Only Gujarat

Gujarat

મૃત્યુ બાદ આજે પણ દુનિયા યાદ કરી રહ્યું છે આ ગુજરાતની દીકરીને, વાંચીને તમે પણ ભાવુક થઈ જશો

અંગદાનને મહાદાન કહેવાય છે અને આ મહાદાન માટે યજ્ઞ ચલાવી રહ્યા છે રાજકોટના ભાવનાબેન મંડલી. વર્ષ 2016માં તેમની 16 વર્ષની દીકરીનું એકાએક બ્રેઈન ડેડ થતા તેઓ ભાંગી પડ્યા હતા. જો કે તેમણે હિંમત રાખીને દીકરીની બે કિડની, લિવર, હાર્ટનું દાન કર્યું. તેમની લાડલી રાધિકા બ્રેઈન ડેડ ભલે થઈ, પણ હજી ચાર લોકોના શરીરમાં જીવે છે. પોતાની દીકરીના આ મહાન કાર્યને આગળ ધપાવવા માટે ભાવનાબેને ઓર્ગન ડોનેશન થકી બીજાના જીવ બચાવવાને જ પોતાના જીવનનું લક્ષ્ય બનાવી દીધું છે. તેમણે છેલ્લા 3 વર્ષમાં 106 કિડની, 48 લિવર, 160 ચક્ષુદાન કરાવ્યા છે.

એક દિવસ ભાવનાબેન મંડલી દીકરી રાધિકાને સમજાવી રહ્યા હતા કે બેટા તું જીવનમાં એવું કંઈક કરી બતાવ કે આખી દુનિયા તને યાદ કરે. થોડા દિવસો બાદ રાધિકાને અચાનક માથામાં દુખાવો થયો. તેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવી. જ્યાં ડોક્ટરોએ તેણે બ્રેઈન ડેડ જાહેર કરી ત્યારે પરિવાર માથે જાણે આભ તૂટી પડ્યું, પરંતુ તબીબોએ સમજાવતા માતા-પિતાએ રાધિકાની બે કિડની, હાર્ટ અને લિવર દાન કરવાનો નિર્ણય કર્યો. રાધિકાના અંગોથી ચાર વ્યક્તિને નવજીવન મળ્યું. ધોરણ-10ની પરીક્ષામાં રાધિકાને 82.33 પર્સન્ટાઈલ આવ્યા. જીવતા તો ન થઇ શક્યું,પરંતુ મૃત્યુ બાદ રાધિકાને દુનિયા આજે પણ યાદ કરી રહી છે. તેના અંગો આજે પણ બીજા જીવમાં જીવંત છે.

ભાવનાબેને અંગદાનની પહેલ પોતાના ઘરથી જ કરી અને ત્યારબાદ જાણે સામાજિક જવાબદારી બની ગઈ હોય તેમ તેઓ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સાથે જોડાયા અને ત્રણ વર્ષમાં 106 કિડની, 48 લિવર અને 160 જેટલા ચક્ષુદાન કરાવ્યા છે. જરૂરિયાતો માટે સંજીવની બની ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા શહેરમાં ઠેર ઠેર જઈને જાહેર કાર્યક્રમો થકી અંગદાન અંગે જાગૃતિ કેળવી છે અને અત્યાર સુધીમાં અંદાજિત 10 હજારથી વધુ લોકોને અંગદાન કરવાના સંકલ્પ લેવડાવ્યા છે.

રવિવારે વિશ્વ દીકરી દિવસે હતો ત્યારે પોતાની લાડકવાયી રાધિકાને યાદ કરીને ભાવનાબેન કહે છે, આજે મને ગર્વ છે કે, મારી ઓળખનું કારણ મારી દીકરી રાધિકા છે. તેણે જે ચાર લોકોને નવજીવન આપ્યું તેમનામાં તે જીવી રહી છે.

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રમાં જુદા જુદા સ્થળોએ પણ યોજાતા લગ્નો, સમૂહલગ્નો, સત્કાર સમારંભ જેવા શુભ અને બેસણાના દુ:ખદ પ્રસંગોમાં પણ જઈને લોકોને અંગદાન કરવા માટે જાગૃત કરે છે. લોકોને વ્યક્તિગત પણ મળીને તમામ જાણકારી આપી કાઉન્સેલિંગ કરે છે. હોસ્પિટલમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેમના પરિવારને પણ અંગદાનની સમજ આપે છે.

ભાવનાબેન કહે છે કે, અંગનું દાન જીવતા અને મૃત્યુ બાદ પણ થઇ શકે છે. જીવતા વ્યક્તિની કિડની ફેલ થઇ હોય તો તેના બ્લડ રિલેટિવ જ કિડનીનું દાન કરી શકે છે. હાર્ટએટેકથી શરીરના મોટાભાગના અંગો મૃત્યુ પામે છે. જો કેઆ સંજોગોમાં પણ આંખ, ચામડી, હાડકાનું દાન કરી શકાય છે. મગજમાં ઈજા થાય, બ્રેઈન ડેડ થાય ત્યારે આંખો, કિડની, લિવર, હૃદય, ચામડી, સ્વાદુપિંડ, આંતરડાનું દાન કરી શકાય છે. મૃત વ્યક્તિનું ચક્ષુદાન તો કરી જ શકાય છે.

You cannot copy content of this page