Only Gujarat

Religion

ગુજરાતને અડીને આવેલું છે અનોખું ભગવાન શિવજીનું મંદિર, દરરોજ દરિયાદેવ પોતે કરે છે જળાભિષેક

ગુજરાતીઓ માટે ખાસ કરીને હરવા-ફરવા માટે દીવ ઘણું જ પ્રખ્યાત છે. અહીં મોજ મસ્તી માટે ઘણી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અહીંનો દરિયા કિનારો ઘેલું લગાડે તેવો છે માત્ર ગુજરાતના જ નહીં પણ ગુજરાત બહારના લોકો પણ દીવની મુલાકાત લેવા માટે આવે છે. જોકે, દીવમાં એક જગ્યા એવી આવેલી છે કે અહીં વારંવાર આવેલા લોકોને પણ નથી ખબર. આ બાબત આસ્થા સાથે જોડાયેલી છે, જેમાં દરિયો પોતે ભગવાન ભોળાનાથનો અભિષેક કરવા માટે મંદિર સુધી પહોંચે છે.

દીવમાં આવેલું મહાદેવનું મંદિર જોયું છે?
દીવ જાય એટલે દરિયો અને મોજ-મસ્તી યાદ આવે. દીવમાં ફરવા લાયક ઘણા સ્થળો છે જ્યાં તમે ફર્યા જ હશો. દીવના બીચ, કિલ્લા અને ચર્ચની મુલાકાત લીધી હશે. ફ્રેંડ્સ સાથે અને ફેમિલી સાથે દીવ ગયા હશો. પણ શું તમને ખબર છે કે દીવમાં શંકર ભગવાનનું એક મંદિર આવેલું છે. જ્યાં સમુદ્રના મોજાં આખો દિવસ શિવલિંગ પર જળાભિષેક કરે છે.

ગંગેશ્વર મંદિર
દીવથી 3 કિલોમીટરના અંતરે આવેલા ફુદમ ગામમાં ગંગેશ્વર મંદિર આવેલું છે. શંકર ભગવાનને સમર્પિત આ મંદિર દરિયા કિનારે આવેલું છે. આ મંદિરમાં પાંચ શિવલિંગ આવેલા છે. જેના પર દરિયાદેવ સ્વયં જળાભિષેક કરે છે. નાનકડી ગુફામાં આવેલા આ મંદિરમાં ભક્તિનો સાગર વહે છે. મંદિરમાં પગ મૂકતાંની સાથે જ આહ્લાદક અનુભવ થાય છે. મંદિરમાં પ્રવેશતાં જ એવું લાગે કે જાણે સમુદ્ર તમારા માટે શિવલિંગ પર જળાભિષેક કરી તેને સ્વચ્છ કરે છે. તેના પર તમે પુષ્પો અને બિલિપત્રો અર્પણ કરો તો બીજું મોજું આવીને પોતાની સાથે વહાવી જાય છે.

પાંચ પાંડવોએ કરી હતી સ્થાપના
પૌરાણિક માન્યતા પ્રમાણે, મંદિરમાં રહેલા પાંચ શિવલિંગની પૂજા પાંડવો કરતા હતા. શિવલિંગનો આકાર પણ નાનાથી મોટો પાંચેય પાંડવોની ઉંમર મુજબનો છે. એટલે કે પાંડવોમાં સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિરનું શિવલિંગ સૌથી મોટું અને સૌથી નાના ભાઈ સહદેવનું સૌથી નાનું શિવલિંગ. પાંડવો જ્યારે વનવાસ પર નીકળ્યા હતા ત્યારે તેમણે અહીં આ શિવલિંગોની સ્થાપના કરી હતી તેમ કહેવાય છે.

મંદિરની આસપાસનું વાતાવરણ તાજગી ભરી દેશે
ગંગેશ્વર મંદિરમાં જાવ તો ત્યાંથી બહાર નીકળવાનું મન ન થાય તેવો માહોલ હોય છે. ઘૂઘવાતો દરિયો પક્ષીઓનો કલરવ અને હવાની લહેરખી તમારું મન ખુશ કરી દેશે. ભક્તિ અને કુદરતી સૌંદર્યનો સુગમ સમન્વય અહીં જોવા મળશે. એટલે હજુ સુધી આ મંદિરની મુલાકાત ન લીધી હોય તો તમારા લિસ્ટમાં એડ કરી લો. હવે દીવ જાવ ત્યારે આ મંદિરે દર્શન કર્યા વિના પરત ન આવતા.

You cannot copy content of this page