વાળને રંગવા એ એક ફેશન વલણ છે અને લોકો સુંદર અને અલગ દેખાવા માટે અનન્ય રંગો પસંદ કરે છે. આ હેર કલર માટે ઘણી વખત તમને કોમ્પ્લિમેન્ટ્સ મળે છે, પરંતુ ક્યારેક તમારી ટીકા પણ થાય છે. પરંતુ જો સરકારને તમારા વાળનો રંગ પસંદ ન હોય તો? અને તેના કારણે તમને જેલ જવાનો ખતરો હોઈ શકે છે. આવો જ એક કિસ્સો રશિયામાં સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિ વિરુદ્ધ તેના વાળ રંગવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
ધરપકડ પહેલા જીવલેણ હુમલો
રિપોર્ટ અનુસાર, મોસ્કો શહેરમાં રહેતા સ્ટેનિસ્લાવ નેટેસોવે પોતાના વાળને વાદળી અને પીળા કલર કરાવ્યા હતા. આ પછી, 27 એપ્રિલની રાત્રે કામ પરથી પરત ફરતી વખતે કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો. આ હુમલામાં તેને ભારે માર મારવામાં આવ્યો હતો અને આરોપી તેનો ફોન છીનવીને ભાગી ગયો હતો. બીજા દિવસે યુવક ફરિયાદ નોંધાવવા માટે મોસ્કો પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં પોલીસે તેને જોતાની સાથે જ કસ્ટડીમાં લઈ લીધો.
પોલીસે સ્વીકાર્યું કે સ્ટેનિસ્લેવે તેના વાળને યુક્રેનના પ્રતીક તરીકે રંગ્યા હતા, જે રશિયન લશ્કરી કાયદા દ્વારા સજાપાત્ર ગુનો છે. વાસ્તવમાં પીળો અને વાદળી યુક્રેનના રાષ્ટ્રીય ધ્વજનો રંગ છે અને તેના પર યુક્રેનને સમર્થન આપવા અને રશિયન સેનાનો વિરોધ કરવાનો આરોપ છે. આ માટે યુવક પર 50,000 રુબેલ્સ (રશિયન ચલણ) એટલે કે લગભગ 45,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય જો તે ફરીથી આવું કરશે તો તેને પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.