Only Gujarat

Gujarat

પત્ની પોતાના મોટાભાઈ સાથે ફરાર થઈ જતા પિતાએ પોતાના પુત્રનું જ કર્યું અપહરણ

અમદાવાદના અમદુપુરા વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બાળકનાં અપહરણની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી. ક્રાઇમબ્રાંચની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં બાળકનું અપહરણ તેના જ પિતાએ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો. તપાસમાં જે કારણ સામે આવ્યું તે હેરાન કરી મુકે તેવું હતું.

આ ઘટનાની વિગત એવી છે કે, વોરાના રોજા ફૂટપાથ પર અજય કચરાજી ઠાકોર રહે છે. તેના લગ્ન આરતી નામની મહિલા સાથે થયા હતા. જેમાં તેમને પાંચ વર્ષનો પુત્ર પ્રવિણ બે વર્ષનો પુત્ર ભરત છે. આઠેક દિવસ પહેલા પ્રવિણનુ અપહરણ કોઇ અજાણ્યો વ્યક્તિ કરી ગયો હતો. શહેર કોટડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી. પોલીસે અલગ અલગ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા હતા. પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો.

એક અઠવાડિયા સુધી શોધખોળ બાદ પતિ-પત્નીને ક્રાઈમ બ્રાન્ચ લાવી પૂછપરછ કરતા આરતીએ પોતાના પહેલા લગ્નની જાણકારી આપી. પહેલો પતિ મુકેશ કચરાજી રાવળ મણિનગર રેલ્વે સ્ટેશન સામે રોડની ફુટપાથ તથા ઘોડાસર ખાતે સ્મૃતિ મંદિરની આસપાસ રહે તેવું આરતીએ પોલીસને જણાવ્યું હતું. પતિ જ પોતાના બાળકનું અપહરણ કરી લઇ ગયો હોવાની શંકાને લઈ પોલીસ તપાસ કરતા તેના પતિ પાસે અપહરણમાં ભોગ બનેલો પાંચ વર્ષનો બાળક મળી આવ્યો. વાત એમ હતી કે આરતી અને પહેલા પતિ મુકેશ વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. લોકડાઉનના કારણે પતિનો મોટો ભાઈ અજય તેમની સાથે રહેવા આવી ગયો હતો. આરતીને પોતાના જેઠ અજય સાથે પ્રેમ થઇ ગયો હતો. તેથી આરતી મુકેશને છોડીને તેના જ જેઠ અજય સાથે સાથે ભાગી ગઇ હતી. ત્યારથી પોતાના બાળકો સાથે આરતી અલગ રહે છે.

બીજી તરફ મુકેશને આ વાતની જાણ નહોતી. તેથી તે પોતાની પત્ની અને બાળકોને શોધી રહ્યો હતો. દરમિયાન મુકેશને જાણવા મળ્યું હતું કે તેની પત્ની અને બાળકો અમદુપુરા જી.સી.એસ કોલેજ પાસે રહે છે. જેથી આઠેક દિવસ પહેલા પોતે અમદુપુરા પહોંચ્યો હતો અને પોતાના દીકરા પ્રવીણને પોતાની સાથે લઈને આવી ગયો હતો. જે અંગે પોલીસે પિતા વિરુદ્ધ જ પોતાના પુત્રના અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

You cannot copy content of this page