Only Gujarat

Gujarat National

ડમ્પરે મારી ટક્કર, સ્કૂટર ડમ્પરના વ્હિલમાં ફસાયું, બંને યુવાનોએ ત્યાં જ દમ તોડી દીધો

સુરતમાં ખૂબ જ એરેરાટીભરી ઘટના સામે આવી છે. બેફામ ડમ્પરે બે યુવાનોને કચડી નાખ્યા છે. બંને યુવાનના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જોકે, વાત આટલેથી અટકી ન હતી. જીવ ગુમાવનાર બંને યુવાનોનાં મૃતદેહ કલાકો સુધી ઘટનાસ્થળે પડી રહ્યા હતા. હકીકતમાં બે પોલીસ વચ્ચે હદનો વિવાદ થતાં મૃતદેહો રઝળ્યા હતા. દેવધ ગામ પાસે એક સાથે બે બે યુવકના અકસ્માતમાં મોત થતાં અરેરાટી વ્યાપી હતી. બંને યુવાનોનાં પરિવારના લોકો આ સમાચાર જાણીને શોકમાં ગરક થઈ ગયા હતા. સાથે જ લોકોએ બેફામ ગતિએ દોડતા ડમ્પરો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ સુરતના દેવધ ગામ પાસે મીલથી સ્કૂટર લઈને ઘરે જઈ રહેલા શિવા ચાંડક (ઉ.વ.28) અને અનિરુદ્ધ શર્મા (ઉં.વ. 27)ને ડમ્પર ચાલકે કચડી નાખ્યા હતા. બંને પલસાણા ખાતે આવેલી નિટ્સ મીલમાં માર્કેટિંગનું કામ કરતા હતા. બંને કામ પતાવીને સોમવારે સાંજે સ્કૂટર પર પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન બંનેને ડેમ્પર ચાલકે અડફેટે લીધા હતા.

શિવા અને અનિરુદ્ધ નામના બંને યુવાન દેવધ ગામ ખાતે રસ્તો ઓળંગી રહ્યા હતા. આ દરમિયાન રેતી ભરેલું ડમ્પર પૂર ઝડપે આવ્યું હતું અને બંનેના સ્કૂટરને અડફેટે લીધું હતું. ડમ્પર ચાલકે બંનેને કચડી નાખ્યા હતા. બંનેના ઘટનાસ્થળે જ મૃત્યું થયા હતા. બંનેમાંથી એકને ડમ્પર ચાલક દૂર સુધી ઢસડીને લઈ ગયો હતો. આ દરમિયાન સ્કૂટર ડમ્પરના આગળના વ્હીલમાં ફસાયું હતું.

બનાવ બાદ લોકોએ પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસ મથકની હદને લઈને વિવાદ ઊભો થયો હતો. જોકે, અંતે ગોડાદરા પોલીસની હદ હોવાની વાત સ્પષ્ટ થતાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ દરમિયાન બંનેને મૃતદેહ કલાકો સુધી ત્યાં જ પડ્યા રહ્યા હતા. પોલીસ કાર્યવાહી થઈ શકે ત્યાં સુધી ત્રણ કલાક જેટલો સમય પસાર થઈ ગયો હતો.

You cannot copy content of this page