Only Gujarat

Health

માત્ર આલ્કોહોલ જ નહીં પરંતુ આ વસ્તુઓથી પણ લિવરને પહોંચી શકે છે મોટું નુકશાન

લિવર આપણાં શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આજકાલ દરેક ઉંમરના લોકોમાં લિવરને લગતી સમસ્યાઓ જોવા મળી રહી છે. લિવરની બીમારી લિવર અને તેની આસપાસના અંગોને પણ અસર કરી શકે છે. આલ્કોહોલનું સેવન લિવર ડેમેજ થવાનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે, પરંતુ આ સિવાય પણ ઘણા કારણો છે જેના કારણે લિવર ખરાબ થઈ રહ્યું છે. ધ ગટ હેલ્થ ક્લિનિકનાં ક્લિનિકલ ડાયરેક્ટર જો કનિંગહામે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે આલ્કોહોલ સિવાય કયા કારણોસર માનવ લિવર ડેમેજ થવાના કેસ વધી રહ્યા છે.

લિવર ખરાબ થવાના કારણો
નેશનલ હેલ્થ સર્વિસ મુજબ, ઘણા લોકો બજારમાંથી વિટામિન સપ્લિમેન્ટ્સ લે છે જે લિવરને નુકસાન પહોંચાડે છે. મોટાભાગના લોકોને સપ્લિમેન્ટ્સની જરૂર હોતી નથી. તે લોકો સંતુલિત આહાર વડે વિટામિનની ઉણપને પૂરી કરી શકે છે. જો કનિંગહામનાં જણાવ્યા મુજબ, ‘હર્બલ ટી અને સપ્લિમેન્ટ્સ લિવરને નુકસાન પહોંચાડી શકે છે અને લિવર ફેલ થવાનું કારણ પણ બની શકે છે. સૌથી ખતરનાક બોડી બિલ્ડિંગ અને વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે, જેનાથી કમળો પણ થઈ શકે છે.

સંશોધન મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં મેડિસિન અથવા કેમિકલને લીધે લિવરને નુકસાન થવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેને હેપેટોટોક્સિસિટી કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ વધુ સપ્લિમેન્ટ્સ લે છે તો આ સમસ્યા વધી શકે છે. જો કનિંગહામ સમજાવે છે, ‘જો સપ્લિમેન્ટ્સ પર નેચરલ લખેલું હોય, તો તેનો અર્થ એ નથી કે તે સલામત છે. એ નોંધવું અગત્યનું છે કે સપ્લિમેન્ટ્સની ઊંચી માત્રામાં લિવરને નુકસાન થઈ શકે છે. યાદ રાખો કે ‘નેચરલ’ નો અર્થ સલામત નથી, તેથી જો તમે સપ્લિમેન્ટ્સ લેતા હોવ તો પહેલા ડૉક્ટરની સલાહ લો જેથી તે તમારા સ્વાસ્થ્ય અનુસાર યોગ્ય માર્ગદર્શન આપી શકે.

થાય છે આ નુકસાન
વધુ પડતા સપ્લિમેન્ટ્સ લેવાથી લિવરને નુકસાન થઈ શકે છે તેમજ ઝડપથી વજન વધવું, માથાનો દુઃખાવો, ઉબકા કે કબજિયાત જેવી અન્ય સમસ્યાઓ થઈ શકે છે. દરેક વ્યક્તિ એવું વિચારીને ગોળી લે છે કે તે માત્ર એક વિટામિનની ગોળી છે પરંતુ તેનાથી થતા નુકસાન વિશે તેઓ વિચારતા નથી. લોકોએ સપ્લિમેન્ટના ડોઝનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે સૂક્ષ્મ પોષકતત્ત્વો લઈ રહ્યા છો, તો હંમેશા રોજની માત્રા અનુસાર લો. મિનરલ્સ અને ફેટ સોલ્યુબલ વિટામિન્સની વધુ માત્રા લેવાથી શરીરમાં ટોક્સિન્સનું નિર્માણ થઈ શકે છે જે યોગ્ય નથી.

સલાહ વિના ન લો
જો કનિંગહામ કહે છે, ‘સારા પરિણામો માટે સપ્લિમેન્ટ્સની ભલામણ ઘણી વખત કરવામાં આવે છે પરંતુ વ્યક્તિએ શક્ય હોય ત્યાં સુધી સપ્લિમેન્ટ્સથી દૂર રહેવું જોઈએ.’ NHS એ પણ કહે છે, ‘ઘણા લોકો સપ્લિમેન્ટ્સ લેવાનું પસંદ કરે છે પરંતુ વધુ પડતું અથવા ખૂબ લાંબુ લેવાનું નુકસાનકારક હોઈ શકે છે. પરંતુ ડૉક્ટરની સલાહ વિના કોઈપણ સપ્લિમેન્ટ ન લો, નહીં તો લિવરને જોખમ થઈ શકે છે.

You cannot copy content of this page