Only Gujarat

Gujarat

સુરતમાં ડ્રાઈવરની ફરજ પરસ્તી જોઈને સલામ કરશો, મોતની ક્ષણે પણ બચાવ્યા અનેક લોકોના જીવ

સામાન્ય રીતે બીઆરટીએસ બસના ડ્રાઇવરોની તેમના બેફામ ડ્રાઇવિંગ માટે ટીકા કરવામાં આવે છે. પણ સુરતમાં શનિવારે સાંજે એક બીઆરટીએસ બસના ડ્રાઇવરે તેની ફરજ પરસ્તીનું ઉત્તમ ઉદાહરણ આપીને આ બધી વાતોને ખોટી સાબિત કરી છે. સુરતમાં ચાલુ બસે ડ્રાઇવરને છાતીમાં દુઃખાવો ઉપડ્યો. આ સ્થિતિમાં પણ તેમને મુસાફરોની સલામતીનો પહેલો વિચાર આવ્યો. આ માટે પહેલા તેમણે બસ સાઇડમાં રોકી મુસાફરોને સુરક્ષિત ઉતાર્યા અને અંતિમ શ્વાસ લીધા. બીઆરટીએસના ડ્રાઈવરની ફરજ પરસ્તી જોઈને તેમને સલામ કરવાનું મન થશે.

આ અંગેની વિગત એવી છે કે મૂળ અમરેલીના ચક્કરગઢના દેવળીયા ગામના વતની અશોકભાઈ કરશનભાઇ માઘડ (ઉ.વર્ષ 37) સુરતના વેસુથી બીઆરટીએસ બસ લઈ નીકળ્યા હતા. તેઓ વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસેથી અલથાણ ચાર રસ્તા તરફ જતા હતા. તે દરમિયાન અચાનક તેમની તબિયત લથડી ગઈ હતી અને છાતીમાં દુઃખાવો થતાં તેમણે બસ સાઈડમાં ઊભી કરી હતી. ત્યારબાદ તેમણે મુસાફરોને બસમાંથી ઉતરી જવા કહ્યું હતું.

બાદમાં અશોકભાઈએ પોતાની તબિયત બગડી હોવા અંગે સુપરવાઈઝરને જાણ કરી હતી. ત્યારબાદ બસમાં સૂઈ ગયા હતા. સુપરવાઈઝરે જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે ત્યાં સુધીમાં અશોકભાઈનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અશોકભાઈના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે.

BRTS સેલના ઈન્ચાર્જ અધિકારી કમલેશ નાયકે જણાવ્યું હતું કે સોમેશ્વરથી અમેઝિયા રૂટની બસના ડ્રાઈવરની અચાનક તબિયત ખરાબ થતાં તેણે બસ કંટ્રોલ કરી સાઈડમાં લઈ લીધી હતી. ત્યાર બાદ થોડી જ મિનિટોમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે પોતાના જીવની પરવાહ કર્યા વિના મુસાફરોની ચિંતા કરી.

પોસ્ટમોર્ટમ કરનાર તબીબનું કહેવું છે કે મૃતકે મોત પહેલાં છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી, જેથી હાર્ટ-અટેકને કારણે મોત થયું હોવાની શક્યતા લાગે છે. હાલ મૃતકના વિસેરાનાં સેમ્પલ લીધાં છે, એનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

You cannot copy content of this page