Only Gujarat

Gujarat

ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં નવો વળાંક: તથ્ય પટેલના વકીલે અમદાવાદ કોર્ટમાં પોલીસને કાંઢ્યો વાંક

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન તથ્ય પટેલના વકીલે નામદાર કોર્ટને આરોપી તથ્યને જામીન આપવા રજૂઆત કરી હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન વકીલે પોલીસ પર સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ વકીલે પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે પોલીસે ઉતાવળમાં તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી છે.

તથ્ય પટેલની જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી દરમિયાન તથ્યના વકીલ નિસાર વૈદ્યએ કહ્યું હતું કે પોલીસે જે વીડિયોના આધાર પર તપાસ કરી એનું FSL સર્ટિફિકેટ નથી. પ્લેનનો અકસ્માત થાય તો બ્લેક બોક્સથી વિગતો મળે છે. ગાડીમાં એવી કોઈ ટેક્નોલોજી નથી કે સ્પીડ કેટલી હતી તે જાણી શકાય.

પોલીસ હાજર હતી પણ બેરિકેડિંગ કર્યું નહીં: તથ્યના વકીલ
આ સાથે જ તથ્ય પટેલના વકીલે પોલીસ પર સવાલ ઉઠાવતા કહ્યું ગતું કે, અગાઉ થાર અને ટ્રકનો અકસ્માત થયો હતો. પોલીસ હાજર હતી, પરંતુ પોલીસે બેરિકેડિંગ કર્યું નહતું. આમાં જેટલી બેદરકારી તથ્યની છે, એટલી જ બેદરકારી પોલીસની પણ છે. નિસાર વૈદ્યએ દલીલ કરતા જણાવ્યું હતું કે, તથ્યનો કોઈને મારવાનો હેતુ નહોતો, ગુનાહિત મનુષ્યવધની કલમ તથ્ય પર લાગુ પડે નહીં. અંતે તથ્ય પટેલના વકીલે કહ્યું હતું કે, પોલીસે ઉતાવળે તપાસ કરી અને ચાર્જશીટ ફાઈલ કરી છે.

તથ્યનું લાયસન્સ આજીવન માટે કરાયું છે રદ
ઇસ્કોન બ્રિજના આરોપી તથ્ય પટેલે 6 મહિનામાં જ 3 અકસ્માત સર્જ્યા હોવાનું તપાસમાં સામે આવતા અને વારંવાર ટ્રાફિક ગુનાઓ આચરવામાં આવ્યા હોવાથી તે રીઢો ગુનેગાર હોવાનું સાબિત થતાં આરટીઓ દ્વારા તેનું લાયસન્સ કાયમ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. તથ્ય પટેલ વારંવાર ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરવામાં માહેર હોવાનું તપાસમાં સામે આવતા આરટીઓ દ્વારા આ એક્શન લેવામાં આવ્યું હતું.

ઇસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ લીધા
બુધવારે (10 ઓગસ્ટ) રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 141.27થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જેગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

તથ્ય પટેલ હાલ સાબરમતી જેલમાં બંધ
જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી, જ્યારે યુવકના પિતાને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જે બાદ આરોપી તથ્યના રિમાન્ડ માંગ તેની પૂછપરછ હાથ ધરાઈ હતી. રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. હાલ તથ્ય પટેલ જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. પોલીસે તેની વિરુદ્ધ 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે.

You cannot copy content of this page