Only Gujarat

Gujarat

પથ્થર એટલા દેવની પૂજા કર્યા પછી પુત્ર જન્મ્યો, કારની ઠોકરથી ઘડીકમાં છિનવાઈ ગયો

ગાંધીનગરના સરિતા ઉદ્યાનથી ઇન્દ્રોડા રોડ પર પૂરપાટ ઝડપે આવતી ગાડીની ટક્કરથી એક્ટિવાસવાર પિતા-પુત્રને શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ અકસ્માતમાં ચાર વર્ષીય પુત્રનું સ્થળ પર તેમજ પિતાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં જ કરુણ મોત નીપજ્યું હતું. જેથી બનાવના પગલે પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રણ દીકરી પછી પુત્રનો જન્મ થયો હતો ​​​​​
ગાંધીનગરના સેક્ટર-8 ખાતે કાચા છાપરામાં રહેતા હરેશભાઈ કાંતિભાઈ મકવાણા સફાઈ કામદાર તરીકે છૂટક મજૂરી કામ કરતાં હતાં. જેમના પરિવારમાં પત્ની નંદુબેન તેમજ ત્રણ દીકરી અને 14 વર્ષીય પુત્ર પૃથ્વીરાજ હતો. પરિવારમાં ત્રણ દીકરીઓ પછી પથ્થર એટલા દેવની પૂજા કર્યા પછી પુત્ર પૃથ્વીરાજનો જન્મ થયો હતો. હરેશભાઈની બે દિકરીઓનાં લગ્ન થઈ ચૂક્યાં છે. ગઈકાલે સોમવારે સવારે હરેશભાઈ તેમના પુત્રને લઈને એક્ટિવા પર ઇન્દ્રોડા શાકભાજી લેવા માટે નીકળ્યા હતા.

ગાડીએ એક્ટિવાને ટક્કર મારી
આ દરમિયાન સરિતા ઉદ્યાન રોડ પર ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી એક્ટિવાને ટક્કર મારી હતી. જેનાં કારણે પિતા પુત્ર એક્ટિવા પરથી ઉછળીને જમીન પર પટકાયા હતા. આ અકસ્માતમાં પૃથ્વીરાજને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

પરિવારજ પર આભ તૂટી પડ્યું
આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠાં થઈ ગયા હતા. બાદમાં હરેશભાઈને પણ ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જો કે અમદાવાદ સિવિલ હોસ્પિટલે પહોંચતા પહેલાં જ હરેશભાઈનું પણ રસ્તામાં કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે ગણતરીના કલાકોમાં જ પિતા-પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

આ અંગે મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, શાકભાજી લેવા જતી વખતે ગાડીના ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં પિતા પુત્રનું મોત થયું હતું. ત્રણ દીકરીઓ પછી ઘણી માનતાઓ બાદ પૃથ્વીરાજનો જન્મ થયો હતો. મૃતકના પરિવારજનોએ આ અકસ્માત અંગે ગાડી નં. GJ 18 BM 4082ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.

You cannot copy content of this page