Only Gujarat

Gujarat

ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો તે દિવસ રાતે તથ્ય પટેલની જેગુઆર કાર હતી 142.5ની સ્પીડે

ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ કાયદાકીય સંકજો વધુ મજબૂત કરવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે. પોલીસ દ્વારા તથ્ય પટેલ વિરુદ્ધ પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. તથ્ય વિરુદ્ધ પોલીસે પુરાવાઓ એકત્ર કર્યા છે. પોલીસ આવતીકાલે ચાર્જશીટ ફાઈલ કરી શકે છે.

પોલીસે તથ્ય વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા

FSLના રિપોર્ટમાં અકસ્માત સમયે કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કારની લાઇટનો પ્રકાશ પૂરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 17 સાક્ષીઓનું નિવેદન લેવામાં આવ્યું છે. કોલ ડિટેઈલમાં તથ્ય પટેલની અકસ્માત સ્થળે હાજરી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત DNA રિપોર્ટમાં સામે આવ્યું છે કે અકસ્માત સમયે ડ્રાઇવિંગ સીટ પર તથ્ય જ હતો. પોલીસે FSLએ કરેલા રિકન્સ્ટ્રકશનનાં પુરાવા પણ ચાર્જશીટમાં મુક્યા છે. સાથે જ સિંધુભવન રોડ પર અને શીલજ પાસે તથ્યએ સર્જેલા અકસ્માતનો પણ ઉલ્લેખ કરાયો છે.

તથ્યએ અનેક વખત નિયમો તોડ્યા

પોલીસ તપાસમાં આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ અનેક ચોંકવાનારી વિગતો સામે આવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ અનેક વખત સ્પીડ લિમિટના નિયમો તોડ્યા છે. પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતાનો દિકરો તથ્ય હંમેશા કાર સ્પીડમાં જ ચલાવતો હતો. તેણે આ એક જ મહિનામાં 25 વખત સ્પીડ લિમિટના નિયમો તોડ્યા હતા છતાં એક પણ વખત ચલાન અપાયું ન હતું. આ ઉપરાંત તથ્ય પટેલે એક મહિનામાં 5 વખત રેડલાઈટ સિગ્નલ તોડ્યા હતા

જગુઆર કારના રિપોર્ટ UKથી મંગાવાયા

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ કેસમાં જગુઆર કારનો માઈક્રો રિપોર્ટ યુકેથી મંગાવાયો છે. કંપનીની યુકે સ્થિત હેડક્વાર્ટરમાંથી માહિતી મંગાવાઈ છે. કાર મોડલ, સુરક્ષાના માપદંડ, કારની મજબૂતાઈ અંગે માહિતી મંગાવવામાં આવી છે.

તથ્યને મોકલાયો જ્યુડિશિયલ કસ્ટડીમાં

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે ગઈકાલે મિરઝાપુર કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે, પોલીસે રિમાન્ડ ન માંગતાં કોર્ટે તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. જેને લઇને તથ્ય પટેલને હવે સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. તથ્ય પટેલને કેદી નંબર – 8683 નંબર ફાળવ્યો છે

કોણ છે તથ્ય પટેલ?

ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરનાર યુવક ગોતાના કુખ્યાત શખ્સ પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે. પ્રજ્ઞેશ પટેલ 2020માં રાજકોટના ગેંગરેપ કેસમાં સામેલ હતો. આરોપીના પિતાએ રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને આચર્યુ દુષ્કર્મ હતું. આરોપીના પિતા સામે 8 જેટલા ગુના નોંધાયેલા છે.

બુધવારે રાત્રે શું બની હતી ઘટના?

બુધવારે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ આ કાર ચલાવી રહ્યો હતો. સાથે જ તથ્ય સાથે કારમાં સવાર અન્ય યુવક-યુવતીઓની પણ પોલીસે અટકાયત કરી હતી.

You cannot copy content of this page