Only Gujarat

FEATURED International

સાવચેતી રાખો! રસી ભલે આવી જાય પણ કોરોનાને કારણે જીવન સામાન્ય નહીં જ થાય

વોશિંગ્ટનઃ અમેરિકાના જાણીતા કોરોના વિશેષજ્ઞ ડૉ. એંથની ફાઉચીએ કહ્યું છે કે વર્ષ 2021ના અંત સુધીમાં જિંદગી સામાન્ય થવાની આશા નથી. ફાઉચીએ કહ્યું કે કોરોના વાયરસની રસી મદદ કરશે, પરંતુ તેની કેટલીક શરતો છે. તેમનું એવું પણ માનવું છે કે કોરોનાની જેટલી રસી પર કામ થઈ રહ્યું છે, તેમાંથી કોઈ એકને 2020ના અંત સુધીમાં અથવા તો 2021 સુધીમાં મંજૂરી મળી જશે.

ફાઉચીનું કહેવું છે કે ભલે રસીને આ વર્ષના અંતમાં અથવા તો આવતા વર્ષે મંજૂરી મળી જાય, પરંતુ તે તમામ લોકો માટે તરત ઉપલબ્ધ નહી થાય. MSNBCની સાથેના ઈન્ટરવ્યૂમાં ફાઉચીએ કહ્યું કે મંજૂરી મળ્યા બાદ રસીનું મોટી માત્રામાં ઉત્પાદન અને સપ્લાયની જરૂર રહેશે. 2021ના મધ્ય કે અંત સુધી વસતીના મોટા ભાગને રસી આપવાનો અને તેને સુરક્ષિત કરવાનું કામ પુરું થતું નથી દેખાઈ રહ્યું.

ઉલ્લેખનીય છે કે કોરોના રસી પર હાલ કામ ચાલી રહ્યું છે, જેમાંથી મોટા ભાગની રસીને ફ્રીઝરમાં ઠંડી રાખવાની હોય છે. ફાઉચીએ કહ્યું કે રસીના કોલ્ડ સ્ટોરેજને લઈને પણ સમસ્યા થાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા માટે કોલ્ડ ચેઈન બનાવવી પડે છે.

ફાઉચીએ રેસ્ટોરાં, બાર જેવી જગ્યાઓ પર લોકોની ભીડ થવાની ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે યુવાનો વિચારી શકે છે કે તે ગંભીર બીમાર નહીં થાય. પરંતુ તેમણે એ ન ભૂલવું જોઈએ કે તેમના સંપર્કમાં આવવાથી અન્ય લોકો પણ બીમાર થઈ જશે. તેમણે કહ્યું કે લોકો કોરોનાને લઈને ખોટી જાણકારી પણ ફેલાવી રહ્યા છે, જેના કારણે વાયરસ સાથેની લડાઈ પણ મુશ્કેલ થઈ ગઈ છે.

ફાઉચીએ કહ્યું કે એ વસ્તુ તેમને ખૂબ જ પરેશાન કરે છે કે, વૈજ્ઞાનિક પુરાવા વિના અનેક દવાઓ વિશે દાવાઓ કરવામાં આવે છે કે તેનો ઘણા ફાયદો થાય છે. તેમણે કહ્યું છે કે એવી થિયરીને ફગાવવા માટે તેમનો અને તેમના જેવા વિશેષજ્ઞોનો ઘણો સમય વેડફાય છે.

You cannot copy content of this page