Only Gujarat

Gujarat

રોડ પર ઈજાગ્રસ્ત યુવાનની મદદે ન આવ્યું કોઈ, ત્યારે ગુજરાતના કલેક્ટરે માનવતાભર્યું કામ કર્યું

માનવતા અને મદદ એકબીજા સાથે સંકળાયેલા છે અને આ બંનેનો સમન્વય જોવા મળ્યો પંચમહાલના કલેક્ટર અમિત અરોરામાં. જેમણે એક યુવકનો જીવ બચાવ્યો કે જે ભોગ બન્યો હતો અકસ્માતનો. અજાણ્યા વાહને ટક્કર મારતા યુવાન લોહીલુહાણ હાલતમાં રોડ પર કણસતો હતો. તે સમયે પંચમહાલના કલેક્ટરની કાર ત્યાંથી પસાર થઇ. તેમણે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સરકારી ગાડીમાં પહોંચાડી દીધો. સમયસર સારવાર મળવાથી યુવકનો જીવ બચી ગયો. કલેક્ટરની માનવતાની ચારેકોર પ્રશંસા થઇ રહી છે.

આ અંગેની વિગત એવી છે કે, ગોધરા તાલુકાના પરવડી ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે ઇજાગ્રસ્ત 22 વર્ષીય પરપ્રાંતિય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા બેભાન અવસ્થામાં રસ્તા વચ્ચે પડ્યો હતો. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક સવાર છોટુલાલને માથાંના ભાગે અને હાથે ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત થતાં લોકોના ટોળાં ઉમટી પડયા પણ ઇજાગ્રસ્તની મદદે કોઇ આવ્યું ન હતું. તે સમયે પંચમહાલના કલેકટર અમિત અરોરા જલારામ સ્કૂલમાં યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાંથી પોતાની કાર લઇને કલેકટર કચેરી તરફ આવી રહ્યા હતા.

કલેક્ટર અમિત અરોરાની નજર અકસ્માતનો ભોગ બનેલા યુવક ઉપર પડતાની સાથે જ પોતાની ગાડી ઉભી રખાવી હતી. કોઇ પણ એમ્બ્યુલન્સ કે બીજા વાહનની રાહ જોયા વગર જ પોતાની ગાડીમાં લોહીલુહાણ યુવકને બેસાડ્યો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી પોતાની કારમાં જ કલેક્ટરે ગોધરા સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. ખુદ કલેક્ટર પણ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે હાજર તબીબોને બોલાવીને આ યુવકની સત્વરે સારવાર થાય અને યુવકનો જીવ બચી જાય તેવા પ્રયાસો કરવા સૂચના આપી હતી. ગોધરા સિવિલ હોસ્પિટલના સર્જન ડો. સાગરે જણાવ્યું હતું કે, પંચમહાલના કલેક્ટરની ગાડીમાં એક યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જેની હાલત ખૂબ જ ગંભીર હતી. તેને માથાના ભાગે ઇજા થઇ હોવાથી સિટી સ્કેન કરાવવામાં આવ્યું હતું અને જે પ્રમાણે તેની સ્થિતિ છે તેને અનુરુપ સઘન સારવાર આપવામાં આવી રહી છે.

આ પહેલો બનાવ નથી કે જ્યારે કલેક્ટર અરોરાએ માનવતાનું ઉદાહરણ પુરું પાડ્યું હોય. પાંચ મહિના પહેલા કલેક્ટર અમિત અરોરાએ અને જિલ્લા વિકાસ અધિકારી એ.જે. શાહ ગોધરાથી હાલોલ જઈ રહ્યા હતા. તે દરમિયાન કાલોલના બેઢિયા ટોલ પ્લાઝા પાસે બાઈક સવાર યુવાન અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ હતો. અકસ્માતના પગલે લોકો જમા થઇ ગયા હતા. સ્થિતિને જોયા બાદ કલેક્ટરે પોતાનું વાહન ઉભું રખાવીને તપાસ કરી કરી હતી. તપાસમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાથી બેભાન અવસ્થામાં જોઇને કલેક્ટરે પોતાનો પ્રવાસ પડતો મૂક્યો હતો. ત્યારબાદ સરકારી વાહનમાં જ ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ગોધરા સિવિલ હોસ્પિટલમાં યુવાનને તાત્કાલિક સારવાર મળતા યુવાનનો બચ્યો જીવ બચી ગયો હતો.

You cannot copy content of this page