Only Gujarat

Gujarat

ગુજરાતની દીકરીના સંઘર્ષ સામે બે હાથ જોડીને થઈ જશો નતમસ્તક, જુઓ વિચારતા કરી મૂકતી તસવીરો

આજે તમને એવી દીકરી વિશે જણાવવા જઈ રહ્યા છે કે જે સમાજને પ્રેરાણ પાડે તેવી વિશિષ્ટ છે. તે દેહથી વિકલાંગ છે પણ મનથી મક્કમ છે. વાત છે રાજકોટના જેતપુરના વંદનાબેન કંટારિયાની. જેઓ 80 ટકા દિવ્યાંગ છે. નાનપણમાં જ તેમણે પિતાની છત્રછાયા ગુમાવી. જન્મજાત શારીરિક તકલીફો વચ્ચે પણ દ્રઢ મનોબળ સાથે જીવતા વંદનાબેન કંટારિયા આજે પરિવારનું ગુજરાન ચાલાવે છે. હાથનું સંતુલન ન હોવા છતાં પગની મદદથી તેઓ ફોટો કોપી (ઝેરોક્ષ- એ મશીનની કંપનીનું નામ છે સાચા અર્થમાં તેને ફોટો કોપી કહેવાય) કાઢવાનું કામ કરીને અડગ મનોબળ શું કરી શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ બન્યા છે.

વાત એમ છે કે 17 ફેબ્રુઆરી 1978ના રોજ જન્મેલા વંદનાબેન મણિલાલ કંટારિયા જન્મજાત સેરિબ્રલ પાલ્સીની બીમારીથી પીડાય છે. આ રોગમાં મગજ અને હાથ કામ કરી શકતા નથી. શરીરનું સંતુલન જળવાતું નથી. બોલવાથી ગરદન, હડપચી તેમજ મોઢાની નસો ખેંચાવાની તકલીફ થાય છે. જન્મના ગણતરીના દિવસોમાં વંદનાબેનને કમળાની અસરથી હાથ-પગ ખોટા થઈ ગયા હતા. શિક્ષિકા માતા પુષ્પાબેન અને પિતા મણિલાલ કંટારિયાએ વંદનાનો ઉછેર પેટે પાટા બાંધીને કર્યો.

વંદનાની શારીરિક તકલીફ દૂર કરવા માતા પિતાએ પાણીની જેમ પૈસા ખર્ચી નાખ્યા. પરંતુ બીમારી દૂર ન થઇ. વંદનાબેને નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પણ વંદના કુદરતની કસોટી સામે હાર માનવા તૈયાર નહોતી. આજે તે પગથી મોબાઇલ, લેપટોપ અને ફોટોકોપી (ઝેરોક્ષ)નું મશીન ચલાવી મહિને સારું કમાય છે અને પોતાની માતા પુષ્પાબેને જે દુઃખ સહન કર્યું હતું તેને ઓછો કરવાની સાથે પરિવાર માટે દીકરાની ગરજ પુરી પાડી રહી છે.

વંદનાના માતાએ પણ પોતાની પરી એટલે કે વંદનાને ભણાવવવા માટે ખૂબ પરિશ્રમ કર્યો છે. શિક્ષિકાના નાતે પુષ્પાબેન પોતાના ઘરે બાળકોને ટ્યૂશન કરાવતા હતા. તે સમયે વંદના પણ તેમની પાસે જ બેસતી, પોતાની નજર સામે વાંચતા લખતા બાળકોને જોઇને વંદના પણ ભણવા સાથે જીદ કરતી હતી. પરંતુ વંદનાના હાથ-પગ કામ કરતા ના હોવાથી, ઘણી વખત ભીની આંખોએ વંદનાને હાથમાં પેન કે બોલપેન પકડાવી લખાવવા કોશિશ કરતા હતા.

તેમની મહેનત સફળ થઈ અને ધીરે ધીરે વંદના લખતા શીખી ગઈ. ધોરણ 7થી ગ્રેજ્યુએશનનો અભ્યાસ તેણે રાઈટરની મદદથી પાર પાડ્યો. આટલા અભ્યાસ બાદ પણ ના હારેલી કે ના થાકેલી વંદનાએ ભોપાલની યુનિવર્સિટીમાં પીજીડીસીએ અભ્યાસ પણ પૂર્ણ કર્યો. હાલ તે સ્વનિર્ભર બનીને ફોટો કોપી કાઢવાનું કામ જાતે કરી રહી છે. તેની પાસે ફોટો કોપી કઢાવવા આવનાર લોકો પણ તેની ઇચ્છાશક્તિ અને તેના કામ કરવાની રીત જોઈને દંગ રહી જાય છે.

You cannot copy content of this page