Only Gujarat

Gujarat

આણંદના આ અલ્પાબેનને ઘણી ખમ્મા, 27 બાળકોને પોતાને ખર્ચે ભણાવ્યા, 2.35 લાખ વૃક્ષો પણ વાવ્યા

સામાન્ય રીતે મૃતદેહને અગ્નિદાહ આપવાનું કામ પુરુષો કરતા હોય છે. પરંતુ આણંદના ભાદરણના મૂળ વતની એવા અલ્પાબેન પટેલ છેલ્લા ઘણા વર્ષોથી સમાજ સેવા ક્ષેત્રે કંઈક હટકે કામ કરી રહ્યા છે. તેઓ છેલ્લા સાત વર્ષથી બિનવારસી મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવાનું કાર્ય કરે છે. અત્યાર સુધીમાં તેમણે 311 મૃતદેહઓના અગ્નિ સંસ્કાર કર્યા છે. પુરા સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવાની સાથે અસ્થિ વિસર્જન પણ સન્માન સાથે કરે છે. તેમની કામગીરીને કહેવું પડે કે ઘણી ખમ્મા બહેન.

ચરોતરની આ દીકરીનું એક-એક કામ તમને સલામ કરવાનું મન થાય તેવું છે. જિલ્લામાં રસ્તે રઝડતા ભિક્ષુકોને શોધીને તેમને સ્નાન કરાવીને જમાડવા સહિતની વ્યવસ્થા તેઓ કરતા આવ્યા છે. તે દરમિયાન કેટલાક બિનવારસી લોકોનાં મૃત્યુ થતાં તેમના મૃતદેહ રસ્તે રઝડતા તેમની નજરમાં આવ્યા હતા. આવા કમનસીબ લોકોની અંતિમવિધિ અનેક દિવસો સુધી થતી ન હતી. જેથી અલ્પાબેને 2014માં બિનવારસી મૃતદેહના અંતિમસંસ્કાર કરવાનું નક્કી કર્યું.

શરૂઆતમાં ઘણી અડચણો આવતી હતી. પણ તેઓ હિંમત ન હાર્યા. કોઇ મૃતદેહ રઝળી રહ્યો હોવાની જાણ થતાં તેઓ પોતાની ટીમ સાથે પહોંચી જતા અને મૃતદેહને જે-તે ગામના સ્માશાન ગૃહમાં લઇ જઇને જાતે અગ્નિદાહ આપતાં હતાં. અત્યાર સુધીમાં તેમણે 311 મૃતદેહોના અગ્નિસંસ્કાર કર્યા છે.

આણંદ જિલ્લામાં મળી આવતી અજાણી કે બિનવારસી વ્યક્તિઓની લાશને પોલીસ કાર્યવાહી બાદ અલ્પાબેન સ્વીકારીને પૂરી વિધિ અને સન્માન સાથે અંતિમ વિધિ કરે છે. એટલું જ નહીં, અસ્થિ વિસર્જન પણ ધાર્મિક વિધિ સાથે કરે છે. આ તમામ કાર્યમાં અલ્પાબેન પટેલને દાતાઓ અને સેવાભાવી સંસ્થાઓનો પણ સહયોગ મળી રહ્યો છે. પોલીસે કે રેલવે પોલીસને મળેલા બિનવારસી મૃતદેહ પણ તેઓ સ્વીકારીને સન્માન સાથે અંતિમસંસ્કાર કરી રહ્યા છે. જેથી પોલીસ પ્રશાસને પણ મોટી રાહત મળી છે.

જો વાત કરીએ તેમના અન્ય સેવાકીય કાર્યોની તો ગામના લોકોનું જ્ઞાન વધે તે માટે તેમણે પુસ્તકાલય શરૂ કર્યું છે. રસ્તે ભટકતી નિરાધાર મહિલાઓ, વૃદ્ધો સહિત 150 લોકોને આશ્રય આપીને તેમની દેખરેખ રાખે છે. માનવસેવાને સાચી સેવાના સૂત્રને સાર્થક કરવા માટે અલ્પાબેને રાત-દિવસ પસીનો વહાવી રહ્યા છે. અત્યારસુધીમાં આણંદ જિલ્લામાં 2.35 લાખ જેટલાં વૃક્ષો તેમના દ્વારા રોપવામાં આવ્યાં છે. આર્થિક પછાત વર્ગના 27થી વધુ બાળકોને તેઓ પોતાના ખર્ચે ભણાવે છે. ટૂંકમાં કહીએ તો રસ્તા પર રઝળતી વ્યક્તિઓ, ત્યકતા, વિધવા મહિલાઓ, અસ્થિર મગજના લોકો એમ તમામ નિરાધારનો એકમાત્ર સહારો અલ્પાબેન પટેલ છે. આવી નારી શક્તિને ખરેખર વંદના કરવાનું મન થાય.

You cannot copy content of this page