Only Gujarat

Gujarat

સતત 10 કલાક વાંચી અમદાવાદી ગર્લે UPSC એક્ઝામ ક્લિયર કરી

UPSC સિવિલ સર્વિસીઝ મેઈન પરીક્ષા 2020નું પરિણામ જાહેર થઈ ગયુ છે. દેશભરમાંથી કુલ 761 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. બિહારના શુભમ કુમાર પ્રથમ, જાગૃતિ અવસ્થિ બીજા અને અંકિત જૈને ત્રીજો ક્રમાંક હાંસિલ કર્યો છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓએ પણ સફળતા (success) મેળવી છે. સુરતમાં રહેતા કાર્તિક જીવાણીએ ઓલ ઇન્ડિયા મેરિટમાં 8મું, અને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. દેશભરમાંથી ક્વોલિફાય થયેલા 761 ઉમેદવારોમાંથી ગુજરાતના 13 ઉમેદવારોએ બાજી મારી છે.

UPSC માં ટોપ (UPSC topper) કરનારા 25 ઉમેદવારોમાં 13 પુરુષ અને 12 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે કે ગુજરાતની વાત કરીએ તો, સુરતના કાર્તિક જીવાણી 8માં સ્થાન બાદ વલય વૈદ્ય 116 મું સ્થાન, નીરજા શાહ 213માં ક્રમાંકે, અંકિત રાજપૂત 260માં ક્રમાંકે તો અતુલ ત્યાગીએ 291 મો ક્રમાંક હાંસિલ કર્યો છે. તો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ટોપર કાર્તિક જીવાણીને અભિનંદન આપ્યા છે. તેમણે એક ટ્વીટમાં કહ્યુ કે, પુરુષાર્થ અને મહેનતનું છે આ પરિણામ.

સુરતના આ રત્નએ ચમકાવ્યું સમગ્ર ગરવી ગુજરાતનું નામ. પોતાની અથાગ મહેનતથી સુરતના કાર્તિક જીવાણીએ #UPSC ની પરીક્ષામાં સમગ્ર ભારતમાં 8માં ક્રમે આવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પ્રથમ વખત કોઈ ગુજરાતી ટોપ 10 (upsc results) માં આવેલ છે. આપની આ સિદ્ધિ બદલ અભિનંદન.

તો ગુજરાતમાં 9માં અને ઓલ ઇન્ડિયામાં 404 ક્રમાંકે આવેલા આયુષી સુતરિયાએ વાતચીતમાં કહ્યું કે, ‘મેં ધીરુભાઈ અંબાણીમાંથી 2017માં બી.ટેક (ICT) પાસ કર્યું હતું. તેના બાદ 4 વર્ષથી સતત UPSC ની તૈયારી કરી રહી હતી. મેં GPSC ની પરીક્ષા પણ આપી છે, પ્રિલીમ પાસ કરીને મેઇન્સ આપી હતી અને તેના પરિણામની રાહ જોઈ રહી હતી. પરંતુ UPSC પાસ થતા જ પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.’

આયુષીના પિતા પંકજ સુતરિયા એનેસ્થેટીસ્ટ છે અને માતા લીના સુતરિયા MBBS થયા છે અને મેડિકલ ઓફિસર તરીકે AMC માં ફરજ નિભાવે છે. સુતરિયા પરિવારની બે દીકરીઓમાંથી મોટી એવી આયુષીનું સ્વપ્ન પહેલાથી જ UPSC પાસ કરીને IFS માં જોડાવવાની હતું. આયુષી UPSC ક્લિયર કરવા માટે સતત 10 કલાક જેટલું વાંચન કરતી હતી. કોરોનાકાળ દરમિયાન કોરોના પણ થયો, કોરોનાને હરાવી UPSC પરીક્ષા પાસ કરી.

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનામાં સિવિલ સર્વિસીઝ (civil services) એક્ઝામની લેખિત કસોટી યોજાઈ હતી. ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં પર્સનાલિટી ટેસ્ટનું આયોજન કરાયું હતું. ક્વોલિફાય થયેલા 761 ઉમેદવારો સિવાય 151 ઉમેદવારોને પ્રોવિઝનલ લિસ્ટમાં મૂકવામાં આવ્યા હતા.

You cannot copy content of this page