Only Gujarat

FEATURED National

ચૂંટણી જીતવા માટે આ વ્યક્તિએ મિત્રની પત્ની લીધી ઉધાર, શું છે આ વાઈરલ મેસેજનું સત્ય?

મુરાદાબાદઃ સોશિયલ મીડિયા પર એક સમાચાર વાઈરલ થઈ રહ્યાં હતાં કે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં કુંડા ક્ષેત્રમાં એક વ્યક્તિ પર નેતા બનવાનું ભૂત એ હદે ચઢ્યું કે તે આ માટે કંઈપણ બનવા તૈયાર થઈ ગયો. તેણે પોતાના મિત્રની પત્નીને ‘ઉધાર’ લીધી અને ચૂંટણી બાદ તેની સાથે નિકાહ કરી લીધા. જ્યારે આ વાઈરલ સમાચાર પાછળનું સત્ય જાણવાનો પ્રયાસ કરાયો તો આ ઘટના 2 વર્ષ અગાઉની હોવાનું સામે આવ્યું. પરંતુ તે હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

આ છે સંપૂર્ણ ઘટનાઃ વાસ્તવમાં એક વ્યક્તિ નગર પંચાયતની બેઠક પરથી પોતાની પત્નીને ચૂંટણી લડાવવાનું સ્વપ્ન જોઈ રહ્યો હતો. પરંતુ તે પછાતવર્ગ માટે રિઝર્વ થઈ ગઈ તો તેને પોતાના સ્વપ્ન પર પાણી ફરી ગયાનો અનુભવ થયો. તે પછી આ વ્યક્તિએ પોતાના મિત્ર પાસેથી તેની પત્ની ‘ઉધાર’ માંગી, જેથી તેને ચૂંટણી લડાવી પોતાના હાથમાં આવતો પાવર ગુમાવી ના શકે.

જોગાનુજોગ તેના મિત્રની પત્ની નગર પંચાયતની ચૂંટણી જીતી ગઈ અને ચેરમેન પણ બની. તે પછી રાજકરણમાં મોટું નામ મેળવવા થનગનતા વ્યક્તિએ પોતાના મિત્રની પત્નીને પરત કરવાને બદલે તેની સાથે નિકાહ કરી લીધા. જે પછી મહિલાના પતિએ પોતાની પત્ની પરત મેળવવા કોર્ટની મદદ માગી. જે પછી કોર્ટે કુંડા પોલીસ પાસેથી આ મામલે રિપોર્ટ માગી.

મહિલાના પતિએ કોર્ટને જણાવ્યું કે, તે પોતાના મિત્ર સાથે ભાગીદારીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. બંને વચ્ચે પાકી મિત્રતા હતી. તેઓ એકબીજાના ઘરે આવતા-જતા હતા. વર્ષ 2018માં થયેલી ચૂટણીમાં તેનો મિત્ર પોતાની પત્નીને ચૂંટણીમાં ઉતારવા માગતો હતો, પરંતુ ચેરમેનની બેઠક પછાત વર્ગ માટે રિઝર્વ રહેતા તે સામાન્ય જાતિનો હોવાને કારણે પત્નીને ચૂંટણી લડાવી શકે તેમ નહોતો. આ કારણે તેણે મિત્રતાનો હવાલો આપી તેની પત્નીને ચૂંટણીમાં ઉતારવાની વાત કરી તો તે ના પાડી શક્યો નહીં.

પીડિત પતિએ આગળ જણાવ્યું કે, તેમની વચ્ચે ડીલ થઈ હતી કે ચૂંટણી થવા સુધી તે તેની પત્ની સાથે કોર્ટ મેરેજ કરીને રહેશે અને પછી તેની પત્ની પાછી પોતાના બાળકો અને પતિ પાસે પહોંચી જશે. પરંતુ રાજકીય પાવર માટે આંધળા બનેલા વ્યક્તિએ મિત્રની પત્ની ચૂંટણી જીત્યા બાદ તેની સાથે જ નિકાહ કરી લીધા. જ્યારે તેનો મિત્ર પત્નીને પાછી મોકલવાનું કહેતો તે ચેરમેન તરીકેના કામમાં વ્યસ્ત હોવાની વાત કહીને તેને ટાળી દેતો.

અમુક સમય બાદ પીડિત મિત્રને જાણ થઈ કે તેને મિત્રએ દગો આપી તેની પત્ની સાથે નિકાહ કરી લીધા છે, જ્યારે કે તે પહેલાથી પરિણીત અને બાળકોનો પિતા હતો. પીડિત પતિએ કહ્યું કે, તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા નથી. એવામાં તેનો મિત્ર પત્નીને પરત મોકલવાનો ઈન્કાર કઈ રીતે કરી શકે. આ ઉપરાંત ધાર્મિક કાયદા (શરિયત) અનુસાર પણ પતિ જીવતો હોય ત્યારે પત્ની અન્ય કોઈ પુરુષ સાથે નિકાહ કરે તે અયોગ્ય ગણાય છે.

You cannot copy content of this page