Only Gujarat

Gujarat

મકાન-ખેતર પચાવી પાડવા વિધવા માતાને પુત્ર-પુત્રવધૂએ ઘરમાંથી કાઢી મૂક્યાં, માર પણ માર્યો

સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે એક અત્યંત કરુણાજનક બનાવમાં કળિયુગી કપાતર પુત્રએ મકાન અને ખેતર પચાવી પાડવાના બદ ઈરાદાથી પોતાની વિધવા માતાને માર મારી તગેડી મુકતાં સમાજમાં ફિટકારની લાગણી વરસી રહી છે. વૃદ્ધ માતાને તેના પુત્ર અને પૌત્રએ કાઢી મુકતાં વૃદ્ધા ન્યાય માટે કાકોશી પોલીસના દ્વાર ખટખટાવ્યા છે.

અત્યારે પોતાનું મકાન હોવા છતાં લાચાર માતા તેના નાના દીકરાના ઘરે રહેવા મજબૂર બની છે. હદ તો ત્યાં થઈ ગઈ કે પુત્રએ માતાને ઘર બહાર કાઢતી વેળાએ અહીંયા તારું કઈ જ નથી ‘તારે જવું હોય ત્યાં જા’ તેવું સંભળાવી દેતાં માતાની આંતરડી કકળી ઉઠી હતી. આ અંગેની વૃદ્ધાએ કાકોશી પોલીસને ફરિયાદ કરી છે. ધુમ્મડ ગામે રહેતા ગોમતીબેન ભીખાજી ઠાકોર ઉ.વર્ષ 60ને સંતાનમાં બે દીકરા છે. 5 વર્ષ અગાઉ તેમના પતિનું અવસાન થયેલ છે.

ત્યારે ગોમતીબેન ઘરે હતા ત્યારે મોટો દીકરો પ્રધાનજી ઠાકોર, વહુ રમીલાબેન ઠાકોર, પૌત્ર રણછોડજી પ્રધાનજી ઠાકોર તેમજ તેની પૌત્રવધૂ હરણાબેન રણછોડજી ઠાકોર અને પૂજાબેન સુરેશજી ઠાકોરે કહેલ કે આ ખેતરમાં તારે કોઈ લેવા દેવા નથી. અહીંથી નીકળી જા તેમ કહી સગી જનેતાને ગડદા પાટુનો માર મારી ઘરમાંથી કાઢી મુક્યા હતા. હાલમાં વરસાદના વાતાવરણમાં ગોમતીબેન તેમને તેના નાના પુત્ર ડાહ્યાજી ઠાકોર અમદાવાદ લઈ ગયા હતા.

વૃદ્ધા ઠાકોર ગોમતીબેને તેના પુત્ર અને તેના પરિવાર દ્વારા પોતાની હત્યા કરી નાખશે તેવી દહેશત પણ વ્યક્ત કરી હતી. ફરિયાદ મુજબ પુત્રએ તેની માતાને એવું પણ કહ્યું છે કે તું ત્યાં જઈશ તો તેઓ પણ અમારું કંઈ બગાડી શકશે નહીં. પુત્રએ માતાને રઝળતી મુકી દેતાં સમાજમાંથી તેમના ઉપર ફિટકાર વરસી રહ્યો છે.

You cannot copy content of this page