Only Gujarat

Business TOP STORIES

કોરોનાકાળમાં SBI એક પછી એક આપે છે ઝાટકા, હવે બેંકે કર્યો આટલો મોટો ફેરફાર!

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરો ઘટાડ્યા છે, આ પહેલાં એસબીઆઈએ 27 મેના એફડી વ્યાજ દરમાં ફેરફાર કર્યા હતા. પરંતુ તમે એસબીઆઈમાં ફિક્સ્ડ ડિપૉઝિટ કરાવવાનું વિચારી રહ્યા છો તો ફરી નવા રેટ વિશે જાણી લો.

બેંકે એક વર્ષથી લઈને બે વર્ષથી ઓછી અવધિવાળી એફડી પર વ્યાજ દરમાં 0.20 ટકાનો ઘટાડો કર્યો છે. હવે એક વર્ષથી વધુ અને 2 વર્ષ ઓછી એફડી પર આ બેંકમાં 4.90 ટકા વ્યાજ મળશે. જ્યારે આ પહેલા બેંક 5.10 ટકા વ્યાજ આપી રહી હતી. નવા વ્યાજ દરો 10 સપ્ટેમ્બરથી લાગૂ પડી ગયા છે.

આ ફેરફાર બાદ હવે એસબીઆઈ બેંકમાં સાત દિવસથી લઈને 45 દિવસની મેચ્યોરિટી વાળી એફડી પર વ્યાજ દર 2.9 ટકા, 46 દિવસથી 179 દિવસની એફડી પર વ્યાજ દર 3.9 ટકા, 180 દિવસથી લઈને એક વર્ષથી ઓછી એફડી પર વ્યાજ દર 4.4 ટકા થઈ ગયા છે.

જો કે એક વર્ષથી વધુ અને બે વર્ષથી ઓછા સમય માટે ડિપૉઝિટ પર 4.9 ટકા વ્યાજ મળશે. બે વર્ષથી ત્રણ વર્ષ માટે એફડી પર વ્યાજ દર 5.1 ટકા, ત્રણ વર્ષથી લઈને પાંચ વર્ષ સુધી એફડી પર વ્યાજ દર 5.3 ટકા અને પાંચ વર્ષથી લઈને 10 વર્ષ સુધીની સમય મર્યાદા પર વ્યાજ દર 5.4 ટકા મળશે.

મહત્વનું છે કે એસબીઆઈએ સીનિયર સિટિઝન માટે રિટેઈલ ટર્મ ડિપૉઝિટ સેગમેન્ટ SBI Wecare Deposit નામથી ડિપૉઝિટ સ્કીમ શરૂ કરી હતી, જેમાં રોકાણ માટેની 30 સપ્ટેમ્બર સુધી છેલ્લી તારીખ હતી, જેને હવે વધારીને 31 ડિસેમ્બર કરાવવામાં આવી છે. આ સ્કીમમાં સીનિયર સિટિઝનને પાંચ વર્ષ અથવા તેનાથી વધુ સમય માટે ફિક્સ્ડ ડિપૉઝિટ પર વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

સીનિયર સિટિઝનને પાંચ વર્ષથી ઓછી અવધિ માટે ફિક્સ્ડ ડિપૉઝિટ માટે 0.50 ટકા વધુ વ્યાજ મળશે. જ્યારે પાંચ વર્ષથી વધુ રિટેઈલ ટર્મ ડિપૉઝિટ પર 0.80 ટકા વ્યાજ મળશે, જેમાં વધારાના 0.30 ટકા વ્યાજ પણ સામેલ છે. જો કે, મેચ્યોરિટી પહેલા કાઢવા પર વધુ વ્યાજનો લાભ નથી મળશે. પાંચ વર્ષની એફડી પર તેના અંતર્ગત 6.20 ટકા વ્યાજ મળશે.

You cannot copy content of this page