Only Gujarat

FEATURED Gujarat

કરોડપતિ ચોરે 4 મહિનામાં 12 ચોરી કરી, ચોરીની સ્ટાઈલ જોઈને પોલીસની આંખો પણ થઈ ગઈ પહોળી

રાજકોટ: ગુજરાતમાં ચોરીના ઘણાં બનાવો આવતો હોય છે પણ આ વખતે એક એવો ચોર પકડાયો છે જે કરોડપતિ છે જેનું નામ છે આનંદ સીતાપરા. છેલ્લા ચાર મહિનામાં કરોડપતિ ચોર તરીકે કુખ્યાત આનંદ સીતાપરાએ રાજકોટ શહેરમાંથી 12 અલગ-અલગ જગ્યાએથી લાખો રૂપિયાના મુદ્દામાલની ઉઠાંતરી કરી હતી. પોલીસે આનંદ અને તેના પુત્રને ઝડપી પાડીને રૂપિયા 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહત્વની વાત એ છે કે, તેનો સાગરિત પહેલેથી જ જેલમાં છે જેને લઈને પોલીસે તેનો કબજે લેવા માટે તજવીથ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે જે જાણીને પોલીસની પણ આંખો પહોળી થઈ ગઈ હતી.

આનંદ સીતાપરાએ માત્ર 4 મહિનામાં 12 સ્થળે લાખો રૂપિયાની ચોરી કરી હતી. ચોરી કરતી વખતે આનંદ સફેદ કપડાં જ પહેરતો હતો અને ચોરી કર્યા બાદ મંદિરમાં જઈને બલિ ચડાવી માનતા પૂરી કરતો હતો. આનંદ એક સમયે ત્રણ માળના સેન્ટ્રલી એસી મકાનમાં રહેતો હતો. મહત્વની વાત એ છે કે, કરોડપતિ ચોરે 19 લાખની કાર પણ બુક કરાવી હતી.

નવેમ્બર મહિનામાં રાજકોટના મિલપરામાં મકાનના તાળાં તોડી તસ્કરો રૂપિયા 2.50 લાખનો મુદ્દામાલની ઉઠાંતરી કરી હતી. તે જ સમયગાળામાં રામકૃષ્ણનગરના બંધ મકાનમાંથી રોકડા રૂપિયા અંદાજે 13 લાખ અને સોનાના દાગીના સહિત લાખો રૂપિયાની ઉઠાંતરી કરી હતી. છેલ્લા ચાર મહિનામાં ચોરીનો આંક ચિંતાજનક રીતે વધતા જતો હોવાથી પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી. લાખો રૂપિયાની ચોરી થઈ હતી તે સ્થળે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં જે સ્ટાઈલથી ચોરી થઈ હતી અને જે શખ્સ સીસીટીવીમાં દેખાતો હતો તે સુરત રહેતા નામચીન તસ્કર આનંદ જેસીંગ સીતાપરાની સંડોવણી હોવાની પોલીસને શંકા ગઈ હતી. જેના કારણે પોલીસે આનંદ અને તેના પિતાની ધરપકડ કર્યા બાદ તેણે ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

કરોડપતિ ચોર આનંદ ઉર્ફે જયંતી જેસીંગ સીતાપરા અને તેનો પુત્ર હસમુખ સીતાપરા ચીથરિયા પીરની દરગાહ નજીક હોવાની માહિતી મળતાં ક્રાઈમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ ધાખડા સહિતની ટીમ ત્યાં દોડી ગઈ હતી. જ્યાંથી પોલીસે આનંદ અને તેના પુત્ર હસમુખને ઉઠાવી લઈ ગઈ હતી અને પૂછપરછ શરૂ કરી હતી ત્યાર બાદ આનંદે રાજકોટમાં છેલ્લા ચાર મહિનામાં રામકૃષ્ણનગર, મિલપરા અને ઇન્દ્રપ્રસ્થનગરમાં થયેલી ચોરી સહિત 12 ચોરીની કબૂલાત કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી પિતા-પુત્ર પાસેથી રૂપિયા 10.50 લાખના સોના-ચાંદીના દાગીના, રોકડા રૂપિયા 3.19 લાખ, રૂપિયા 1.25 લાખના 2 બાઈક અને રૂપિયા 7 હજારની ઘડિયાળ સહિત કુલ રૂપિયા 15,01,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કરોડપતિ ચોર આનંદે કબૂલાત આપી હતી કે, પોતે ચોરી કરી તે તમામ સ્થળે તેની સાથે કોઠારિયામાં રહેતા પીયૂષ વિનુ અમરેલિયાની પણ સંડોવણી હતી. આનંદ સીતાપરા વર્ષ 2007 પહેલા રાજકોટના કોઠારિયા રોડ પર રહેતો હતો અને તેને ત્રણ માળનું મકાન હતું જે મકાન સેન્ટ્રલ એસી હતું. વૈભવી જીવન જીવતો આનંદ સીતાપરા વર્ષોથી ચોરી કરતો હતો અને અગાઉ 32 ચોરીના ગુનામાં તેની સંડોવણી ખૂલી હતી અને એક વખત પાસા પણ થઈ હતી તેવો પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. આનંદ ચોરી કરવા જતો હતો તે પહેલા માનતા રાખતો હતો અને મોટો દલ્લો હાથ લાગ્યા બાદ જામજોધપુરમાં આવેલા એક મંદિરે જઈ બલિ ચડાવી માનતા પૂરી કરતો હતો.

કરોડપતિ ચોર આનંદ સીતાપરા વર્ષોથી ચોરી કરતો હતો. આખો દિવસ અલગ અલગ વિસ્તારોમાં ફરીને બંગલા કે ઘરની રેકી કરતો હતો તે દરમિયાન જે બંગલા કે ઘર બંધ દેખાય તેને નિશાન બનાવતો હતો. રાતે ચોરી કરવા જાય ત્યારે પીયૂષના બાઈક પાછળ બેસતો ઓળખ ન થાય તે માટે બાઈકમાં નંબર પ્લેટ રાખતો નહીં અને પીયૂષને હેલ્મેટ પહેરાવતો હતો. ચોક્કસ મકાને પહોંચ્યા બાદ આનંદ બંગલામાં એકલો જ ઘૂસતો હતો અને પીયૂષને ત્યાંથી રવાના કરી દેતો હતો અને દલ્લો હાથ આવ્યા બાદ પીયૂષને બોલાવી રવાના થઇ જતો હતો.

વૈભવી લાઈફ સ્ટાઈલ ધરાવતો આનંદ સીતાપરા ચોરી કરવા જાય ત્યારે સફેદ જ કપડાં પહેરતો હતો જ્યારે કોઈ મકાન નજીક રેકી કરતો હોય અને કોઈ વ્યક્તિ તેને પુછે તો મરણના કામે જતો હોવાનું કહેતો હતો. તેનો પોશાક જોઈ તેને પૂછી રહેલ વ્યક્તિને સહાનુભૂતિ થતી હતી અને મોકો મળતાં જ ઘરમાં ઘૂસી જતો હતો. આનંદ જેસીંગ સીતાપરા મોટી ચોરીમાં સફળતા મળે એટલે ઘર વપરાશમાં આવતાં ટીવી, ફ્રીઝ સહિતની કિંમતી વસ્તુઓ નવી ખરીદી લેતો એટલું જ નહીં કપડાં, પડદા, ગાદલા અને સેટી પણ બદલાવી નાખતો હતો. ઘરનું કરિયાણું મોટાપ્રમાણમાં ખરીદી લેતો હતો આ તમામ પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે.

You cannot copy content of this page