Only Gujarat

Gujarat

બજરંગદાસબાપુના ધામમાં 24 કલાક લોકોને ફ્રીમાં મળે છે ભોજન, જુઓ તસવીરો

અમદાવાદ: આખી દુનિયામાં ‘બાપા સીતારામ’ નામ ગૂંજતું કરનાર સંત બજરંગદાસબાપુની કર્મભૂમિ બગદાણા ખાતે હાલમાં પૂજ્ય બાપુની 43મી પૂણ્યતિથિ ઉજવાઈ ગઈ. બગદાણામાં આમ તો બારેમાસ ભક્તોનો અવિતર પ્રવાહ ચાલુ રહે છે, પણ બે દિવસ વિશેષ ઉજવણી થાય છે. બજરંગદાસ બાપાની પૂણ્યતિથિ (પોષ વદ 4) અને ગુરુપુર્ણિમાનો ઉત્સવ અહીં ધામધૂમથી ઉજવાય છે.

હાલમાં તારીખ 14મી જાન્યુઆરીએ ઉજવાયેલી પૂણ્યતિથિ નિમિત્તે દેશ-વિદેશથી લાખો ભક્તો ઉમટી પડ્યા હતા. દર્શન કરવા માટે આવેલા ભક્તો માટે પ્રસાદ અને ભોજનની સુંદર વ્યવસ્થા જોઈને સૌ કોંઈ અચંબિત થઈ ગયા હતા. 10 હજારથી વધુ સેવકોએ ખડેભગે રહેવા-જમવાની સગવડો સાચવી હતી.

બગદાણા ધામમાં બાપુની પૂણ્યતિથિ નિમિત્તે ભક્તો માટે 1200 કિલો લાડવા, 1200 કિલો શાક, 5500 કિલો શાક, 5500 કિલો ગાંઠિયા, 3700 કિલો દાળ, 7400 કિલો ભાત અને 11000 કિલો રોટલી બનાવવામાં આવી હતી. ભક્તોને પરંપરાગત રીતે પંગતમાં બેસાડીને ભાવભેર જમાડવામાં આવ્યા હતા. લાખો ભક્તો એક સાથે પ્રસાદ લેવા આવ્યા છતાં ક્યાંય અગવડ દેખાતી નહોતી.

ગુરૂઆશ્રમ ખાતે તારીખ 14મી જાન્યુઆરીએ વહેલ સવારે 5 વાગ્યે મંગળા આરતીથી ધાર્મિક કાર્યક્રમોનો આરંભ થયો હતો. બાદમાં ધ્વજારોહણ અને ગુરૂપુજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે યોજાતી નગરયાત્રા ગુરૂઆશ્રમથી સવારે 10.15 વાગ્યે નીકળી હતી, જે આખા બગદાણામાં ફરી હતી. બાદમાં ભોજન અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.


બજરંગદાસ બાપાની પૂણ્યતિથિના પાવન દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. લાખો ભક્તોએ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. બગદાણામાં 15 હજારથી વધુ સ્વંયસેવકોએ દર્શનાર્થે આવતા ભાવિકોની રહેવા, ભોજન, ચા-નાસ્તાની સગવડો સચાવી હતી અને આખો દિવસ ખડેપગે રહ્યા હતા.

નોંધનીય છે કે ચાર દાયકા પહેલાં સંત પૂજ્ય બજરંગદાસબાપા બગદાણાના ગુરૂઆશ્રમ ખાતે તારીખ 9/1/1977ના રવિવારના વહેલી સવારે બ્રહ્મલીન થયા હતા. આ દિવસે વિક્રમ સંવત મુજબ પોષ માસની વદ ચોથની તિથી હતી.. એ મુજબ દર વર્ષે બાપાની પૂણ્યતિથિ ઉજવવમાં આવે છે.

પૂજ્ય બજરંગદાસપાપાનું જીવન શ્રદ્ધાળુઓને સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે. પૂજ્ય બાપુનું નામ આજે સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં પણ વિદેશમાં પણ ભક્તોના હ્રદયમાં દેવ કક્ષાએ બિરાજમાન થયું છે.


બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે.

ભાવનગરના અઘેવાડા ગામમાં હીરદાસ અને શિવકુંવરબાના ઘરે 1906માં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો. રામાનંદી સાધુના ઘરે જન્મ થયો હોવાથી તેમનું નાનપણનું નામ ભક્તિરામ હતું. તેમણે 11 વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસે દીક્ષા લીધી અને સમાધિમાં લીન થઈ ગયા.

ભક્તિરામ જ્યારે દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામબાપુએ તેમને કહ્યું કે તમે તો ગુરુ અવતાર છો મારે તમને આપવાનું હોય તમારે નહીં. ત્યારે ભક્તિરામે કહ્યું કે જો તમે મને કંઇક આપવા માગતા હોવ તો એવું કંઇક આપો કે મારા મુખે રામનું રટણ ચાલુ જ રહે. ત્યારે સીતારામબાપુએ તેમને નવું નામ આપ્યું ‘બજરંગી’ અને કહ્યું કે આખું જગત તમને બજરંગદાસના નામથી ઓળખશે.

ગુરુજ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા ગુજરાતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ બગદાણા આવ્યા. અંદાજે આ વર્ષ 1941નું હતું. અહીં બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ બજરંગદાસ બાપાને ગમી ગયા ને ત્યાર પછી અહીં તેઓ કાયમ માટે રહી ગયા. એવું કહેવાય છે કે તેઓએ 1951માં આશ્રમની સ્થાપના કરી હતી.

1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું. જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનું પ્રવેશદ્વાર વિશાળ છે. બન્ને બાજુ કાચ છે, જ્યારે શિવ અને પાર્વતીની પ્રતિમા મૂકવામાં આવી છે.

સમય ગયે ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા. તેઓએ 1977માં દેહત્યાગ કર્યો.

બગદાણામાં બે ધર્મશાળા છે, જેમાં 100 રૂમ છે. રહેવાની કોઈ ફી નથી. ભોજનાલય 24 કલાક ધમધમે છે.

બગદાણા આશ્રમ મહુવાથી 32 કિમી, ભાવનગર 78 કિમી, અમદાવાદ 250 કિમી દૂર છે. બગદાણા જવા માટે અમદાવાદથી સીધી બસ મળે છે. આ ઉપરાંત ગુજરાતનાં અન્ય મોટાં શહેરો ભાવનગર, રાજકોટમાંથી સીધી બસ મળી શકે છે. રાજકોટથી જનાર આટકોટ, બાબરા અને પાલિતાણા વાયાથી અહીં જાય છે જે 190 કિમી થાય છે. જુનાગઢથી જનાર વાયા વિસાવદર-ચલાલા થઈને જાય છે જે 175 કિમી થાય છે.

 

You cannot copy content of this page