Only Gujarat

Gujarat

અકસ્માતમાં કાર સળગતા ભાઈ-બહેનનો આખેઆખો પરિવાર મોતને ભેંટ્યો, રડાવી દેતી તસવીરો

સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર પાટણ જિલ્લાના ભાઈ અને બહેન એમ બંનેનો પરિવાર એક કારમાં સળગીને ભડથું થઈ ગયો હતો. એક સમયે તમામના મૃતદેહોને ઓળખવા પણ મુશ્કેલ થયા હતા. સાંતલપુર તાલુકાના કોરડા ગામથી બહેન તેના પરિવાર સાથે ભાઈના ઘરે ગઈ હતી. ત્યાંથી દર્શનાર્થે ભાઈના પરિવાર સાથે દર્શને ગયા હતા. જો કે આ દર્શન ભાઈ અને બહેનના આ બે પરિવારોના માસૂમ બાળકો સહિત છેલ્લા દર્શન બન્યા હતા અને દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતો.

કોરડામાં રહેતા અને વારાહીમાં નાયીની દુકાન ચલાવતા રમેશભાઈ નાયી બે દિવસ પહેલા તેમના પરિવાર સાથે સાળાના ઘરે રાધનપુર તાલુકાના નાનપુરા ગયા હતા. ત્યાંથી બન્ને પરિવારો બાળકો સહિત ચોટીલા માતાજીના દર્શનાર્થે ગયા હતા. આજે સવારે પરત ફરતાં ગમખ્વાર અકસ્માત સર્જાતા બન્ને પરિવારો ગાડીનો અકસ્માત બાદ લાગેલી આગમાં કારમાં જ મોતને ભેટ્યા હતા. એક જ પરિવારનો જીવનદીપ બુઝાઈ જતાં નાનકડા ગામમાં શોકનો માહોલ છવાયો હતો અને ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.

પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો ડમ્પર પાછળ ઈકો કાર ઘૂસતા કારમાં સ્પાર્ક થયો હતો, જેના બાદ એકાએક આગ ભભૂકી ઉઠી હતી. અકસ્માતમાં ઘવાયેલા લોકો કારની બહાર ન નીકળી શકતા કારમાં સવાર ડ્રાઈવર સહિત તમામ સાત આગની જ્વાળાઓની ઝપટમાં આવી ગયા હતા અને સ્થળ પર જ ભડથું થઈ ગયા હતા. તેમના મૃતદેહો એટલી હદે ભસ્મીભૂત થઇ ગયા હતા કે ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી અને સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે તમામ મૃતકો કોરડા અને નાનાપુરના નાયી પરિવારના વતની છે.

ગાડીનો માલિક અને હરેશભાઈના પિતરાઈ ભાઈ ઘટનાસ્થળે પહોંચીને દુઃખી થઈ ગયા હતા. જ્યારે તેમના અન્ય પિતરાઈ કનુભાઈએ હૈયાફાટ રૂદન કરીને હાજર સૌ કોઈની આંખોમાં અશ્રૃ લાવી દીધા હતા. તેમણે કહ્યું કે હરેશની માતાને સાતેય ગાડીમાં ભડથું થયાની ઘટનાની ખબર નથી.

મૃતકોના નામ

  1. નાઇ રમેશભાઇ મન્સુખભાઇ
  2. નાઇ કૈલાષબેન રમેશભાઇ
  3. નાઇ શિતલ રમેશભાઇ
  4. નાઇ સનીભાઇ રમેશભાઇ
  5. નાઇ હરેશભાઇ ચતુરભાઇ
  6. નાઇ સેજલબેન હરેશભાઇ
  7. નાઇ હર્ષિલભાઇ હરેશભાઇ
You cannot copy content of this page