Only Gujarat

Gujarat

ગુજરાતમાં બનશે વધુ એક આકર્ષણનું કેન્દ્ર , ચીનને માત આપવા પીએમ મોદીનો માસ્ટર પ્લાન

વિશ્વમાં ક્યાંય ના હોય એવું બાલ ભવન ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે તૈયાર થઈ રહ્યું છે. આ માટે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેખરેખ રાખી રહ્યા છે. આ રાજ્યની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના બાલભવન પ્રોજેક્ટ અંતર્ગત તેને બનાવવામાં આવશે. જેમાં પ્રાચીન કાળથી લઇને આધુનિક સમય સુધીના આશરે 11 લાખથી વધુ રમકડાં પ્રદર્શન માટે મુકાશે. ભારતીય વિજ્ઞાની, કલાકારો, શહીદો, મહાપુરુષો, ગગનયાન, વિવિધ મિસાઈલ્સ, EVM મશીન, 1857નો સ્વતંત્રતા સંગ્રામ, અંગ્રેજો સામેની લડાઈની ઝાંખી દર્શાવતા રમકડાંઓ પ્રદર્શનમાં મુકવામાં આવશે. તેના માધ્યમથી બાળકોને રમત-ગમતની સાથે સંસ્કાર આપવાનું કામ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કરશે.

ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ રાજ્યની રાજધાની ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી નજીક શાહપુર અને રતનપુર ગામ વચ્ચે આ પ્રોજેક્ટ આકાર લેશે. તેના નિર્માણ માટે આશરે 1500 કરોડનો ખર્ચ આવશે અને લગભગ પાંચ વર્ષ જેટલો સમય પણ લાગશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શિલાન્યાસ માટે આમંત્રિત કરવામાં આવશે. મહત્વનું છે કે પીએમ મોદી આ પ્રોજેક્ટમાં ખુદ સક્રિય રીતે માર્ગદર્શન કરી રહ્યા છે. ગત 22 ઓગસ્ટે વડા પ્રધાને આ માટે ઓનલાઇન સંવાદ પણ કર્યો હતો.

જેમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીને ટોય મ્યુઝિયમ પ્રોજેક્ટ સંબંધિત પ્રેઝન્ટેશન રજૂ કરવા જણાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે ચિલ્ડ્રન યુનિવર્સિટીએ આ યોજનામાં સંપૂર્ણ શક્તિ સાથે કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી આ બાબતે જેટલી તાકાત હોય તેટલી લગાવી દે. આ પ્રોજેક્ટમાં તમામ મંત્રાલયોને પણ પૂરક મદદ પુરી પાડવા સૂચના આપવામાં આવી હતી.

એવી વાત પણ સામે આવી છે કે અહીં મનોવૈજ્ઞાનિક સંશોધન બાદ સાંસ્કૃતિક અને વિજ્ઞાનને પ્રોત્સાહક રમકડાંનું નિર્માણ થશે. દેશના જુદાજુદા રાજ્યો અને ગામડાના બાળકો જે રમકડાં રમે છે તે રમકડાં પાછળનો ઈતિહાસ અને મહત્ત્વ સમજાવાશે. ડીઆરડીઓ અને ઈસરોની મદદથી ઈલેક્ટ્રોનિક, બેટરી અને સોલર આધારિત નાના-નાના યાન, પૃથ્વી મિસાઈલ, અગ્નિ મિસાઈલ, સેટેલાઈટ વગેરે તૈયાર થશે.

અમેરિકામાં હાલ વિશ્વનું સૌથી મોટું ‘ટોયઝ મ્યુઝિયમ’છે. અમેરિકાના બ્રાન્સર મીસોરી સ્ટેટમાં વિશ્વનું સૌથી મોટું ‘ટોયઝ મ્યુઝિયમ’ આવેલું છે. આ મ્યુઝિયમમાં હાલ 10 લાખથી વધુ પ્રાચીન અને આધુનિક રમકડાં મુકાયેલા છે. આશરે 30 હજાર ચોરસ મીટર જગ્યામાં જુદાજુદા સાત વિભાગમાં આ ‘ટોયઝ મ્યુઝિયમ’ પથરાયેલું છે. તો બીજી તરફ સરકાર હવે રમકડાના મામલે પણ દેશને આત્મનિર્ભર બનાવવા માગે છે. કારણ કે ચાઈના રમકડાના બિઝનેસમાં અગ્રેસર છે.

એક અંદાજ મુજબ દર વર્ષે 2500 કરોડથી વધારેના રમકડાં ચીનથી ભારતમાં આયાત થાય છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માધ્યમથી ચીનના રમકડાં માર્કેટને તોડવાનો સરકારનો માસ્ટર પ્લાન હોવાનું નિષ્ણાતોનું માનવું છે. ભારતીય ઉત્પાદકોને રમકડાંના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવાની પણ યોજના છે. બાળભવન પર PM મોદીની સીધી દેખરેખ આગામી બે મહિનામાં બાળ ભવનનો પ્લાન તૈયાર કરી વડાપ્રધાન સમક્ષ રજૂ કરવાનો છે. વડાપ્રધાન પ્લાનને મંજૂરી આપે પછી ભૂમિપૂજન કરી પ્રોજેક્ટ નિર્માણની કામગીરી શરૂ થશે.

You cannot copy content of this page