Only Gujarat

Gujarat TOP STORIES

ધોધમાર 3 ઈંચ વરસાદે અમદાવાદના કેવા કર્યાં હાલ, તસવીરો જોઈને તમને ખબર પડી જશે

અમદાવાદ: છેલ્લા ચાર દિવસથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે અમદાવાદમાં અચાનક બપોરે ભારે પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળતું હતું. સિઝનના પહેલા જ વરસાદે અમદાવાદને ચોખ્ખા પાણીથી સેનેટાઈઝ કર્યું હોય તેવું લાગતું હતું. અમદાવાદમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.

બપોર સુધી ભારે ઉકળાટ બાદ 3 વાગ્યાની આસપાસ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે અમદાવાદીઓને પણ ગરમીથી રાહત મળી હતી. વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. જુહાપુરા, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર, બોપલ, વટવા, જશોદાનગર, આશ્રમ રોડ, એસ.જી.હાઈવે અને મણિનગર સહિતના અનેક વિસ્તારોમાં 1 કલાકથી પણ વધારે સમયથી મન મુકીને વરસાદ વરસ્યો હતો.

અમદાવાદના કયા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાયો તેની વિગતવાર વાત કરીએ તો, અમદાવાદમાં સવારથી સાંજે 4 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેમાં દુધેશ્વરમાં દોઢ ઈંચ, ગોતામાં સવા ઈંચ, ઘાટલોડિયામાં સવા ઈંચ, મેમકો, નરોડા, ચાંદખેડા અને બોડકદેવમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. આ ઉપરાંત ભારે વરસાદને કારણે અમદાવાદનો જાણીતો અંડરબ્રિજ પર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેને કારણે અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં તો ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા જેના દ્રશ્યો સામે આવ્યાં હતાં.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, અમદાવાદમાં સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં રાણીપ અને કોતરપુરમાં બે ઈંચ, જ્યારે ગોતા, ઉસ્માનપુરા, ચાંદખેડા, બોડકદેવ, દુધેશ્વર, મેમકો અને નરોડામાં સરેરાશ 1.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

અમદાવાદમાં ભારે વરસાદના કારણે નવા વાડજ સહિતના અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી હતી. જ્યારે અમદાવાદના અંડરપાસ અને રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે અમદાવાદના લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલી પડી રહી હતી.

અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ જેવો માહોલ છવાઈ ગયો હતો. તો બીજી તરફ બારે વરસાદને કારણે અમદાવાદ શહેરના પૂર્વ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાનું શરૂ થઈ ગયું હતું જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વાસણા બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં 400 ક્યુસેક પાણી છોડાયું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં સાબરમતી નદીની સપાટી 133.75 ફુટ છે. સમગ્ર અમદાવાદ અને ઉપરવાસમાં વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણીની આવક થતાં પાણી છોડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

ગુજરાતના ઘણાં જિલ્લાઓમાં છેલ્લા 6 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવો વરસાદ પડશે અને ભારે પવન ફૂંકાશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી મુજબ હળવોથી મધ્યમ વરસાદ વરસશે.

You cannot copy content of this page