Only Gujarat

Gujarat

કાકી અને ભત્રીજીના પ્રેમીઓએ ખેલ્યો ખૂની ખેલ, ગળે ટૂંપો થઈને યુવાનને પતાવી દીધો

આણંદના બોરસદ તાલુકાના મોટી શેરડી ગામના તળાવ કિનારા પાસેથી મળી આવેલા યુવકની હત્યાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે મૃતકની પત્નીના પ્રેમીએ જ હત્યા કરી હતી. એટલું જ નહીં આ પ્રકરણમાં એક નવો ચોંકાવનારો ખુલાસો પણ થયો છે. આ હત્યા એક નહીં બે-બે પ્રેમ પ્રકરણના કારણે થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે, મોટી શેરડીના તળાવના કિનારેથી મંગળવારે ધુવારણના ગુલાબસિંહ ચંદુસિંહ ગોહેલનો મૃતદેહ મળી આવ્યો હતો. ભાદરણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન, પરિવારજનોની પ્રાથમિક પૂછપરછમાં બદલપુર ખાતે રહેતા ઘનશ્યામ નામના યુવક સામે શંકાની સોય તકાઈ હતી. જેને પગલે પોલીસે તેના ઘરે તપાસ હાથ ધરી હતી. પરંતુ તે મળી આવ્યો નહોતો. વધુમાં તેનો મિત્ર અર્જુન પણ મળ્યો નહોતો.


પોલીસે બાતમીદારોને સક્રિય કરી બંનેને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતા બહાર આવ્યું કે, મરનાર યુવક ગુલાબસિંહની પત્નીને અર્જુન સાથે પ્રેમ સંબધ હોઈ તેમાં પતિ ગુલાબસિંહ તેમને કાંટા સમાન લાગતો હતો. બીજી તરફ મૃતકની ભત્રીજી સાથે ધનશ્યામનો પ્રેમસંબધ હોવાથી આ પ્રેમસંબધમાં પણ ગુલાબસિંહ નડતરરૂપ બન્યો હતો.


ઘટનાના ચાર દિવસ પૂર્વે ગુલાબસિંહને પોતાની પત્ની દક્ષાને અર્જુન સાથે પ્રેમસંબધ હોવાની જાણ થઈ હતી. તેથી તેણે પત્ની દક્ષાને ઠપકો આપ્યો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. બીજી તરફ ભત્રીજીનાં પ્રેમસંબંધની જાણ થતા ગુલાબસિંહે તાત્કાલીક ભત્રીજીની સગાઈ અન્ય યુવક સાથે કરી દીધી હતી. જેથી છંછેડાયેલા અર્જુન અને ઘનશ્યામે દક્ષા સાથે મળીને ગુલાબસિંહની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હતું.

આ યોજના મુજબ દક્ષા પોતાનાં પતિ ગુલાબસિંહને બદલપુર ગામે લઈને આવી હતી. જો કે ગુલાબસિંહને રિક્ષામાં બેસાડી વ્યસ્ત રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન અર્જુન તેમજ ઘનશ્યામે પોતાનાં મિત્ર અને સગા મળીને ચાર લોકોને ત્યાં બોલાવી લીધા હતા. ત્યારબાદ તેઓ રિક્ષામાં ફરતા ફરતા છીણપુરા સીમમાં આવી પહોંચ્યા હતા. જ્યાં આરોપીઓએ ગુલાબસિંહને દોરડી વડે ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ પ્લાન મુજબ ગુલાબસિંહના મૃતદેહને ગંભીરા નદીમાં ફેંકી દેવા રિક્ષા લઈને નિકળ્યા હતા. પરંતુ મૃતદેહને નદીમાં ફેંકવા ગયેલા આરોપીઓને પકડાઈ જવાનો ડર લાગતા તેમણે મોટી શેરડી ગામથી ધનાવસી રોડ પર તળાવડી પાસે મૃતદેહને ફેંકી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

 

You cannot copy content of this page