Only Gujarat

Gujarat

લેઉવા પટેલ સમાજના બ્રેઈન ડેડ પ્રૌઢના અંગદાનથી 7 વ્યક્તિનું મળ્યું નવું જીવન

અમરેલી : સુરતમાં અમરોલીના છાપરાભાઠા ખાતે રહેતા લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ પ્રોઢના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. તેમનું હૃદય ગ્રીન કોરીડોર બનાવી મુંબઇ પહોંચાડીને 59 વર્ષીય પ્રૌઢમાં ટ્રાન્સ્પ્લાન્ટ કરી ધબકતું કરાયું હતું.

મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સુખપુરગામના વતની અને હાલમાં અમરોલીમા છાપરાભાઠા રોડ આદર્શનગરમા રહેતા 57 વર્ષીય વિનોદભાઈ ધીરૂભાઈ વેકરીયા ગત તા. 9 તારીખે રાત્રે માથામાં દુ:ખાવો હતો અને તા. 9મીએ વહેલી સવારે ઘરમાં બેભાન થઇ જતા ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સી.ટી સ્કેનમાં બ્રેઇન હેમરેજ અને મગજની નસમાં લોહીનો ફુગ્ગો હોવાનું નિદાન થયું હતું. જોકે, ત્યારબાદ તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. જેથી ડોનેટ લાઇફની ટીમે પરિવારને અંગદાન અંગે વાત કરતા તેઓ સંમત થયા હતા.

વિનોદભાઇનું હૃદય મુંબઈની પ્રાઇવેટ હોસ્પિટલને, ફેફસાં હોસ્પિટલને, લિવર સુરતની ખાનગી હોસ્પીટલને, એક કિડની અમદાવાદની હોસ્પિટલમાં બીજી કિડની આઈ આઈ કે ડી આર સીને ફાળવવામાં આવી હતી. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકાર્યું હતું. ગ્રીન કોરીડોર કરીને સુરતની ખાનગી હોસ્પિટલથી મુંબઈનું 297 કિલોમીટરનું અંતર 110 મિનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્રના કોલાપુરમા રહેતા 59 વર્ષીય વ્યક્તિને મુંબઇની હોસ્પિટલમાં ડોકટરોએ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું.

તેમજ ફેફસા મુંબઈના કાંદીવલીમા રહેતા 58 વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. જ્યારે લિવરનું તાપી જિલ્લાના વ્યારાની 49 વર્ષીય મહિલામાં સુરતની હોસ્પિટલમાં અને એક કિડની અમદાવાદ રહેતા 69 વર્ષીય મહિલાને અમદાવાદની હોસ્પિટલમાં અને બીજી કિડની વડોદરાની 32 વર્ષીય મહિલાને અમદાવાદની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઇ છે.

વિનોદભાઈના પરિવારમાં તેમની પત્ની ગીતાબેન, પુત્રો અંકિત (ઉ.વ 31) અને હિરેન (ઉ.વ 29) છે જેઓ, ઓનલાઈન સાડી વેચાણનો વ્યવસાય કરે છે. સુરતથી હૃદય દાન કરાવવાની આ 44મી અને ફેફસાનું દાન કરાવવાની 14મી ઘટના છે.

You cannot copy content of this page