Only Gujarat

Gujarat

જાહેર માર્ગ પર નિર્લજ્જ ઇશારાઓ કરતી યુવતીઓને પોલીસે પકડી, મોટા રેકેટની શંકા

અમરેલીના રાજુલા પાસેના હિંડોરણા ચોકડી પાસે જાહેરમાં નિર્લજ્જ ચેનચાળા કરી યુવકોને ફોસલાવી પૈસા પડાવતી અમદાવાદની છ યુવતીઓને પોલીસે ઝડપી લીધી છે. પોલીસને બાતમી મળી હતી કે, રાજુલા નજીક હિંડોરણા ચોકડી પાસે આવેલી રાધિકા હોટલ નજીક પેન્ટ શર્ટ પહેરેલી છ યુવતીઓ જાહેર માર્ગ પર બીભત્સ ચેનચાળા કરી રહી છે. તેના આધારે પીઆઇ આર.એમ.ઝાલા, પીએસઆઇ સેગલીયા તે સ્થળ પર દોડી ગયા હતા.

તપાસ કરતા માલુમ પડ્યું કે, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જીવન જ્યોત નજીક રહેતી છ યુવતીઓ જાહેર માર્ગ પર ઉભી રહી જાણી જોઈને અશ્લીલ પણે વર્તન કરી રહી હતી. એટલું જ નહીં તેઓ નિર્લજ્જ ઇશારાઓ કરી લોકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી હતી.

આ મામલે પોલીસે અમદાવાદની પુજા, રીના, નિલમ, શીમા, ભાવના અને નિતુ નામની તમામ યુવતીઓને ઝડપી લીધી હતી. પોલીસની તપાસમાં એવી વાત પણ સામે આવી હતી કે આ યુવતીઓ ચેનચાળા કરતી હતી તેમાં જો કોઈ વ્યક્તિ ફસાઈ જાય તો તેને ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકી આપીને તેમની પાસેથી નાણાં પડાવતી હતી.

પોલીસે અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ આ યુવતીઓની જાળમાં ફસાયો હોય તો તેમણે રાજુલા પોલીસ મથકનો સંપર્ક કરવો. અમદાવાદની આ યુવતીઓ સૌરાષ્ટ્રના વિસ્તારમાં આવીને આ પ્રકારની હરકત કરતી હોવાથી પોલીસ પણ આશ્ચર્યમાં છે.

પોલીસ માની રહી છે કે આ કોઈ ચોક્કસ ગેંગ છે. જે રાજયના અન્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારે લોકોને લલચાવી-ફોસલાવી તેમની પાસેથી પૈસા પડાવવાનું નેટવર્ક ચલાવી રહી છે. તેથી પોલીસે તમામ યુવતીઓની પૂછપરછ કરી આ કોઈ રેકેટ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

 

You cannot copy content of this page