Only Gujarat

Religion

આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ, ઘેરબેઠાં 21 રૂપિયામાં ઓનલાઈન પૂજા કરો ને પોસ્ટમાં મેળવો પ્રસાદ

આજથી શિવભક્તિનો મહાઉત્સવ એવા પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થવા જઇ રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં માનવ મહેરામણ ઉમટશે. દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાના છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જેમાં રહેવા, જમવા, પાર્કિંગ, પૂજા, મંત્રજાપની સુવિધાઓથી લઈ ઓનલાઇન દર્શન અને પૂજા તેમજ પ્રસાદની વ્યવસ્થા, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ સહિતની અનેકવિધ સુવિધાઓમાં શ્રાવણ માસમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે.

ટ્રાફિક અને પાર્કિંગ મેનેજમેન્ટ
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, શંખ સર્કલથી સોમનાથ આવતા માર્ગને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા હેઠળ વન વે કરવામાં આવ્યો છે. આવનાર વાહનો પાર્કિગમાંથી પાછળના ભાગે સદભાવના ગ્રાઉન્ડ તરફના માર્ગ પરથી બહાર નીકળશે. પાર્કિંગમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જ્યાંથી લોકોને સૂચનાઓ તેમજ મંદિર સુધી જવા માટે નિ:શુલ્ક વાહન વ્યવસ્થા કરી આપવામાં આવશે.

મોબાઇલ, જૂતાંઘર અને હેલ્પ ડેસ્કની વ્યવસ્થા
સોમનાથ મંદિરની બહાર સ્વાગત કક્ષ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે જે યાત્રીઓને કોઈપણ મદદ માટે માર્ગદર્શન પૂરું પાડશે. વૃદ્ઘો અને દિવ્યંગો માટે વ્હીલ ચેર પણ પૂરી પાડવામાં આવશે. તેમજ અહીંથી સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવશે. પ્રવેશ વ્યવસ્થાએ રીતે રાખવામાં આવી છે જેમાં યાત્રીઓને પ્રથમ પોતાનો સામાન કલોક રૂમમાં જમા કરાવી દર્શનની લાઈનમાં જવાનું રહેશે. તેમજ આ લાઈનમાં જ નિ:શુલ્ક જૂતાંઘર વ્યવસ્થા પણ છે. મોટી સંખ્યામાં યાત્રીઓ ઉમટવાનો અંદાજ હોય વધુ માત્રામાં પ્રસાદી અને પૂજાવિધિ કાઉન્ટર ઊભા કરાયા છે. નિશુલ્ક ભોજનાલયની કેપેસિટીમાં વધારો કરવામાં આવ્યો છે.

હાઇ ક્વોલિટી ટેન્ટ બનાવાયા
મંદિરના પ્રવેશ અને નિકાસ માર્ગો પર હાઇ ક્વોલિટી ટેન્ટ બનાવીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વરસાદ અને તડકાની પરિસ્થિતિમાં યાત્રીઓને અગવડ ન પડે તેની કાળજી રાખી છે.

મંત્રજાપ માટે કુટીર
મંદિરમાં જઈ રહેલ લોકો શ્રાવણ માસમાં ઓમ નમઃ શિવાય ની (માળા) જાપ કરી શકે તે માટે દિગ્વિજય દ્વાર સામે મંત્ર જાપ કુટીરની વ્યવસ્થા સરદારશ્રી પ્રતિમા નજીક ગોઠવવામાં આવી છે. પ્રવેશ અને નિકાસ બંને રસ્તે શ્રદ્ઘાળુઓને પીવાના પાણી માટે ફિલ્ટર પાણીની પરબ ગોઠવવામાં આવી છે.

રહેવા માટે ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા
ગત વર્ષે શ્રાવણ માસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ વખતે યાત્રીઓની સંખ્યા ગત વર્ષ કરતાં નોંધપાત્ર માત્રામાં વધવાની સંભાવના છે. સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહના રૂમોનું ઓનલાઇન બુકિંગ માત્ર સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પરથી જ થઈ શકશે. શ્રદ્ઘાળુઓ પોતાના પ્રવાસ માટે એડવાન્સ બુકિંગ કરી શકે છે.

સ્ટાફને યાત્રાળુઓ સાથે શાલીન વર્તન માટે સૂચના અપાઇ
આ શ્રાવણ માસમાં આવતા તમામ યાત્રિકો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓ, પોલીસ સ્ટાફ, એસ.આર.પી તરફથી વર્તનમાં અતિથિ દેવો ભવ: નું સુત્ર ચરિતાર્થ થાય તે માટે સંકલન કરીને મંદિરમાં રહેનાર તમામ સ્ટાફને શાલીન વર્તન અંગે સૂચના આપવામાં આવી છે.

ભક્તો શણગારના યજમાન બની શકશે
શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારો અનુસાર અલગ-અલગ શણગાર કરવામાં આવશે. આ શૃંગારના નિયત કરેલ ન્યોછાવર રાશિ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઇન તેમજ પૂજાવિધિ કાઉન્ટર પર આપી ભક્તજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે.

સંકિર્તન ભવન ખાતે સ્વતંત્ર પૂજા માળખું
સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, પાઘ પૂજા, માર્કન્ડેય પૂજા, કાલસર્પ યોગ નિવારણ વિધિ, સુવર્ણ કળશ પૂજન જેવી પૂજાના અનુભવને એક સ્તર ઉપર લઈ જવાં માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ વખતે પ્રથમ વખત મંદિરના સંકિર્તન ભવન ખાતે સ્વતંત્ર પૂજા માળખું વિકસાવ્યું છે. જેમાં પૂજા નોંધણી, સ્લોટ અનુસાર પૂજા કાર્યક્રમ અને s.o.p હેઠળ આયોજન કરવામાં આવ્યા છે. જેના માટે વિશેષ અધિકારી કર્મચારીનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.

21 રુપિયામાં ઓનલાઇન બિલ્વ પૂજા, પ્રસાદ ઘરે આવશે
શ્રાવણમાસ દરમ્યાન ટ્રસ્ટની યજ્ઞશાળામાં મહામૃંત્યુંજય યજ્ઞમાં નજીવી ન્યોછાવર રાશિથી ભાવિકો હોમ કરી યજ્ઞનો લાભ લઇ શકશે. તેમજ શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઘરે બેઠા માત્ર 21 રુપિયામાં ઓનલાઇન બિલ્વ પૂજા નોંધાવી શકશે, જેનો પ્રસાદ ભક્તોને પોસ્ટ મારફત ઘરે બેઠા પહોંચાડવામાં આવશે.

સોશિયલ મીડિયા પર ઓનલાઇન દર્શન
શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ નિયમિત દર્શન અને આરતીનો લ્હાવો લઇ શકે તે માટે ટ્રસ્ટના ફેસબુક ટ્વીટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ તથા ટેલીગ્રામમાં 9726001008-સોમનાથ યાત્રા મોબાઇલ એપ્લીકેશન, ટ્રસ્ટની વેબસાઇટ પરથી મળી રહેશે. આ માટે મંદિર અને આઇટી ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાત્રી સફાઇની વ્યવસ્થા
સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી સોમનાથ ટ્રસ્ટ, નગરપાલિકા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે રાત્રી સફાઇની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવનાર યાત્રિકો પવિત્ર યાત્રાધામમાં કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં નાખી સ્વચ્છતા જાળવવા સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે.

શ્રાવણના પ્રથમ દિવસના કાર્યક્રમ
શ્રાવણના પ્રથમ દિવસે શ્રાવણ સુદ એકમ તા.17/08/2023 ગુરૂવાર ના રોજ સવારે 7-30 મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ કરવામાં આવશે. તેમજ સવારે 7-45 વાગ્યે સવાલક્ષ બિલ્વપૂજા પ્રારંભ થશે. સવારે 8-00 વાગ્યે નુતન ધ્વજારોહણ કરવામાં આવશે.

સોમવાર અને તહેવારોમાં મંદિરનો સમય
આ ઉપરાંત નીચે મુજબના દિવસોમાં શ્રાવણ સોમવાર તથા તહેવારોના દિવસોમાં શ્રી સોમનાથ મંદિર સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જ્યારે શ્રાવણ મહિના દરમિયાન સામાન્ય દિવસોમાં સવારે 5:30થી રાત્રે 10 વાગ્યા સુધી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.

તારીખ તિથી દિવસ-તહેવાર
20/08/2023 શ્રાવણ સુદ ચોથ પ્રથમ રવિવાર
21/08/2023 શ્રાવણ સુદ પાંચમ પ્રથમ સોમવાર
27/08/2023 શ્રાવણ સુદ અગીયારસ દ્વિતીય રવિવાર
28/08/2023 શ્રાવણ સુદ બારસ દ્વિતીય સોમવાર
31/08/2023 શ્રાવણ સુદ પુર્ણિમાં રક્ષાબંધન
03/09/2023 શ્રાવણ વદ ચોથ તૃતિય રવિવાર
04/09/2023 શ્રાવણ વદ પાંચમ તૃતિય સોમવાર
07/09/2023 શ્રાવણ વદ આઠમ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી
10/09/2023 શ્રાવણ વદ અગિયારસ ચતુર્થ રવિવાર
11/09/2023 શ્રાવણ વદ બારસ ચતુર્થ સોમવાર
15/09/2023 શ્રાવણ વદ અમાસ અમાસ

હોટલ રહેવાના બુકિંગની શું સ્થિતિ છે
સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ચાર ગેસ્ટ હાઉસમાં શ્રાવણના પ્રથમ અઠવાડિયા માટેનું બુકિંગ મોટાભાગે હાઉસફૂલ થઇ ગયું છે. જ્યારે અન્ય ખાનગી હોટલોમાં બુકિંગ ચાલી રહ્યા છે.

You cannot copy content of this page