Only Gujarat

FEATURED National

સાવચેત! કોરોના બાદ ચીનની વધુ એક ચાલ, આ રીતે સામે આવ્યું નવું સંકટ

નવી દિલ્હીઃ ચીનથી હવે વિશ્વ સમક્ષ એક નવું સંકટ સામે આવી રહ્યું છે, જે અંગે કૃષિ મંત્રાલયે તમામ રાજ્ય સરકારો અને લોકોને ચેતવણી આપી છે. વાસ્તવમાં ચીનની પોસ્ટ થકી સીધા ઘણા દેશોમાં લોકોના ઘર સુધી રહસ્યમય પેકેટ આવી રહ્યાં છે. મંત્રાલયે જણાવ્યું કે, આ બીજા દેશોની ખેત પેદાશોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ હોઈ શકે છે.

કૃષિ મંત્રાલય એલર્ટઃ ભારતમાં હાલ આ પ્રકારના પેકેટ આવ્યા નથી. જોકે તેમછતાં કૃષિ મંત્રાલય આ મામલે એલર્ટ છે. કૃષિ મંત્રાલય અનુસાર, આ રહસ્યમય પેકેટ કોઈ દેશની ખેત પેદાશોને નુકસાન પહોંચાડી શકે છે. ગત અઠવાડિયે જાહેર કરવામાં આવેલી ચેતવણીમાં કૃષિ મંત્રાલયે ખેતી-બિયારણ સંબંધિત તમામ સંસ્થાઓને એલર્ટ રહેવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા, કેનેડા, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, જાપાન અને ઘણા યુરોપીયન દેશોના લોકો પાસે ચીનથી આવા પેકેટ પહોંચ્યા છે.

કૃષિ મંત્રાલયે આપી ચેતવણીઃ વિવિધ સરકારી એજન્સીઓ, રિસર્ચ સંસ્થાઓ અને કંપનીઓને મોકલવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે,‘છેલ્લા અમુક મહિનાઓથી બીજથી ભરેલા રહસ્યમય પેકેટ વિશ્વના ઘણા દેશોમાં મોકલવામાં આવ્યા છે. અમેરિકાના કૃષિ મંત્રાલયે તેને એક ‘બ્રશિંગ સ્કેમ’ અને ‘તસ્કરી’ ગણાવી છે. એવા અહેવાલ છે કે, વગર મંગાવ્યે આવેલા આવા પેકેટમાં ઘાતક પ્રજાતિના બીજ હોઈ શકે છે અથવા કોઈ રોગજનક તત્ત્વ કે બીમારી ફેલાવવો પ્રયાસની આશંકા પણ અવગણી શકાય નહીં. તેનાથી દેશના પર્યાવરણ, ખેત પેદાશો અને રાષ્ટ્રીય સુરક્ષાને મોટું જોખમ હોઈ શકે છે.’

તેલંગાણા રાજ્ય બીજ વિકાસ નિગમના ડિરેક્ટર કેશવુલુએ કહ્યું કે,‘ઘણા બીજ કંપનીઓ વિવિધ દેશોથી આપ-લે કરતી હોય છે. એવામાં આવા રહસ્યમય બીજ જો ભારત આવશે તો ઝડપથી ફેલાઈ જશે અને આપણી ખેત પેદાશો અને કુદરતી સંસાધનોનો નાશ કરી શકે છે. ભારત ઘણો મોટો દેશ છે, તેથી આપણે ઘણું ધ્યાન આપવું પડશે અને એલર્ટ રહેવું પડશે.’

ચીને કર્યો ઈન્કારઃ બીજી તરફ ચીન આવી કોઈપણ ઘટનાનો ઈન્કાર કરી રહી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને ગત મહિને યોજેલી પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું હતું કે,‘ચીનમાં તો પોસ્ટથી બીજ મોકલવા પર જ પ્રતિબંધ છે. આ રહસ્યમય પેકેટ્સ પર લખેલા ચીની એડ્રેસ ફેક છે.’

You cannot copy content of this page