Only Gujarat

Gujarat

“મારા દીકરા એટલે મારું જીવન, તેઓ નથી એટલે મારે જીવવાનો કોઈ અર્થ નથી”

અમદાવાદના હાથીજણમાં થોડા સમય પહેલા થયેલા સામૂહિક આપઘાત કેસમાં મોટો વળાંક આવ્યો છે. હવે મૃતકની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. ભલભલા હૃદયને હચમચાવી દે તેવી આ ઘટનાની વિગત એવી છે કે, શહેરમાં હાથીજણ રીંગ રોડ પર થોડા સમય પહેલા એક પરિવારના છ લોકોએ સામૂહિક આપઘાત કરી લીધો હતો. હવે આ પરિવારની એક મહિલાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.

બાળકોને પોતાનું જીવન માનતી મોટાભાઈની પત્નીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મોતને ભેટતા પહેલા મહિલાએ સ્યૂસાઈડ નોટ લખી છે. તેમાં જણાવ્યું કે, “મારું જીવન મારા બાળકો હતાં. આજે મારા સંતાનો નથી એટલે મારે જીવવાનો કોઈ મતલબ નથી.” આ અંતિમ શબ્દો જ્યોત્સનાબેન પટેલના છે. બે મહિના પહેલા તેમના પર જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી ઘટના બની હતી. જ્યોત્સનાબેનના પતિ, દીયર અને ચાર બાળકોનાં એક સાથે મૃતદેહ મળી આવ્યા હતા.

જૂન, 2020માં અમદાવાદના વટવા હાથીજણ સર્કલમાં આવેલી પ્રયોસા રેસિડન્સીમાં એક જ પરિવારના છ લોકોએ સામૂહિક આપઘાત કરી લીધો હતો. બંધ મકાનમાંથી તમામ છ લોકોનાં મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોમાં બે પુરુષ અને ચાર બાળકો સામેલ હતા. વટવા અને હાથીજણ વિસ્તારમાં રહેતા બે ભાઈઓ ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ બંને 17મી જૂનના બપોરના સમયે તેમના બાળકોને લોંગ ડ્રાઈવ પર લઈ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. જોકે, મોડી રાત સુધી ઘરે પરત ન આવતા બંનેનાં પત્નીએ આસપાસમાં શોધખોળ શરૂ કરી હતી. બંને ભાઈઓની કોઈ ભાળ ન મળતાં અંતે બીજે દિવસે રાત્રે તેઓ તેમના જૂના મકાન કે જે છ મહિના પહેલા ખાલી કર્યું હતું ત્યાં તપાસ કરવા માટે ગયા હતા.

અહીં તેમની કાર મળી આવતા જ બંને ભાઈઓ બાળકો સાથે અહીં આવ્યા હોવાની શંકા પ્રબળ બની હતી. ઘરમાં તપાસ કરતા ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે દરવાજો તોડી અંદર દાખલ થઈ અને અંદરનો નજારો જોઈને હેબતાઈ ગઈ હતી.

ફ્લેટના હોલમાં બે અલગ અલગ પંખા સાથે અમરીશભાઈ અને ગૌરાંગભાઈના મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યા હતા. જ્યારે બેડરૂમમાં તેમના બે દીકરા તથા રસોડામાં બે દીકરીઓ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો કે આર્થિક સંકળામણના કારણે બંને ભાઈઓએ પોતાના સંતાનો સાથે આપઘાત કર્યો હતો. હવે આ જ પરિવારની મહિલાએ પણ મોતને ગળે લગાડતા વધુ એક કરૂણાંતિકા સર્જાઈ છે.

You cannot copy content of this page