Only Gujarat

Gujarat

પાલતુ બિલાડી ખોવાઈ જતાં પરિવાર થયો ભાવુક, શોધવા આકાશ પાતાળ એક કર્યું

માણસ ખોવાઈ જાય તો એની શોધખોળ કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ અમુક કિસ્સામાં કોઈ પાલતુ પ્રાણી ખોવાઈ જાય અને તેને શોધી લાવનારને ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવે તે કુતુહલ પમાડે એવી બાબત છે. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતાં એક પરિવારની પાલતુ બિલાડી ખોવાઈ જતાં પરિવારે તેને શોધવા આકાશ પાતાળ એક કરી દીધું છે. તેમણે બિલાડીને શોધી લાવનારને 21 હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત પણ કરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતો પરિવાર કેટલાક દિવસથી પરેશાન છે. તેમના પરિવારમાં એક પાલતુ બિલાડી ખોવાઈ જતાં પરિવારનો સભ્ય ખોવાયો હોય તેટલું દુઃખ છે. તેમણે પોતાની લાડકી બીજલી નામની બિલાડીને શોધવા માટે આકાશ પાતાળ એક કરી દીધું છે. એટલું જ નહીં તેમણે અનેક જગ્યાના CCTV ફૂટેજ પણ ચેક કરાવ્યાં છે છતાં પણ બિલાડીની કોઈ ભાળ મળી નથી. તેમણે બિલાડીને શોધવા માટે દિવાલો પર પોસ્ટર પણ લગાવ્યાં છે. તેમણે બિલાડી શોધી આપનારને 21 હજારનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે.

શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતાં જીતેન્દ્ર દિવાસી અને પૂજા ગુલહારે ઘણા દિવસથી દુઃખી છે. કારણ કે તેમની ખોવાયેલી બિલાડી મળતી નથી. ગત ચોથી ઓગસ્ટના રોજ તેમની બિલાડી બિજલી ઘર પાસેથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. તેમણે રાત્રે 3 વાગ્યા સુધી દરેક ઘરમાં તપાસ કરી CCTV ફૂટેજ તપાસ્યાં પણ બિલાડીની ભાળ મળી નહોતી. ત્યારે આ પરિવારે કોઈ વ્યક્તિ કે બાળક ગુમ થયું હોય એ રીતે એક પોસ્ટ બનાવી અને લિફ્ટ પાસે મિસિંગ કેટના ફોટો સાથે પોસ્ટર ચીપકાવ્યાં હતાં. ત્યાં સુધી કે પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી પરંતુ બિલાડી હજી મળી નથી.

જીતેન્દ્ર દિવાસી સાઉથ બોપલમાં બીનોરી સ્કીમમાં રહે છે. તેમણે પાર્શિયન બ્રિડની બિલાડીની જોડી ખરીદી હતી. તે અચાનક ગાયબ થઈ જતાં હવે તેમની સાથે તેમનો આખો પરિવાર ચિંતિત છે. તેમણે કહ્યું કે બિજલીને શોધવા અનેક પ્રકારની જહેમત ઉઠાવી હતી પરંતુ તેની કોઈ જાણકારી મળી નથી. હવે તેને શોધવા અમે પોસ્ટર બનાવ્યાં છે અને જે કોઈ વ્યક્તિ તેને શોધીને આપશે તેને 21 હજારનું ઈનામ આપવામાં આવશે.

You cannot copy content of this page