Only Gujarat

Gujarat

કોરોના વોરિયર નર્સે અનેક દર્દીઓની કરી હતી સેવા, પાંચ પાનાંની સ્યુસાઈડ નોટમાં થયો ઘટસ્ફોટ

વિજલપોરમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતી નર્સે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ફરજ દરમિયાન સિનિયર તરફથી નર્સને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાના આરોપ છે. આ ત્રાસ સહન નહીં થતા નર્સે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું છે. સ્યુસાઈડ નોટમાં મેટર્ન અને સિવિલ સર્જન પર ગંભીર આરોપ પણ મૂક્યા છે. આ મામલે પરિવારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, વિજલપોરમાં આવેલી જલારામ સોસાયટીમાં રહેતી 28 વર્ષીય મેઘા રાજેન્દ્રભાઈ આચાર્યાએ પોતાના ઘરે જ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. મેઘા નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી રહી હતી. તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના સ્થળેથી પાંચ પાનાંની સ્યુસાઈડ નોટ પોલીસે જપ્ત કરી છે.

પરિવારના સભ્યોએ દીકરીના આપઘાત પાછળ સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન ત્રાસ અપાતો હોવાના આરોપ લગાવ્યો છે. સિવિલના ઉચ્ચ અધિકારીઓ તરફથી મેઘાને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું કહેવાય છે. સ્યુસાઈડ નોટમાં મેટર્ન તારાબેન અને સિવિલ સર્જન દુબેના નામ હોવાનો પરિવારે ઘટસ્ફોટ કર્યો છે.

સાથે જ દીકરીને આપઘાત કરવા મજબૂર કરનારા સામે કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાનો પરિવારે નિર્ણય કર્યો છે. હાલ મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ માટે રાખવામાં આવ્યો છે. પોલીસ તપાસ પછી આપઘાતનું કારણ સામે આવી શકે છે. જોકે આ મામલે પોલીસે કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી પણ આ મામલે તપાસ કરી રહી છે.

મહત્વનું છે કે કે નવસારી સિવિલ હૉસ્પિટલ અવારનવાર વિવાદમાં રહેતી આવી છે. આ કેસમાં જો પોલીસ તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો પ્રકારના બનાવોને અટકાવી શકાય છે. હવે જોવું રહ્યું કે પોલીસ મૃતક નર્સને ન્યાય અપાવી શકે છે કે કેમ. કારણ કે નર્સે આત્મહત્યા કરવા સુધીનું પગલું ભર્યું છે તે ખૂબ ચિંતાની વાત છે.

આ નર્સ કોરોના વોરિયર હતી અને કોરોનાના દર્દીઓની સેવામાં ફરજ પર હતી. પરંતુ સિવિલના સત્તાધીશોના ગંદા રાજકારણે તેનો ભોગ લીધો. આશાસ્પદ નર્સના મોતથી સિવિલમાં પણ સોપો પડી ગયો છે.

એક તરફ મહિલાઓને પુરુષ સમોવડી માનવામાં આવે છે, પરંતુ તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાની ઘટનાઓ વધી રહી છે.

You cannot copy content of this page