમદાવાદમાં 39 વર્ષના યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આ ઉપરાંત અન્ય અંગો પણ જરૂરિયાતમંદોમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું. અંગદાન દ્વારા આ પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે અને તે બદલ તેમને સો-સો સલામ આપવી પણ ઓછી પડે.

વાત એમ છે કે, સુરતના વેલંજા વિસ્તારમાં રહેતા લેઉવા પટેલ સમાજના પિયુષ નારણભાઈ માંગુકિયા બ્રેનડેડ અવસ્થામાં હતા. તેથી તેમના હૃદય, ફેફસાં, કિડની, લિવર, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું પરિવારે દાન કરી આઠ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. પિયુષભાઈનું હ્રદય સહિતના અંગોના દાનથી પરિવારે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી રાહ ચિંધ્યો છે.

પિયુષભાઈની હ્રદય સુરતથી અમદાવાદનું 272 કિ.મીનું અંતર 130 મીનીટમાં કાપીને બોરસદ (આણંદ)ના રહેવાસી 39 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. જ્યારે સુરતથી મુંબઈનું 296 કિ.મીનું અંતર 110 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ દહાણુંના રહેવાસી 44 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવ્યું. જ્યારે કિડની, લિવર અને પેન્ક્રીયાસનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવનાર છે.

વેલંજામાં આવેલી રામવાટીકામાં રહેતા પિયુષ નારાયણભાઈ માંગુકીયા મૂળ ભાવનગર જિલ્લાના માળવાય ગામના હતા. તેઓ રામકૃષ્ણ એક્ષ્પોર્ટમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. થોડા સમય પહેલા નોકરી પરથી છુટ્યા બાદ અમરોલી ચારભુજા આર્કેડ એન્ડ રેસીડેન્સીમાં પોતાના સસરાને ત્યાં બીમાર પત્નીને મળવા ગયા હતા. રાત્રે 10 કલાકે પિયુષભાઇ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સાયણ ચેકપોસ્ટ પાસે બાઇક સ્લીપ થઇ જતા તેમને માથામાં ગંભીર ઈજા થઇ હતી. તેના કારણે તેઓ બેભાન થઇ ગયા હતા. સ્મીમેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને આયુષ ICU એન્ડ મલ્ટી સ્પેશ્યાલિટિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રાની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી. જો કે બાદમાં ગંભીર ઇજાના કારણે સારવાર સફળ થઇ નહોતી અને અંતે તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પિયુષભાઇના પિતા નારણભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયાની સમજ આપી હતી. અંગદાનનું મહત્વ સમજતા આ પરિવારે અંગદાનની સંમતિ આપી હતી. પરિવારજનો તરફથી મંજૂરી મળ્યા બાદ હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલને, કિડની, લિવર તથા પેન્ક્રીયાસ અમદાવાદની (IKDRC)ને ફાળવવામાં આવ્યા. જ્યારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. હ્રદય અને ફેફસાં સમયસર અમદાવાદ અને મુંબઈ પહોંચાડવા માટે આયુષ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને બે વખત ગ્રીનકોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસે સરાહનીય સહકાર આપ્યો હતો.

 

You cannot copy content of this page