Only Gujarat

Gujarat TOP STORIES

પીએમ નરેન્દ્ર મોદી સામે નરેશ કનોડિયાના પત્નીની આંખો થઈ ગઈ ભીની

ગાંધીનગર: એક અઠવાડિયામાં ગુજરાતે ત્રણ દિગ્ગજોને ગુમાવ્યા છે. જેમાં કનોડિયાબંધુ અને પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટારડમ અને પ્રખ્યાતી મેળવનારા કનોડિયાભાઇઓના પરિવારની શોકના સમયમાં વડાપ્રધાને મુલાકાત લીધી. તે સમયે મોદીએ કહ્યું કે, અદભુત જોડી. બન્ને ભાઈ અમર થઇ ગયા. આ શબ્દો સાંભળીને નરેશ કનોડિયાના પત્નીની આંખોમાંથી આંસુ સરી ગયા. પ્રધાનમંત્રીએ કેશુબાપાના પરિવારને મળી પણ સાંત્વના પાઠવી અને તેમના ભાજપ અને ગુજરાતના વિકાસમાં યોગદાનને યાદ કરી અંજલિ આપી હતી.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાત બાદ ફરી દિલ્હી પહોંચી ગયા. પણ તેમની આ મુલાકાત હંમેશા યાદગાર બની રહેશે. આ માટેનું પહેલું કારણ છે કેવડિયા સહિત રાજ્યમાં વિવિધ એક હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને બીજું કારણ છે પોતાના નેતાઓ માટેનું માન-સન્માન. પ્રધાન મંત્રી મોદીએ ગુજરાત પહોંચીને મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાના પરિવારની મુલાકાત લીધી.

બંન્ને ભાઇઓનું તાજેતરમાં સાવ ગણતરીના દિવસોના અંતરે મૃત્યુ થયું છે ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટારડમ અને પ્રખ્યાતી મેળવનારા કનોડિયા ભાઇઓના પરિવારની શોકના સમયમાં પીએમ મોદીએ મુલાકાત લીધી હતી. તેમણે શ્રદ્ધાંજલિ આપી અને ઘરનાં સભ્યો સાથે વાતચીત કરી હતી. નરેશ કનોડિયાના પત્ની તેમજ દીકરા અને એક્ટર હિતુ કનોડિયા તેમનાં પત્ની અને દીકરા સાથે પીએમ મોદી સાથેની આ મુલાકાતમાં હાજર હતા.

શુક્રવારે મોદીએ તેમના ઘરે જઇ પરિવારને ધીરજ બંધાવી હતી. ગાયક અને સંસદ મહેશ કનોડિયા 25મી ઑક્ટોબરે પોતાના ગાંધીનગરના ઘરે જ લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગુજરી ગયા અને તેમના ભાઇ તથા ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર નરેશ કનોડિયા એ પછીના મંગળવારે ગુજરી ગયા. આ ટેલેન્ટેડ જોડીની વિદાય પર ખેદ વ્યક્ત કરતા મોદીએ કહ્યું કે, “બે દિવસના ગાળામાં જ આપણે મહેશભાઇ અને નરેશભાઇને ગુમાવ્યા. તેમણે પોતાની ટેલેન્ટથી ગુજરાતી કલ્ચરને જે આપ્યું છે ખાસ કરીને સંગીત અને નાટકો તથા ફિલ્મોના વિશ્વમાં તે ક્યારેય નહીં ભૂલી શકાય. તેમના કારણે ગુજરાતી ગીતોને આટલી પૉપ્યુલારિટી મળી છે. તેમણે સમાજ માટે અને વંચિતો માટે ખૂબ કામ કર્યું છે.”

ગુજરાતી અભિનેતા અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, અમને સાંત્વના અને હિંમત આપવા આવ્યા ત્યારે તેમણે એક વાક્ય કહ્યું કે અદભુત જોડી અને બન્ને ભાઈ અમર થઇ ગયા. મોદીસાહેબે કહ્યું હતું કે બન્ને ભાઈનો અપાર પ્રેમ, અદભુત પ્રેમ ખૂબ પ્રેરણાદાયી છે. લોકોએ તેમાંથી શીખ લેવી જોઇએ તેવાં આ બન્ને વ્યક્તિત્વ છે. આ વાક્યો સાંભળીને નરેશ કનોડિયાના પત્ની ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

આ પહેલાં જ નરેન્દ્ર મોદીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. કેશુબાપાનાં દીકરી સોનલબેન પટેલે જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી મોદી અમારા ઘરે આવ્યા હતા. પરિવારના વડીલની જેમ અમારી સાથે બેઠા હતા. બાપાની અંતિમ ક્ષણ અંગે પૂછ્યું હતું. માંદગી દરમિયાન પણ મોદી સતત ખબર પૂછતા રહેતા હતા.

તેમને ખબર હતી કે કોવિડ બીમારીમાંથી બાપા બહાર આવી ગયા હતા, પરંતુ ગઇકાલે એવું શું થયું એ અંગે પૂછ્યું હતું અને વાતચીત કરી હતી. મહત્વનું છે કે હાલમાં નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની સફર પર આવ્યા હતા અને કોરોના વાઇરસને કારણે થયેલા લૉકડાઉન પછી તેમની આ ગુજરાતની પહેલી મુલાકાત હતી.

You cannot copy content of this page