Only Gujarat

FEATURED Sports

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજાને પોલીસ સાથે થયેલી માથાકુટના તમામ પુરાવા પોલીસે જ હટાવી લીધા?

પ્રશાંત દયાળ, અમદાવાદઃ જયારે કોઈ પણ વ્યકિત સેલેબ્રિટી થઈ જાય ત્યારે તેમની જવાબદારીઓ આપોઆપ વધી જતી હોય છે, આપણે ત્યાં ખાસ કરી ક્રિકેટ અને ક્રિકેટરો માટે વિશેષ ઘેલું છે, પણ જયારે કોઈ વ્યકિતને સમાજ માન આપવા લાગે ત્યારે તેમણે વધારે સાવચેત રહેવાની જરૂર છે, કારણ તેમની એક એક હરકતોને લોકો ધ્યાનથી જોતા હોય છે. ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રિવાબા જાડેજા કારમાં જતા હતા ત્યારે રાજકોટ પોલીસની મહિલા કોન્સટેબલે તેમની કાર અટકાવતા મામલો વણસ્યો હતો. રિવાબાનો આરોપ છે કે પોલીસે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો પણ સિનિયર પોલીસ અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા અને મામલો થાળે પાડયો પણ આશ્ચર્ય તે બાબતનું છે આ મામલે શું બન્યું તેના પુરાવા રૂપેના સીસીટીવી ફુટેજ પોલીસે જ હટાવી દીધા.

આપણે ત્યાં જયારે સ્માર્ટ ફોન આવ્યા છે ત્યારથી બધા રિપોર્ટર કેમેરામેન થઈ ગયા છે, કોઈ પણ ઘટના સેકન્ડમાં વાયરલ થઈ જાય છે પણ રાજકોટમાં રિવાબા જાડેજા અને મહિલા પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો એક પણ વિડીયો બહાર આવ્યો નથી, આ મામલે ખરેખર શું બન્યું જે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે જે હકિકત સામે આવી તે પ્રમાણે રવિન્દ્ર અને રિવાબા કારમાં જતા હતા ત્યારે તેમણે માસ્ક પહેર્યો નહોતો, ફરજ ઉપરની મહિલા કોન્સટેબલ સોનલ ગોસાઈએ કાર રોકવાનો ઈશારો કર્યો અને રવિન્દ્રે કાર રોકી સામાન્ય રીતે પોલીસ સામાન્ય માણસ સાથે જે ભાષામાં વાત કરે છે, તેવી જ ભાષાનો પ્રયોગ થયો, પણ કાર ચલાવનાર અને તેમની બાજુમાં બેઠેલી વ્યકિત વીવીઆઈપી છે, તેની કોન્સટેબલ સોનલને ખબર ન્હોતી.

ખાસ કરી વીઆઈપી લોકો ઈગો ત્યારે હર્ટ થાય છે, જયારે તેઓ સેલિબ્રિટી હોવાની ઓળખ આપવી પડે છે, રિવાબાના કિસ્સામાં પણ એવુ જ થયું, તેઓ માનતા હશે કે પોલીસ રવિન્દ્ર અને તેમને જોઈ પ્રભાવિત થઈ જશે પણ તેવુ થયુ નહીં, રિવાબાનો પિત્તો છટકયો, પોતે માસ્ક પહેર્યુ નથી, તે મુદ્દો બાજુ ઉપર રહી ગયો અને સોનલ અને રિવાબા તું તારી ઉપર આવી ગયા, લોકો એકત્ર થયા અને તેમણે તમાશો જોવાની શરૂઆત કરી, કેટલાંક ફોનમાં રેકોર્ડ કરવા લાગ્યા તેઓ જેમને માન આપે છે, તે સેલિબ્રિટી પોલીસ સાથે કઈ ભાષામાં વાત કરે છે તે તેમણે જોયુ.

થોડીક જ વારમાં ત્યાં સિનિયર પોલીસ અધિકારીઓ દોડી આવ્યા ખરેખર તેમણે રિવાબા અને રવિન્દ્રને માસ્ક ના પહેરવા બદલ દંડ કરવાનો હતો પણ તેવું થતું નથી. મુદ્દો સોનલના દુરવ્યવાહરનો બની ગયો હતો. સિનિયર પોલીસે મામલો ઠંડો પાડયો અને ત્યાં રેકોર્ડ કરી રહેલાના ફોન લઈ વિડીયો ડીલીટ કરાવ્યા. સિનિયર પોલીસ અધિકારીઓ આ વિડીયોની તાકાત સમજતા હતા,એટલુ જ નહીં બીજા વિડીયો મીડિયા સુધી જાય નહીં તે માટે આસપાસની દુકાનમાં જઈ સીસી ટીવીના ડીવીઆર લઈ લીધા હતા. અહીંયા આ બે ત્રણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પહેલા રવિન્દ્ર અને રિવાબાએ માસ્ક પહેર્યો નહોતો તો તેમને દંડ કેમ કર્યો નહીં, રસ્તે પસાર થતાં ગરીબનો દંડ વસુલ થાય તો છે તો રિવાબા તો આખા રાજકોટનો દંડ ભરી શકે એટલા સક્ષમ છે, તો પણ તેમને કેમ જવા દીધા.

સવાલ કોન્સટેબલ સોનલના દુર્વ્યવહારનો છે તો પોલીસે કોઈ પણ સાથે દુર્વ્યવહાર કરવો જોઈએ નહીં, પછી તે સામાન્ય લારીવાળો હોય તો પણ નહીં, પણ રિવાબાની મદદે જેમ સિનિયરો દોડી આવ્યા તેવી મદદ સામાન્ય માણસને કેમ મળતી નથી, અને સોનલે દુર્વ્યવહાર કર્યો તો તેની સામે કેમ પગલાં ભર્યા નહીં. સામાન્ય રીતે પોલીસ સાથે આવો વ્યવહાર કરનાર નાગરિકને પોલીસ સરકારી કામમાં દખલના કેસમાં પુરી દે છે, કેટલાંક કિસ્સામાં તો પાસા પણ કરી પણ અહીંયા તેવું કંઈ જ થયુ નહીં, અને ત્રીજો મુદ્દો પોલીસે લોકોના ફોનમાંથી કેમ વિડીયો ડીલીટ કરાવ્યા, આવો પ્રેમ ઉભરાવવા પાછળનું કારણ શું, આ મામલે અમે સંબંધીત પોલીસ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે મૌન રહેવાનું પસંદ કર્યું હતું.

You cannot copy content of this page