Only Gujarat

Gujarat

ગાંધીનગર નજીક હૃદયદ્રાવક બનાવ, કાર તળાવમાં ખાબકી, લોકોની નજર સામે જ દંપતીનું ધ્રુજાવી દેતું મોત

અમદાવાદ: ગાંધીનગર નજીક એક હચમચાવી મૂકતો હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. ગાંધીનગર નજીક અંબાપુર ગામ પાસે મર્સિડિઝ કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર તળાવમાં ખાબકી હતી. કારમાં અંદર બેઠેલા પતિ-પત્નીએ બચવા માટે પાણીમાં ડૂબી રહેલી કાર ઉપર ચડી ગયા હતા. જોકે થોડીવાર મોત સામે ઝઝૂમ્યા બાદ કાર પાણીમાં ગરકાવ થઈ હતી. પતિની લાશ મળી આવી છે, જ્યારે પત્નીના મૃતહેદની શોધખોળ ચાલી રહી છે. ઘટના સ્થળે હાજર કોઈકે આ વીડિયો ઉતારી લીધો હતો, જે હાલ વાઈરલ થઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના શાહીબાગ સ્થિત જીવરાજનગરમાં રહેતા આનંદ મોદી પોતાની પત્ની ફેની મોદી સાથે મર્સિડિઝ કારમાં અમદાવાદ આવી રહ્યા હતા દરમિયાન ગાંધીનગર નજીક અડાલજ-કોબા હાઇવે પર અંબાપુર પાસે આનંદ મોદીએ કારના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર તળાવમાં ખાબકી હતી.

ડૂબતી કારમાંથી બચવા માટે પતિ-પત્ની મર્સિડિઝ કારનું રૂફ ટોપ ખોલીને બહાર આવી ગયા હતા અને કારની ટોચે બેસી ગયા હતા. જોકે હજી તો માંડ થોડી ક્ષણો વીતી હશે કે કાર સીધી થઈને પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. દંપતીએ બચવા માટે પાણીમાં ખૂબ હવાતિયા માર્યા હતા. જોકે કમનસીબે તેમના જીવ બચી શક્યા નોહતા.

ઘટના બાદ આસપાસના રહીશો બનાવ સ્થળે ઉમટી પડ્યા હતા. કોઈક હાજર વ્યક્તિએ આ આખા ઘટનાક્રમને વીડિયોમાં ઉતારી લીધો હતો. જે બાદમાં વાઈરલ થયો છે.

બનાવ અંગે જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. ફાયરબ્રિગેડની ટીમને પતિનો મૃતદેહ મળ્યો છે, જ્યારે પત્નીના મૃતદેહની હજી શોધખોળ ચાલુ છે.

વઘુ વિગત મુજબ MH-04-EQ-2400 નંબરની મર્સિડિઝ લઈને ચાલક પાલનપુરથી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.

You cannot copy content of this page