Only Gujarat

Gujarat

રાજકોટના મેળામાં યુવતિઓએ મોતના કુવામાં બાઈક અને કાર પર દિલધડક સ્ટંટ, લોકોના જીવ થયા અધ્ધર

girls bike and car stunts in Rajkot fair: મોતનો કુવો નામ સાંભળીને જ આપણને ખ્યાલ આવી જાય છે કે, અહીં જિંદગી દાવ પર મૂકી કરતબબાજો અવનવા ખેલ કરી રહ્યા છે. જેમાં સ્ટંટબાજો જીવનના જોખમે દર્શકોના જીવ અધ્ધર કરી દેતા કરતબો કરે છે. જોકે, વર્ષોથી પ્રચલિત અને માત્ર મેળામાં જ જોવા મળતો મોતના કુવો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અવનવા સ્ટંટ કરી તાલીઓથી બિરદાવવામાં આવતા કરતબબાજોની છાતી ગદગદી ઉઠે છે અને તેમની હિંમત વધુ મજબૂત બને છે.

10 યુવતિ સહિત કરતબબાજોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા
આજથી 40 વર્ષ પહેલા ઉત્તરપ્રદેશમાં ખાડો ખોદી તેની આસપાસ પાટીયા ઊભા કરી સાઈકલ પર સ્ટંટ થતા હતા. જે બાદ ધીમે ધીમે આ મોતનો કુવો યુપી ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં શરૂ થયો. તે પછી મેળામાં મોતનો કુવો શરૂ કરતા લોકોને તે ખૂબ જ પંસદ આવવા લાગ્યો. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આ વર્ષે પણ મેળામાં મોતનો કુવો જોવા મળી રહ્યો છે. ત્યારે તેમાં 10 યુવતિ સહિત 40 કરતબબાજો ખુલ્લા હાથે કરા અને બાઈક ચલાવી લોકોને કરતબ બતાવી રહ્યા છે.

રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા રસરંગ લોકમેળામાં પ્રેવશ કરતાની સાથે જ સામે દેખાતા મોતના કુવામાં બાઈક સ્ટન્ટ કરતી રાહી નામની યુવતીએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 12 વર્ષથી સ્ટંટ કરવાનું કામ કરું છું. શરૂઆતમાં આ કામ કરવામાં ડર લાગતો હતો. હું જ્યારે નવી આવી હતી ત્યારે પ્રેક્ટિસ કરવાની જરૂર પડતી હતી. પરંતુ હવે પ્રેક્ટિસની પણ જરૂર પડતી નથી. આ સ્ટંટ કરવાની મજા આવે છે. મોતના કુવામાં દિવસ દરમિયાન લગભગ 25થી 30 શોમાં સ્ટંટ કરું છું.

પહેલી વખત ડર જરૂર લાગ્યો હતો
તો પાયલ નામની અન્ય એક સ્ટંટબાજ યુવતિએ આ અંગે જણાવ્યું હતું કે, હું દિલ્હીથી આવું છું. છેલ્લા 12-15 વર્ષથી મોતના કુવામાં બાઈક અને કાર પર સ્ટંટ કરી લોકોના મનોરંજનના ભાગ રૂપે અલગ અલગ કરતબ બતાવું છું. આ અમારી રોજી રોટી છે. પહેલી વખત ડર જરૂર લાગ્યો હતો. પરંતુ હવે કોઈપણ પ્રકારનો ડર નથી લાગતો. અમે આખું વર્ષ બહાર રહેતા હોવાથી હવે એક પરિવારની માફક રહીએ છીએ. અત્યાર સુધી તો કોઈ દુર્ઘટના બની નથી. પરંતુ અમે તેના માટે હંમેશા તૈયાર રહીએ છીએ.

બે બાઈક અને બે મારુતિ કાર પર સ્ટંટ
ઉલ્લેખનીય છે કે, મેળામાં કોઈપણ વ્યક્તિ આવે એ મોતનો કુવો જોઈને ખુશ થઈ જાય છે. મોતના કુવામાં આ કરતબબાજો છુટ્ટા હાથે બાઈક તેમજ કાર ચલાવી લોકોનું મનોરંજન પુરું પાડે છે. આ કરતબબાજો જાણે મોતને મુઠ્ઠીમાં રાખી બીજા લોકોને આનંદ આપતા હોય તેવું લાગે છે. એટલું જ નહીં મોતના કુવામાં એકસાથે બે બાઈક અને બે મારુતિ કાર પણ ચલાવવામાં આવતી હોય છે. તેમાં પણ ચારેય વાહનોના ચાલકો છૂટ્ટા હાથે વાહન ચલાવે છે. માત્ર પુરુષો જ નહીં પરંતુ યુવતીઓ પણ બાઈક પર બેસી સ્ટંટ કરી રહી છે.

You cannot copy content of this page