Only Gujarat

Gujarat

સુરેન્દ્રનગરના ત્રણ મિત્રોની છેલ્લી તસવીર, પળવારમાં અનેક પરિવાર પિંખાયા, શોકનો માહોલ

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ત્રણ યુવા નેતાઓ કેદારનાથના દર્શનાર્થે ગયા હતા. જ્યાંથી દહેરાદૂન પરત ફરતી વખતે જોશીમઠ પાસે તેમની કાર પુલ પરથી પસાર થતી હતી ત્યારે વળાંકમાં કિચડમાં કાર ફસાતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગમાવી દીધો હતો. પરિણામે કાર અલકનંદાની ઉંડી ખાઇમાં ખાબકતા તણાઇ હતી. આ ગંભીર અકસ્માતમાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે લીંબડી તાલુકા યુવા ભાજપ પ્રમુખ અને કાર ચાલક લાપતા છે. જો કે સદનસીબે જિલ્લા ભાજપ મહામંત્રીનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના આ બનાવને પગલે જિલ્લા ભાજપમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.

સર્પાકાર રસ્તા, ઊંડી ખાઇ અને નીચે ખીણમાં વહેતા નદીના ધસમસતા પાણીના કારણે કેદારનાથની યાત્રા ખૂબ જ જોખમી ગણાય છે. આવી જ યાત્રા સુરેનદ્રનગરના ભાજપના યુવા નેતાઓ માટે મોતની યાત્રા બની ગઇ. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ મૃગેશભાઇ રાઠોડ અને લીંબડી યુવા ભાજપ પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલા આ ત્રણેય મિત્રો હરિદ્વાર, બદ્રીનાથ અને કેદારનાથના દર્શન માટે ગત 5 નવેમ્બરના રોજ વિમાન માર્ગે રવાના થયા હતા. દેહરાદુનથી હેલિકોપ્ટરમાં બેસીને કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરીને તેઓ ઇનોવા કારમાં બેસીને પરત ફરી રહ્યા હતા.

તે સમયે જોશીમઠ અને ગોવિંદઘાટ વચ્ચે બલદોડા પાસે કિચડના કારણે કાર ફસાઇ ગઇ હતી. કારને બહાર કાઢવા જતાં કારના ચાલકે કાબૂ ગુમાવી દીધો હતો. પરિણામે કાર અલકનંદાની અંદાજે 300 ફુટ ઉંડી ખીણ (ખાઈ)માં ખાબકતા ભાજપના એક યુવા આગેવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પ્રત્યક્ષદર્શીનું માનીએ તો કારમાં મૃગેશભાઇ ડ્રાઇવરની બાજુમાં બેઠા હતા.

અચાનક કાર પુલ પરથી ઉંડી ખાઇમાં ખાબકી ત્યારે દરવાજો ખુલી જતા બહાર આગળ બેઠેલા મૃગેશભાઇ રાઠોડ ફંગોળાઇ ગયા હતા. નીચે પટકાતાની સાથે પહાડના પથ્થર સાથે તેમનું માથું અથડાતા ગંભીર ઇજાના કારણે તેમણે ત્યાં જ દમ તોડી દીધો હતો. પુલ પરથી કાર અલકનંદા નદીમાં ખાબકી ત્યારે ક્રિપાલસિંહ આગળ સીટબેલ્ટ બાંધી બેઠા હતાં. લોકલ ડ્રાઇવર ધર્મપાલ સાથે તેઓ પાણીના ધસમસતા પ્રવાહથી તણાઇને દૂર જતા રહેતા તેમને શોધવા માટે 200થી વધુ લોકોની ટીમને કામે લાગી હતી. પરંતુ તેમનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો.

હિતેન્દ્રસિંહ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ત્રણેય લીંબડી, વઢવાણ અને ચોટીલાના રહીશો છે. બનાવની જાણ થતાની સાથે જિલ્લા ઉપરાંત ગાંધીનગર પ્રદેશ કાર્યાલય સુધી પડઘા પડયા હતા. મુખ્યમંત્રી કાર્યાલયથી ઉતરાખંડ સરકારનો સંપર્ક કરીને જરૂરી સૂચના આપવામાં આવતા જિલ્લામાંથી ટીમો રવાના થઇ હતી. લાપતા લોકોને શોધવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે.

આ દુઃખદ બનાવને પગલે ભાજપના મહામંત્રી જગદીશભાઈ મકવાણા, શંકરલાલ દલવાડી, જીતુભાઈ હોટલવાળા તેમજ રણજીતસિંહ ચૌહાણ સહિતની ટીમ તાત્કાલિક પ્લેન મારફતે દહેરાદુન જવા રવાના કરવામાં આવી હતી. પ્લેન અથવા કાર મારફતે સુરેન્દ્રનગર મૃતકના મૃતદેહને તેમજ ઇજાગ્રસ્તને વતનમાં લાવવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે લીંબડી વિધાનસભાની પેટા ચુંટણીના મતદાન પૂર્ણ થયાં બાદ ભાજપના ત્રણેય હોદ્દેદારો કેદારનાથ અને બદ્રીનાથ ખાતે દર્શનાર્થે ગયા હતા. બદ્રિનાથમાં દર્શન કર્યા પછી ત્રણેય મિત્રોએ સાથે ફોટો પડાવ્યો ત્યારે ક્યાં ખબર હતી કે આ છેલ્લો ફોટો છે.

You cannot copy content of this page